________________
પરમકૃપાળુદેવના વિયોગથી હૃદયમાં પ્રગટેલ અસહ્ય વિરહ વેદના
શ્રી અંબાલાલભાઈએ પોતાનું હૃદય નીચેના પત્રમાં પ્રગટ કર્યું છે :
“વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં નિઃશંકતાથી, શાંતપણે, કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં એવા પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય ? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય ! અહાહા ! તે વખતના દુઃખનું મોટા કવીશ્વરો પણ વર્ણન કરવાને અસમર્થ છે; તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને વિષે આ પામર જીવોને આપી હે પ્રભુ! તમે ક્યાં ગયા ?
હે ભારતભૂમિ ! શું આવા, દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયો? જો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો; કે નાહક તેં તારી પૃથ્વી ઉપર બોજારૂપ કરી રાખ્યા.
હે મહાવિકરાળ કાળ! તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યોનો તેં ભોગ લીધો, તોપણ તું તૃપ્ત થયો નહીં; અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ, તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુનો તેં જન્માંતરનો વિયોગ કરાવ્યો ! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખો થઈ મારા સામું જુએ છે !
હે શાસનદેવી ! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું ? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિક૨ણયોગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં, તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેનો વિચાર જ ન કર્યો?
હે પ્રભુ ! તમારા વિના અમે કોની પાસે ફરીયાદ કરીશું ? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળુ થાય જ કોણ ? હે પ્રભુ! તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કોમળ વાણી, ચિત્તહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોઘબીજનું અપૂર્વપણું, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાર્થી બોઘ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું ? વિદ્વાન કવિઓ અને રાજેંદ્ર દેવો આપનાં ગુણ સ્તવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણયોગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું યોગબળ, આપે પ્રકાશિત કરેલાં વચનો અને આપેલું બોધબીજ મારું રક્ષણ કરો, એ જ સદૈવ ઇચ્છું છું. આપે સદૈવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્તૃત નહીં કરું.
ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિ-દિવસ રડી રડીને કાઢું છું; કાંઈ
સૂઝ
૧૪૧
પડતી નથી.’’ (જી.પૃ.૨૭૦)