SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતીવાર કર્યું છે. એના માટે આ મનુષ્યજન્મ બગાડવાની જરૂર નથી. આપણે મનુષ્યજન્મ પામીને પુણ્ય ભોગવવાની અને પુણ્ય ભેગું કરવાની પ્રવૃત્તિ કરીએ છીએ, શાસ્ત્રકારો કહે છે કે પુણ્ય છોડવા માટે આ મનુષ્યપણું છે. મનુષ્યજન્મ મળ્યા પછી પણ સુખ ભોગવવાની વૃત્તિ જોર કરે છે માટે ધર્મનું શ્રવણ કરવાનું મન નથી થતું અને ધર્મનું શ્રવણ કર્યા પછી એકાગ્રતાપૂર્વક સાંભળવાની તૈયારી નથી. સંશય ટાળવાની પણ તૈયારી નથી તેથી શ્રદ્ધા જાગતી નથી. વરસોથી વ્યાખ્યાન સાંભળવા છતાં પણ આજે આપણે અજ્ઞાની રહ્યા હોઇએ તો તે શ્રદ્ધાના અભાવે. શ્રદ્ધાપૂર્વક સાંભળે તો જ્ઞાન મળે અને જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ શ્રદ્ધા વધતી જાય. પરંતુ તે માટે સૌથી પહેલાં એટલું નક્કી કરવું છે કે શ્રદ્ધા પ્રગટ કરવા માટે જ ધર્મનું શ્રવણ કરવાનું છે. ધર્મનું શ્રવણ કરે તેને સંસારની અસારતાનું ભાન થયા વિના ન રહે. સંસારને છોડવાનું કામ એકદમ સહેલું છે પણ સંસારને ઓળખવાનું કામ કપરું છે. સ૦ ધર્મના ક્ષેત્રમાં જ્ઞાન તો મેળવીએ છીએ પણ શ્રદ્ધા નથી થતી. તેનું કારણ એક જ છે કે તમારે ભણીને વિદ્વાન થવું છે પણ ભણીને સર્વજ્ઞ નથી થવું. સર્વજ્ઞ થવા માટે ભણ્યા હોત તો શ્રદ્ધા પ્રગટ્યા વિના ન રહેત. આ તો વિદ્વાન થઇને બીજાને ભણાવવા બેસી જાય. સારો સંગીતકાર મળે તો તમે ગાવા બેસો કે સાંભળવા બેસો ? તો સમર્થ વિદ્વાન ગુરુભગવંત આવ્યા હોય તો તેમની પાસે ભણવાનું મન થાય કે બીજાને ભણાવવાનું મન થાય ? આપણને શ્રુતજ્ઞાન જાતે ભણવાથી મળી રહે પણ મતિજ્ઞાનનો ક્ષયોપશમ ગુરુની કૃપા વિના ન મળે. આપણી પાસે જ્ઞાન ગમે તેટલું હોય, અનુભવજ્ઞાન તો ગુરુ પાસે જ હોય. તે મેળવવું હોય તો ગુરુ પાસે ભણવું છે અને તે પણ વિદ્વાન થવા માટે નહિ, સાધુ થવા માટે ભણવું છે. બીજાને કામ લાગે માટે ભણે તેને સમ્યગ્દર્શન ન મળે. અભવ્યો નવ પૂર્વ સુધી ભણે, પણ તે બીજાને સમજાવવા માટે ભણે, જાતને સમજાવવા નહિ ને ? એક ડૉક્ટર અમારા વ્યાખ્યાનમાં રોજ આવતા, મેં પૂછ્યું કે ‘તમારે આ ટાઇમે પેશન્ટ નથી આવતા ?’ ત્યારે તેણે કહ્યું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૧૮ કે - ‘આવે તો છે, પણ હું પૂજન ભણાવવા જઉં છું, તેથી મારે ત્યાં લેક્ચર કરવું હોય તો થોડું જ્ઞાન જોઇએ માટે આવું છું.’ આવાને સાંભળવા છતાં શ્રદ્ધા ક્યાંથી પ્રગટે ? એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારા વ્યાખ્યાનમાં નિયમિત આવતો. ધ્યાનથી સાંભળતો હતો, આપણને એમ લાગે કે જિજ્ઞાસુ છે, ધર્મનો અર્થ છે. પણ પછી ખબર પડી કે એને પરદેશમાં લોકોને ભણાવવા જવાનું હતું તેથી તેનું ભાથું ભરવા આવેલો. હવે આવાને ભણાવીએ તો એને લાભ થાય કે બીજાને ? આપણે એમ સમજીએ કે આપણે એક દીવો પ્રગટાવ્યો કે જે બીજાને પ્રકાશ આપશે, પણ દીવા નીચે તો અંધારું જ રહેવાનું. ભણ્યા પછી પણ સંસારનું સુખ જ ગમ્યા કરે અને પાપથી આવનારું દુ:ખ અકારું જ લાગ્યા કરે તો સમ્યગ્દર્શન ન આવે. આજે સુખની લાલચ ઘણી છે તેથી શ્રદ્ધા પ્રગટતી નથી. લાલચના કારણે માંગણવૃત્તિ એવી આવી છે કે ગુરુને અને ભગવાનને પણ છોડતા નથી. પેલો રસ્તાનો ભિખારી સારો કે તમારી પાસે જ માંગે છે. સ૦ એ બહાર ઊભો માંગે, અમે અંદર જઇને માંગીએ ! તમે તો અંદર જઇને પણ માંગો અને જાહેરમાં પણ માંગો. તમને માંગતાં સંકોચ પણ ન થાય ને ? આજે નિયમ આપી દઉં કે ચાર માણસ વચ્ચે ઉઘરાણી ન માંગવી. આ તો ધર્મસ્થાનમાં પકડે, નાતના પ્રસંગે ભેગા થયા હોય ત્યાં ચાર માણસ સામે ઉઘરાણી માંગીને પેલાને શરમમાં પાડે. તમારા પૈસા છે - એમ માનીને તે લેવા હોય તો તમે જાણો ને તમારું કામ જાણે, પરંતુ જાહેરમાં આ રીતે આબરુ ન લેવાય. આ તો પાછા કહે કે જાહેરમાં માંગીએ તો જ આપે.’ સ૦ ઉઘરાણી ઉપર અમારી માલિકી તો ખરી ને ? તમારી પાસે જે છે તેના પર પણ તમારી માલિકી નથી તો જે આપી દીધું છે એના ઉપર તમારી માલિકી કઇ રીતે માની શકો ? સુખની લાલચ માર્યા વિના મિથ્યાત્વ નહિ ટળે. મિથ્યાત્વ નડતું ન હોય તો ચારિત્રમોહનીયના ઉદયમાં પણ ચારિત્રમોહનીયની નિર્જરા થાય, જ્યારે મિથ્યાત્વ એટલું ભયંકર છે કે ચારિત્રની હાજરીમાં પણ નિર્જરા કરવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૧૯
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy