SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અધિક અધિક કરીશું તેટલી આપણા કુળની, ઉચ્ચ ગોત્રની, આપણા વડીલોની શોભા વધવાની છે. કોઈ કહે તેની પહેલાં આપણે જાતે સુધરી જવું છે. દુનિયાના લોકો કઈ રીતે જીવે છે - એ જોયા કરે તે પ્રતિજ્ઞાનું પાલન ન કરી શકે. લોકોની સામે જેવું નથી, શરીર સામે પણ જોવું નથી, માત્ર આત્મા સામે જોઈને ચાલવું છે. જેઓ ઉત્તમ કુળમાંથી આવેલા છે, ઉત્તમ સંસ્કારો લઈને આવ્યા છે, લોકોત્તર માર્ગના આરાધક છે, છઠ્ઠા-સાતમા ગુણઠાણાના ધણી છે તેઓને પણ ચાલવાનું, બેસવાનું, ઊભા રહેવાનું, ખાવાનું કે બોલવાનું નિયંત્રણ બતાવે તો તેમના માટે લજ્જાસ્પદ ગણાય ને ? કુલીન લોકોને આ બધું શીખવવું પડે – એ તેમના પ્રત્યેની અવિશ્વાસની લાગણીને સૂચવનાર છે ને ? પરંતુ આમાં અવિશ્વાસની લાગણી નથી, આપણી સલામતીનો સવાલ છે. ગયેલા દોષો ક્યારે પાછા ઊભા થાય તે કહેવાય નહિ, તેથી આ નિયંત્રણ જણાવ્યું છે. ચારિત્રધર પ્રત્યે અવિશ્વાસ છે એવું નથી, પરંતુ સુખની લાલચે ભયંકર છે. સુખની આસક્તિ હલ્લો કરે અને તેથી આપણે પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈ જઈએ, માર્ગથી ખસી જઈએ, ઉન્માર્ગગામી બની જઈએ : એવું ન બને તે માટે આ ઉપદેશ છે. તમે પણ દીકરો બહારગામ જતો હોય તો તેને કહો ને કે - ‘ભાઈ સંભાળીને જજે.' આ અવિશ્વાસની લાગણી છે કે સુરક્ષાની? ત્યાં ‘સંભાળજે' કહેનારા ગમે અને અહીં જો ગુરુભગવંત કહે કે ‘આમ ન બેસાય, આમ ન બોલાય...' તો એમ થાય કે ‘અમને એટલી ય ખબર નહિ પડતી હોય ?' દીક્ષા લીધા પછી જેમ દુ:ખ ભોગવવાનાં નિમિત્તો મળે તેમ સુખશીલતાનું પોષણ થાય એવાં નિમિત્તો પણ જોઈએ એટલાં મળે છે, તેથી જ આટલી સાવધાની રાખવાનું જણાવ્યું છે. ગૃહસ્થપણામાં તો કામ જ એટલાં હોય કે વિકથા કરવાનો ટાઇમ ન મળે જ્યારે અહીં તો વિકથા કરવાનો પૂરતો ટાઇમ મળે ! ત્યાં વિગઈઓ પરિમિત વાપરતા, જ્યારે અહીં તો વાપરવી હોય તો અપરિમિત વિગઈઓ વાપરી શકાય ! ત્યાં તો સૂવાનો સમય પણ મર્યાદિત, જ્યારે અહીં તો છ કલાકની નિદ્રા તો સત્તાવાર લે અને વ્યાખ્યાન, વાચના, પ્રતિક્રમણ, સ્વાધ્યાય કરતાં કરતાં જે ઝોકાં ખાય તે વધારામાં ! આમ તો બધી ભેગી કરીને દિવસ-રાતની છ કલાક નિદ્રા ગણવાની હતી, એના બદલે આ તો રાતના છ કલાક ગણે, દિવસની તો ગણે જ નહિ – એ ચાલે ? સુખ ભોગવવાનું મન થાય તો અયતના આવવાની જ. તેથી યતનાનું પાલન કરવું હોય તો સુખ ભોગવવાની વૃત્તિ ટાળવી પડશે. જમતી વખતે પણ કાગડા વગેરેની જેમ ન ખાવું. કાગડો તો ઘડીકમાં અહીં ચાંચ મારે તો ઘડીકમાં ત્યાં ચાંચ મારે. એક વસ્તુ હાથમાં લીધેલી હોય તે પૂરી ન કરે, અધૂરી રાખીને બીજી હાથમાં લે, એવું સાધુ ન કરે. ઘડીકમાં રોટલી વાપરે તો ઘડીકમાં શાક વાપરે, વચ્ચે ચટણી કે પાપડ વાપરે... આ કાક-ભોજન છે. જે વાપરવા લીધું તે પૂરું કરીને બીજું હાથમાં લેવું તેને સિંહભોજન કહેવાય. રોટલી વાપરવાની પૂરી કરીને પછી શાક વાપરવાનું, બે ભેગાં કરીને ન વાપરવાં : એ યતનાપૂર્વકનું ભોજન કહેવાય. બોલતી વખતે પણ ગૃહસ્થની ભાષામાં ન બોલવું તેમ જ નિષ્ફર ભાષાથી ન બોલવું. વચનમાં કઠોરતા ન હોવી જોઈએ. કોઈ વાર વચનમાં કડકાઈ હોય તોપણ હૈયાના ભાવ કઠોર ન હોવા જોઈએ. સામા પ્રત્યેના દ્વેષથી જે ભાષા બોલાય છે તે નિષ્ફર ભાષા છે. દ્વેષપૂર્વક બોલાયેલાં વચનો કોમળ હોવા છતાં તે નિષ્ફરભાષાને ટપી જાય એવાં હોય છે, તેથી એવી ભાષામાં સાધુ ન બોલે. સાધુ આજ્ઞાપની ભાષામાં ન બોલે. ‘આ લો, આ મૂકો, આ લાવો, આ આપો’ આવું ન બોલાય. નાનાને ‘આટલું કરી આપશો ?' એમ કહેવું. ‘આટલું લેતાં આવજો' ન કહેવું, ‘આટલું લેતાં આવશો ?” એમ નમ્રતાથી પૂછવું. અને વડીલને તો ‘મારી ઉપર કૃપા કરીને આટલું કરી આપશો’ એમ વિનંતિના સ્વરે કહેવું. સાધુપણાના પ્રત્યેક આચારમાં વિનય નીતરતો દેખાય. આવી ભાષા વાપરે તો કોઈ ઝઘડાટંટા કે ફ્લેશકંકાસ થાય નહિ, પરમશાંતિનું ધામ હોય એવું લાગે. જોનારને પણ સાધુપણા પ્રત્યે બહુમાન જાગે. આ બધું યોગ્યને કહેવાય. અયોગ્યની તો ઉપેક્ષા કર્યે જ છૂટકો. યોગ્યને વગર ગુને દસ વાર ફટકારશો તોપણ તે વધુ યોગ્ય બનશે. સોનાને ગરમ કરીએ તો વધુ નિર્મળ બને ને ? બરફ તપાવીએ તો ઓગળીને પાણી થઈને ઊડી જાય. તેમ અયોગ્યને ફટકારીએ તો વધુ અયોગ્ય બને, અયોગ્યની ઉપેક્ષા કરવાનું અમને આચાર્યભગવંતે શીખવેલું. એક વાર વિહારમાં દોષિત ગોચરી વાપરવી ન પડે તેથી કેટલાક સાધુઓ વિહાર કરીને આગળ જવા તૈયાર થયેલા. તે વખતે આચાર્યભગવંત પછીના જે પ્રવર્તક મહાત્મા હતા તેમણે સાધુઓને પૂછયું કે ‘તમે સાહેબને પૂછ્યું ?' પેલા સાધુઓએ કહ્યું, ‘હા, પૂછ્યું.' પ્રવર્તક મહાત્માએ આચાર્યભગવંતને આવીને પૂછ્યું કે આ સાધુઓ આપની રજા લઈને નીકળ્યા છે ?' ત્યારે આચાર્યભગવંતે ના પાડી. આથી (૧૬૩)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy