SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વચ્છંદીપણામાં વિચરવાથી કેટલા દોષો લાગે છે તે જણાવ્યું છે. તે ગ્રંથમાં શિષ્ય શંકા કરે છે કે ગુરૂકુળવાસમાં રહેવાથી આટલા આટલા દોષ લાગે છે તેથી એકાકી વિહાર કરવો સારો. તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે કે ગુરૂકુળવાસમાં જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ જે રીતે થાય છે તેના કારણે દોષો પણ દોષરૂપ ગણાતા નથી. ગુરુકુળવાસમાં લેવાતા દોષો ગુરુની આજ્ઞાને લઈને સેવાતા હોવાથી દોષરૂપ નથી રહેતા. જ્યારે એકાકી વિહારમાં સ્વચ્છંદીપણાના અનેક દોષો રહેલા છે... આ બધું જ તેમાં વિસ્તારથી જણાવ્યું છે. ગુરુશિષ્યની પ્રશ્નોત્તરીમાં જ એ ‘ઉપદેશરહસ્ય' ગ્રંથ પૂરો થાય છે. ભગવાનની આજ્ઞા મુજબ અપવાદના સ્થાને અપવાદ સેવવો એ માર્ગ છે જ્યારે ઇચ્છા મુજબનો ઉત્સર્ગમાર્ગ એ પણ ઉન્માર્ગ છે. તીર્થંકર પરમાત્માએ અર્થથી ઉપદેશેલી દ્વાદશાંગીનું રહસ્ય આ એક જ છે કે - આપણી ઇચ્છા મુજબ ન જીવવું અને ગુરુની આજ્ઞા મુજબ જીવવું. આપણી ઇચ્છાથી કરેલું સારું લાગતું હોય તો પણ તે સારું નથી અને ગુરુની આજ્ઞાથી કરેલું સારું ન લાગતું હોય તો પણ સારું છે. એક રાજાના દ્વારપાળને રાત્રે સ્વપ્ન આવ્યું. તેમાં તેણે જોયું કે બીજા દિવસે સવારે રાજા જે નવા મહેલમાં રહેવા જવાનો હતો તે મહેલ ભાંગી પડવાનો છે. દ્વારપાળે વહેલી સવારે રાજાને એ વાત જણાવી. તેથી રાજા પણ નવા મહેલમાં ગયો નહિ. થોડી વારમાં એ મહેલ ભાંગી પડ્યો. આ રીતે સ્વપ્ન સાચું પડવાથી રાજાએ દ્વારપાળને ઇનામ આપ્યું અને સાથે દ્વારપાળની નોકરીમાંથી રજા પણ આપી. કારણ કે દ્વારપાળને સ્વપ્ન ક્યારે આવે ? ઊંઘ આવે ત્યારે ને ? જેને ઊંઘ આવે તે દ્વારપાળની નોકરી કરી શકે ?! જે કામ જેનું હોય તે કામ તે ન કરે એ સારું નહિ. સાધુપણું ઇચ્છા મુજબ જીવવા માટે નથી, આજ્ઞા મુજબ જીવવા માટે છે. આથી જ સાધુભગવંતોને દીક્ષા વખતે નામસ્થાપન કરવામાં આવે ત્યારે તેમનું પોતાનું નામ જણાવવા પહેલાં ચારનાં નામ જણાવવામાં આવે છે. આ ચારને માથે રાખીને સાધુપણું પાળવાનું છે - એ સમજાવવા માટે આચાર્યભગવંત, ઉપાધ્યાયભગવંત, પ્રવર્તિની (સાધ્વીને) અને ગુરુનું નામ પહેલાં જણાવીને પછી સાધુ કે સાધ્વીનું નામ જણાવાય છે. આ વડીલોની આજ્ઞામાં રહેવું - એ પ્રમાણે ભગવાનની આજ્ઞા છે. જે આચાર્યભગવંતનું કે ગુરુનું ન માને તેને તીર્થંકરની આજ્ઞાના ભંગનું પાપ લાગે. સાધુઓ પોતાની મેળે જીવતાં સ્વચ્છંદી ન બને તે માટે ચોવીસ કલાક નિશ્રા આપી છે, કે જેથી (૯૦) = એક પણ પાપ સેવાઈ ન જાય. ઉપદેશરહસ્ય ગ્રંથ નિશ્ચયનયનો નથી. નિશ્ચયથી તો કોઈ ગુરુ નથી ને કોઈ શિષ્ય નથી. જ્યાં ગુરુશિષ્યની વાત આવતી હોય તે વ્યવહારનય કહેવાય, નિશ્ચય નહિ. જ્યાં સુધી આપણે પરિપૂર્ણ ન થઈએ ત્યાં સુધી વ્યવહારમાં જ જીવવાનું છે. દ્વાદશાંગીના પ્રણેતા, ચૌદ હજાર સાધુના નેતા પણ છેડો ભગવાનનો ઝાલતા હતા. ગૌતમસ્વામી મહારાજા ભગવાનની નિશ્રામાં રહેતા હોય તો આપણને ગુરુની નિશ્રામાં રહેવામાં શું વાંધો આવવાનો હતો ? પરંતુ જાણે ઈચ્છા મુજબ જીવવા માટે જ સાધુ થયા ન હોઈએ - એવી રીતે જીવીએ છીએ ને ? અહીં સાધુની પ્રતિજ્ઞામાં પહેલાં ‘પડિકમામિ’ જણાવ્યું છે પછી ‘નિંદામિ' ત્યાર બાદ ‘ગરિહામિ' અને અંતે ‘અપ્પાણે વોસિરામિ' જણાવ્યું છે. જ્યાં સુધી પ્રતિક્રમણ ન કરે અર્થાત્ ભૂતકાળમાં કરેલું ભૂંડું ન લાગે ત્યાં સુધી પ્રતિજ્ઞા ન અપાય. ભૂતકાળમાં અજ્ઞાનના કારણે પાપ કરેલું - એની ના નહિ, પરંતુ જે કર્યું તે ખોટું કર્યું એવું તો લાગે ને ? અજ્ઞાનમાં કરેલાં પાપો પણ ખટકે ત્યારે પ્રતિજ્ઞા લેવાની યોગ્યતા આવે. ભૂતકાળના પાપને માફ કરવાની વાત કરે તેવાનું અહીં કામ નથી. ભૂતકાળનાં પાપને ભૂંડા કહીને તેનાથી પાછા ફરવાની તૈયારી હોય તેને પ્રતિજ્ઞા અપાય. પાપની આલોચના કરતી વખતે પાપ માફ કરવાની ઇચ્છા હોય કે પાપની સજા માફ કરવાની ભાવના હોય અને પાપ તો પાછાં કરવાની તૈયારી હોય તો એ આલોચના આલોચના ન કહેવાય. દીક્ષા પાપ માફ કરવા માટે નથી, પાપથી છૂટવા માટે છે. વર્તમાનમાં કે ભવિષ્યમાં પાપ કરવું નથી, પણ ભૂતકાળના પાપની સજા તો ભોગવી જ લઈશ.' આટલો પરિણામ હોય તેને પ્રતિજ્ઞા લેવાનો અધિકાર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે રોજ શુભ ભાવે આલોચના કરવામાં આવે તો પાપની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં પરિણામ કૂણાં પડ્યા વિના ન રહે. દીક્ષા લેતી વખતે ઓછામાં ઓછું કેટલું કરવું જોઈએ ?' એવું નથી પૂછવું. જેટલું કરવા જેવું હોય તે બધું જ કરવાની તૈયારી જોઈએ. દીક્ષા લીધા પછી જેટલાં પાપ ઉદયમાં આવે એ બધાં સમભાવે ભોગવીને પૂરાં કરવાં છે. આપણા ભગવાનને દીક્ષા લીધા પછી એક વરસ સુધી આહાર ન મળ્યો છતાં ભગવાન દીનતારહિતપણે તપોવૃદ્ધિ કરતાં વિચરતા હતા. સાધુપણામાં ગમે તેટલું કષ્ટ પડ્યા પછી પણ જો ગૃહસ્થપણાનું પાપ નેજર સામે આવે તો સાધુપણામાંથી ગૃહસ્થપણામાં જવાનું (૯૧)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy