________________
સાતસો મહાનીતિ
આત્માનું કંઈ હિત થતું ન હોય તે ખોટી ઉદારતા છે માટે એવી ખોટી ઉદારતા સેવું નહીં. “પેદાશના પ્રમાણમાં ખર્ચ કરવું. પેદાશના ચાર વિભાગ કરવા. એક ભાગ ઘરમાં
રાખવો, બીજો ભાગ વેપારમાં રોકવો, ત્રીજો ભાગ પોતાના તથા કુટુંબના ખાવા પીવામાં અને વસ્ત્રાદિકમાં વાપરવો, ચોથો ભાગ ઘર્મકાર્યમાં વાપરવો. એ પ્રમાણે પેદાશનો વ્યય કરવો. જો પેદાશ ઓછી હોય તો, દશમો ભાગ અથવા શક્તિ મુજબ દ્રવ્ય ઘર્મ નિમિત્તે અવશ્ય વાપરવું. મહા મહેનતે ઉદર પોષણ થતું હોય તો મન કોમળ રાખી ઘર્મકાર્યમાં દ્રવ્ય વાપરનારની અનુમોદના કરવી.” -શ્રી જૈન હિતોપદેશમાંથી. ૧૩૧. કૃપણ થાઉં નહીં.
“ખોટી ઉદારતા સેવું નહીં અને કૃપણ પણ થાઉં નહીં.” એ સ્યાદ્વાદનાં વાક્યો છે. કૃપણતા એ અત્યંત લોભ કે મૂર્છાને લઈને છે. તીવ્ર મમતા હોય તો લોભ છૂટે નહીં. શાસ્ત્રમાં મમ્મણશેઠની વાત કૃપણતા માટે પ્રસિદ્ધ છે. | મમ્મણશેઠનું દ્રષ્ટાંત - મમ્મણશેઠ ઘણો પૈસાદાર હતો. એણે સોનાના બે બળદ બનાવ્યા હતા. એક દિવસે રાત્રે નદીમાં પૂર આવ્યું. તે વખતે ચેલણા રાણી મોડી રાત્રે કોઈ કારણે ઝરૂખામાં ગઈ. ત્યાં તેણે વીજળીના ઝબકારામાં એક માણસને નદીમાં લાકડાં ખેંચતા જોયો. રાણીને બહુ દયા આવી. તેથી રાજાને કહ્યું કે તમારા રાજ્યમાં માણસો બહુ ગરીબ લાગે છે. આટલી મોડી રાત્રે નદીમાં પૂર આવેલું છતાં લાકડાં ખેંચતાં મેં એક માણસને દીઠો. રાજાએ માણસને મોકલી તપાસ કરાવી કે એ કોણ છે? ખબર મળી કે એ મમ્મણશેઠ હતા. સવારમાં શ્રેણિકરાજાએ મમ્મણશેઠને બોલાવ્યા ને પૂછ્યું કે રાત્રે તમે નદી પર હતા? તેમણે હા પાડી અને કહ્યું કે નદીમાં પૂર આવે ત્યારે તેમાં ચંદનના લાકડાં તણાઈ આવે છે તે લેવા માટે જવું પડ્યું હતું. કંજૂસ હોવાથી જાતે મજૂરી કરે, મજૂરને ન રાખે. પછી શેઠે પોતાને ત્યાં રાજાને પધારવા વિનંતી કરી. રાજા અને ચલણા રાણી બેઉ ગયા. તેમને સોનાના બળદ બતાવ્યો. પછી રાજાએ ચેલણાને કહ્યું કે રાત્રે દીઠેલા આ માણસને ત્યાં તો આ સોનાના બે બળદ છે. છતાં જાતે લાકડાં લેવા કેમ ગયો? પછી રાજાએ મમ્મણને પૂછ્યું – “તમારી પાસે આટલું ઘન છે અને હજી કેમ આટલી મહેનત કરો છો? તેણે કહ્યું કે આ બળદનું હજી એક શીંગડું રત્નથી જડવાનું બાકી છે તેથી ગયો હતો. શેઠની આવી તૃષ્ણા જોઈ રાજા રાણી આશ્ચર્ય પામ્યા. આવો લોભ જન્મમરણ વઘારનાર છે. (ઉ.ભા.ભા.રના આધારે)
“જન્મ, જરા, મરણ કોના છે? કે જે તૃષ્ણા રાખે છે તેના જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતાં જવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૫૫)
કૃપણ હોય તે લોકલાજથી એટલે લોકમાં ખોટું દેખાશે તો પણ લોભ છોડતો નથી. કોઈ બીજો ખર્ચે તો પણ એને ન ગમે. કર્મને આધીન ભાવ એવા હોય છે કે તેનાથી ઉદારતાનું અનુમોદન પણ ન થાય. બીજાના ગુણ જોઈને રાજી થવું જોઈએ એના બદલે ઊલટું થાય. તે જ પ્રમાણે જ્ઞાનની બાબતમાં પણ છે. કોઈને શીખવવામાં કે કોઈને કહેવામાં કૃપણતા કરે તો તેનું જ્ઞાન કટાઈ જાય. જ્ઞાનદાન આપવાથી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. કૃપણતા માટે પ્રભુશ્રીજી કપિલાદાસીનું દ્રષ્ટાંત આપતાં.
કપિલાદાસીનું દૃષ્ટાંત - શ્રેણિક રાજાએ ભગવાન પાસે સાંભળ્યું કે પોતે નરકનું આયુષ્ય બાંધ્યું છે તેથી નરકે જવું પડશે. ત્યારે મહાવીર ભગવાનને શ્રેણિકે કહ્યું કે આપના જેવા ગુરુ મળ્યા પછી
૬૨