________________
સમ્પાદકીય નિવેદન
દુષમ કલિયુગને છેદતો, કર્મશત્રુને ભેદતો એવો યોગી હિમાલયથી ઉતરતી ગંગાની જેમ જીવોને પાપોથી નિવારી પવિત્ર કરવા આ અવની પર આવી ચઢ્યો. જેની સ્મરણશક્તિ અદ્ભુત હતી, સર્વ જીવો પ્રત્યે જેનો વિશ્વવ્યાપી પ્રેમ હતો, એવા આશ્ચર્યની મૂર્તિ સમા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો યોગ આવા હુંડાઅવસર્પિણી નામના પંચમકાળમાં થવો એ આપણા ભાગ્યની પરાકાષ્ટાનું સૂચન છે. એવા પરમકૃપાળુદેવના જીવનમાં બનેલ અનેક બોધદાયક પ્રસંગોને આત્મા જીવો સરળતાથી સમજી શકે તે અર્થે, કાલ્પનિક ચિત્રો દ્વારા, પણ જેની હકીકત વાસ્તવિક બનેલ છે એવા પ્રસંગોને આ પુસ્તકમાં પ્રગટ કરીએ છીએ.
ચિત્રો દ્વારા સન્દુરુષના જીવનમાં બનેલ અનેક બોધદાયક પ્રસંગોને જોવાથી મનુષ્યના માનસ ઉપર તેની ઉંડી છાપ પડે છે, અને તે પ્રસંગ યાદ આવતાં તે દૃશ્ય ફરી મનમાં ખડું થઈ જાય છે. ભગવાન શ્રી પાર્શ્વનાથને આ સંસારથી વિરક્તભાવ થયો તેનું નિમિત્તકારણ પણ ચિત્રો હતા. તે વિષે પંચકલ્યાણકની પૂજામાં આવે છેઃ
રાજિમતીકું છોડકે, નેમ સંજય લીના; ચિત્રામણ જિન જોવત, વૈરાગે ભીના.”-પૂજાસંચય (પૃ.૩૬)
એકવાર શ્રી પાર્શ્વકુમાર પ્રભાવતી રાણી સાથે ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં એક સુંદર મહેલ જોઈ તેમાં વિશ્રામ કર્યો. તે મહેલમાં અનેક ચિત્રો બનાવેલ હતાં. તેમાં શ્રી રાજિમતીને છોડી ભર યુવાવયે શ્રી નેમિનાથે સંયમ ગ્રહણ કર્યો એવા ચિત્રોને જોતાં શ્રી પાર્શ્વકુમારને સંસાર પ્રત્યે વિરક્તભાવ થઈ ગયો અને સંયમ લેવાનો નિર્ણય કર્યો. તે ચિત્રો તેમને વૈરાગ્યના નિમિત્તભૂત બન્યા તેમ મહાપુરુષોના કે પરમકૃપાળુદેવના આ જીવંત લાગે એવા ચિત્રો અનેકને બોધદાયક થવા સંભવ છે.
આ પુસ્તકમાં આપેલ ચિત્રો બનાવતાં અઢી વર્ષનો સમય વ્યતીત થયો હતો. તેમાં માર્ગદર્શન અનુસાર ચિત્રો બનાવી આપનાર શ્રી પ્રફુલભાઈ તથા શ્રી મહેશભાઈનો સહકાર પણ પ્રશંસનીય છે.
આ પુસ્તકમાં પ્રત્યેક પ્રસંગના ચિત્રનો મુખ્ય ભાવ, વાચક સહેજે સમજી શકે એવા હેતુએ દરેક પેજમાં તેના મથાળા (શિર્ષક) આપવામાં આવ્યા છે. તેમજ લગભગ પ્રતિ પેજમાં તે તે પ્રસંગથી આપણને શું બોધ કે શિક્ષા મળી શકે તે મુખ્યત્વે પરમકૃપાળુદેવના શબ્દોમાં જ આપવામાં આવી છે. સર્વ પ્રસંગો જીવનકળા, શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી ગ્રંથ કે શ્રીમદ્ભા પરિચયમાં આવેલ મુમુક્ષુઓના લખાણના આધારે મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ “શ્રીમદ્ રાજચંદ્ર' ‘ઉપદેશામૃત' તેમજ બોધામૃત'ના ભાગોમાંથી આપણે આપણા જીવનમાં મુખ્ય શું કર્તવ્ય છે?તે વિષે પ્રત્યક્ષ સત્પરુષ પરમકૃપાળુદેવને માની, તેમની જ શ્રદ્ધા, ભક્તિ, આશા, સત્સંગ આદિ ઉપાસનીય છે વગેરે વિષયોને ઉમેરવામાં આવ્યા છે.
પ્રત્યેક પેજમાં અવતરણ નીચે પુસ્તકનું નામ સંક્ષેપમાં આ પ્રમાણે સમજવા યોગ્ય છે ઃ- શ્રીમદ્ રાજચંદ્ર (વ.....)વ.= વચનામૃત. પૃ. = પૃષ્ઠ, ઉ. = ઉપદેશામૃત, બો. ૧,૨,૩ = બોધામૃત ભાગ ૧,૨,૩ અ. = અદ્ધશતાબ્દી ગ્રંથ.
આ પુસ્તકનું અવલોકન કર્યા પછી શ્રીમદ્ રાજચંદ્રના જીવનને વિસ્તારથી દર્શાવતી ‘જીવનકળા' નામની પુસ્તક તેમજ મોક્ષમાર્ગને સરળતાથી સમજાવનાર શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “મોક્ષમાળા' ગ્રંથને અવશ્ય વાંચવા વિનંતી છે.
વળી આત્મકલ્યાણ અર્થે હે પ્રભુ! હે પ્રભુ !શું કહું', “યમનિયમ', “ક્ષમાપના' “મંત્રસ્મરણ” તેમજ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગ સંબંધી પરમકૃપાળુદેવે શ્રી લઘુરાજ સ્વામીને વસોમાં જણાવેલ કે મુનિ, તમારી પાસે કોઈ આત્મહિતનું સાધન માગે તો તમારે આ બતાવવું. તેથી તેઓશ્રીએ આ ત્રણ પાઠ, મંત્ર સ્મરણ વગેરેની આજ્ઞા અનેકને પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ અંગીકાર કરાવી હતી. તત્પશ્ચાત્ તેમના કહેવાથી પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પણ તે આજ્ઞા અનેક ભવ્યાત્માઓને પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ માન્ય કરાવી. વર્તમાનમાં પણ તે પરમકૃપાળુદેવની આજ્ઞાને દર્શાવતો શિલાલેખ અગાસ આશ્રમના શ્રી રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ પાસે ઉપલબ્ધ છે. તેને વાંચી પરમકૃપાળુદેવને પોતાના ગુરુ માની “સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે” એમ કહી, પરમકૃપાળુદેવને ત્રણ નમસ્કાર કરી આજ્ઞા અંગીકાર કરાય છે. આ પ્રણાલી આજે પણ અગાસ આશ્રમમાં પ્રચલિત છે અને તે આ આશ્રમની આગવી વિશેષતા છે. માટે આત્મકલ્યાણના ઈચ્છુકે પરમકૃપાળુદેવ દ્વારા ઉપદિષ્ટ આ આજ્ઞાને અવશ્ય માન્ય કરી આ દુર્લભ માનવદેહ ધન્ય બનાવવા યોગ્ય છે. આજ્ઞાનું આરાધન ‘એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ' છે. કિં બહુના.
- આત્માર્થ ઈચ્છક, પારસભાઈ જૈન