________________
વખતે દેવકીમાતાએ તથા કૃષ્ણમહારાજાએ તેમને કહ્યું હતું કે ‘તારા વાળ સોના જેવા છે અને કાયા સુકોમળ છે... ત્યારે ગજસુકુમાલકુમારે કહ્યું હતું કે કાયા ગમે તેટલી સારી હોય તોપણ એ વિણસી જવાની છે. તેમના તાજા લોચ કરેલા
માથે સગડી મુકાઈ છતાં તે શાંતિથી સહન કરી ને ? આ તો આપણને પૂછવા આવે કે માથે અંગારા મુકાયા તો તેઉકાયની વિરાધના થાય ને ? આપણે કહેવું પડે કે હલે-ઊંચાનીચા થાય તો વિરાધના થાય. બાકી જેણે કાયાને વોસિરાવી દીધી હોય, કાયાની મમતા મૂકી દીધી હોય તેને કાયાથી થતી વિરાધનાનું પાપ ન લાગે. દાઝી જવાના ભયના કારણે અગ્નિથી દૂર રહેવું અને અગ્નિના સંઘટ્ટાથી વિરાધના થાય છે - એવી વાત કરવી, આ તો એક માયા છે. એક વાર દુઃખ વેઠવાની તૈયારી થાય તો જયણા પાળવાનું કામ સહેલું છે. જ્યાં સુધી દુઃખ ટાળવાનો અને સુખ ભોગવવાનો અધ્યવસાય પડ્યો હશે ત્યાં સુધી એક નહિ તો બીજી રીતે વિરાધના થવાની. આ તો ઉપાશ્રયની પણ અનુમોદના કે નિંદા કરવા બેસી જાય કે – “આ મકાનમાં સામસામે બારી છે એટલે હવા સારી આવે છે, પેલા મકાનમાં તો સામસામે બારી જ નથી. સામસામે બારી રાખવી જોઈએ કે જેથી વચ્ચેથી હવા પસાર થઈ જાય.' આવું બોલતી વખતે એવો વિચાર ન આવે કે હવાની સાથે વચ્ચેથી સંયમ પણ પસાર થઈ જાય ! રાત્રે સૂતા હોય ત્યારે પણ વાયુકાયની વિરાધનાથી બચવાનું કામ કપરું છે. ‘રાત્રે બિલકુલ પવન ન હતો પણ પાછળથી ઠંડક થઇ ગઈ હતી.' આવું બોલે તો અનુમોદનાનું પાપ લાગ્યા વિના ન રહે. ગમે તેટલી ગરમી પડે છતાં વેઠી લેવી છે, વસ્ત્રના છેડાથી પણ પવન નાંખવો નથી. નરક-તિર્યંચમાં તો આના કરતાં કંઈકગણી ગરમી વેઠી છે, એના હિસાબમાં આ તો કાંઈ નથી - એમ વિચારીને આપણા સુખ ખાતર વાયુની વિરાધના નથી કરવી.
સ૦ પવનની લહેર આવે અને એમાં આનંદ આવે, ‘હારા !' થાય તો પાપ લાગે ?
એટલે તમારે એમ કહેવું છે કે ‘પવન ખાવામાં વાંધો નહિ, માત્ર આનંદ થાય તો પાપ લાગે' – ખરું ને ? પરંતુ એવું નથી. વાયુની શાતા ભોગવી તેમાં અવિરતિનું પાપ તો છે જ, જ્યારે એમાં આનંદ થાય તો રતિનું પાપ નવું બંધાય.
(૪૬)
સુખનો રાગ એ અવિરતિ છે અને સુખમાં જે મજા આવે છે તે મિથ્યાત્વ છે. રાગના જે કારણે પ્રવૃત્તિ થાય છે જ્યારે રતિના કારણે એ પાપ ચીકણું થાય છે. એ જ રીતે દુ:ખ ઉપરનો દ્વેષ તે અવિરતિ. અને દુઃખ ઉપરનો જે સતત ઉદ્વેગ તે મિથ્યાત્વ છે. સુખમાં રિત ન હોય અને દુઃખમાં અરિત ન હોય તો અનુબંધથી બચી શકાય પણ રાગ અને દ્વેષના કારણે બંધ તો ચાલુ જ રહેવાનો છે. આપણે પાપના બંધથી પણ બચવું છે. રાગ એ કારણ છે અને રતિ એનું કાર્ય છે. રાગથી પ્રવૃત્તિ કરવી નથી, કદાચ પ્રવૃત્તિ થઈ જાય તોપણ રિત નથી કરવી. રાગ અને દ્વેષ; રતિ અને અરિત દ્વારા આ સંસારમાં રખડાવે છે માટે આપણે સાવધ થઇ જવું છે. આપણે કેટલું સારું કર્યું છે – એ નથી જોવું, કેટલું નડે છે - એ જોવું છે. દૂધપાક ગમે તેટલો સારામાં સારો હોય પણ દૂધપાકના તપેલામાંથી ગિરોળી નીકળે તો એ બધો દૂધપાક ફેંકી દેવો પડે ને ? તેમ આપણે ગમે તેટલું ઊંચામાં ઊંચું સાધુપણું પાળીએ પણ સુખના રાગનું ઝેર પડ્યું હશે ત્યાં સુધી એ સાધના નકામી જવાની.
જેને મોક્ષે જવું હોય તેણે આચારનું પાલન અવશ્ય કરવું જ પડશે. આચારના પાલનને પ્રાધાન્ય આપ્યા વિના પરિણામની પણ શુદ્ધિ થવાની નથી. આચારપાલનમાં પણ મુખ્યતા યતનાની છે. આ યતના પ્રમાદના ત્યાગ વગર નહિ પળાય. જીવ મરી જાય તે જેટલું ખરાબ છે તેના કરતાં જીવ ન મરે તેવી ભાવનાનો અભાવ વધુ ખરાબ છે. આપણે જાણીજોઈને દુઃખ નથી આપતા – એ બરાબર છે, પરંતુ આપણા નિમિત્તે પીડા ન થાય તેવો પ્રયત્ન ન કરીએ - એ ન ચાલે. પાપ કરવાનો પરિણામ નથી એમ કદાચ કહીએ તોપણ પાપ થઈ ન જાય તે માટેની કાળજી ન હોય ત્યાં સુધી પાપ ટાળવાનો પરિણામ નથી - એમ તો માનવું જ પડે ને ? આપણા કારણે કોઈ પણ જીવને થોડી પણ પીડા ન થાય તે માટે ખૂબ ઉપયોગપૂર્વક જીવવું પડે, અપ્રમત્તપણે દરેક ક્રિયામાં વર્તવું પડે, શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાના ચોકઠામાંથી બહાર નીકળી ન જવાય તે માટે સતત સાવધાની રાખવી પડે. અપ્રમત્તતાની જરૂર ક્રિયા માટે નહિ, ક્રિયામાં દોષ લાગી ન જાય એ માટે છે. આપણને ક્રિયા રહી ન જાય તેની જેટલી ચિંતા છે તેટલી દોષ રહી ન જાય તેની નથી ! ધંધો કરનારને પણ કમાણી ઓછી થાય તોય તે પાલવે, પણ માલ ચોરાઈ ન જાય એ માટે અપ્રમત્ત રહેવું પડે ને ? ખરીદી કરવા આવનાર માલ લે કે ન લે, પણ એકે ચીજ જતી ન રહે
(૧૪૭)