________________
શ્રીમદ્ રાજચંદ્ર
જન્મ
“જનમ્યા શ્રી ગુરુરાજ,
જગતહિત કા૨ણે’
જે મહાપુરુષની વિશ્વવિહારી પ્રજ્ઞા હતી. અનેક જન્મોમાં આરાઘેલો જેનો યોગ હતો. જન્મથી જ યોગીશ્વર જેવી જેની નિરપરાધી વૈરાગ્યમયદશા હતી એવા સમર્થ આત્મજ્ઞાની પુરુષ, આત્મધર્મનો પરમ ઉદ્યોત કરનાર, પરમ જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રપ્રભુનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલ વવાણિયા નામના ગામમાં, વણિક કુટુંબમાં વિ.સં. ૧૯૨૪ની કાર્તિક પૂર્ણિમાના ધન્ય દિવસે રવિવારે તા. ૯-૧૧-૧૮૬૭ના રોજ રાત્રે બે વાગ્યે થયો હતો. તે દિવસ દેવદિવાળીનો હતો.
દેવદિવાળીની રાત્રે ભારતની આ પુણ્યભૂમિ પર આ યુગપ્રધાન પુરુષનો અવતાર તે અજ્ઞાનરૂપ અંધકારને આટોપી લેવા સૂર્યસમાન અને આત્માને અમરપદની પ્રાપ્તિ કરાવવા માટે અમૃત સમાન હતો.
શ્રીમનું જન્મ નામ ‘લક્ષ્મીનંદન’ આપવામાં આવ્યું. સમય જતાં ‘રાયચંદભાઈ'ના નામથી ઓળખાઈ અંતે ‘શ્રીમદ્ રાજચંદ્ર'નામે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા.
આવા અઘ્યાત્મયોગી શ્રીમદ્ રાજચંદ્રનું પવિત્ર જીવન, આત્માર્થી જીવોને મુક્તિમાર્ગનું મંગળ મંડાણ કરાવી આત્મશુદ્ધિ અથવા આત્મસિદ્ધિ પ્રાપ્ત કરાવવામાં પ્રબળ પ્રેરણા આપવા સમર્થ છે.
“પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણચિંતન કરો.’’ - શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧)
૩