________________
८४० સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર શુષ્કવાદ, વિવાદ તથા ધર્મવાદ એમ ત્રણ પ્રકારનો વાદ (ધર્મચર્ચા) પરમર્ષિ પુરુષો વડે કહેવાયો છે. આ ત્રણ વાદનું વર્ણન અષ્ટકજીમાં છે. તેનો સંક્ષેપમાં સારાંશ આ પ્રમાણે છે.
વાદ એટલે ધર્મસંબંધી ચર્ચા, તે ત્રણ પ્રકારની છે. એક શુષ્કવાદ, બીજી વિવાદ અને ત્રીજી ધર્મવાદ. જેમ સુકાં પાંદડામાં રસ ન હોય તેમ જે વાદમાં કંઈ રસ પ્રાપ્ત ન થાય, ફળ પ્રાપ્ત ન થાય, શુષ્ક પાંદડાના જેવો જે વાદ તે શુષ્કવાદ અર્થાત્ જે વાદ-ચર્ચા કરવામાં કંઠ અને તાલ આદિ અંગોમાં શોષાવાનું જ માત્ર બને, કોઈને ધર્મની યથાર્થતાની પ્રાપ્તિ ન થાય તે શુષ્કવાદ. આ વાદ યથાર્થબોધથી શૂન્ય છે. માત્ર પરસ્પર કષાયોનો જ ઉત્તેજક છે તેથી ત્યાજ્ય છે. બીજો જે વાદ તે વિવાદ, જ્યાં સામેના પક્ષનો પરાભવ કરવાની બુદ્ધિથી અને પોતાના પક્ષની સ્થાપના કરવાની બુદ્ધિથી જે વાદ કરાય તે વિવાદ કહેવાય છે તે પણ કષાયજનક હોવાથી ત્યાજ્ય છે.
પરંતુ ત્રીજો જે વાદ છે તે ધર્મવાદ સ્વીકારવા જેવો છે, જ્યાં તત્ત્વજ્ઞાની મહાત્મા સ્વ-પરના તત્ત્વબોધ માટે તત્ત્વના સાચા અર્થી જીવો પ્રત્યે તત્ત્વ સમજાવવા જે જે વાક્યો બોલે તે ધર્મવાદ કહેવાય છે. આ વાદ સ્વ-પરનો ઉપકાર કરનાર છે માટે ઉપાદેય છે. સર્વે પણ નયોના જાણકાર અને વિશાળ અનુભવ ધરાવનાર એવા વક્તા-ગુરુજી તત્ત્વનું સ્વરૂપ કહેવામાં સમજાવવામાં ઘણા રસિક હોય અને શ્રોતા જીવો તત્ત્વજ્ઞાન મેળવવામાં ઘણા જ રસિક અને ઉત્સુક હોય, આમ બને જીવોનો યથાર્થ મિલાપ થયે છતે આ બન્નેની વચ્ચે ગુરુ-શિષ્યભાવે જે ધર્મસંબંધી કથન થાય, ગુરુજી કરુણાભાવે સમજાવે અને શિષ્ય વિનયભાવે પૂછે અને સમજે. આ રીતે ધર્મચર્ચા દ્વારા જ્યાં નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે ધર્મવાદ કહેવાય. તેનાથી વક્તા-શ્રોતા એમ બન્નેનું વિશાળ કલ્યાણ થાય. શિષ્ય તત્ત્વજ્ઞાન પામવાથી કલ્યાણના માર્ગે આગળ વધે અને ગુરુજી પરોપકાર કરવા દ્વારા પોતાનું કલ્યાણ કરનારા બને. કદાચ શ્રોતાજીવો હજુ એટલી ઊંચી ભૂમિકા ન પામ્યા હોય તો પણ તત્ત્વનો યથાર્થ બોધ કરાવવાની ઈચ્છાથી ગુરુજી પરોપકાર ભાવે બોલે છે એટલે ગુરુજીનું આવા પ્રકારનું ધર્મકથન અવશ્ય હિત માટે જ થાય છે.
પરંતુ શુષ્કવાદથી કે વિવાદથી વક્તાનું કે શ્રોતાનું હિત-કલ્યાણ થતું નથી. કારણ કે જૈનદર્શન જેના હૃદયમાં પરિણામ નથી પામ્યું તે જીવો વક્તા હોય કે શ્રોતા હોય પણ મિથ્યાત્વમોહના ઉદયવાળા હોવાથી કોઈપણ એકબાજુ ઢળેલી દષ્ટિવાળા હોય છે અર્થાત્
એકાન્તદષ્ટિ છે. જેમકે બૌદ્ધદર્શનવાળા સર્વે પણ વસ્તુઓને ક્ષણિક માને છે, તેઓ પર્યાયાર્થિક નયની એકાન્તદષ્ટિવાળા છે. સાંખ્યો, નૈયાયિકો અને વૈશેષિકો આત્મા આકાશ આદિને નિત્ય