________________
જ્ઞાનસાર
૮૨૪
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ સમજાવવામાં ક્રમશઃ વાણી નીકળે છે આમ એકી સાથે અનંત પર્યાયોને જાણે છે પણ એકી સાથે બોલી શકાતા નથી. એકી સાથે બોલવાની શક્તિ (શારીરિક શક્તિ) શરીર સ્વભાવના કારણે ન્યૂન હોવાથી ગૌણ-મુખ્યતા છે પણ રાગદ્વેષના પરિણામથી ગૌણ-મુખ્યતા નથી. ભગવાન સર્વધર્મ સાથે જાણે છે સાથે દેખે છે. પણ સાથે બોલી શકતા નથી. તેથી બોલવાની પ્રક્રિયામાં ઉપકાર થાય તે રીતે પ્રરૂપવાના ભાવોમાં ગૌણ-મુખ્ય કરે છે પણ તેમાં તેઓને રાગ-દ્વેષના પરિણામ હોતા નથી. પ્રભુ તો વીતરાગ છે, રાગદ્વેષનો પરિણામ એ તો કર્મબંધનો હેતુ છે. જે કેવલી પ્રભુને નથી.
આ રીતે મિથ્યાત્વી જીવને એકાન્ત-આગ્રહ પૂર્વક ગૌણ-મુખ્યતાની દૃષ્ટિ હોય છે. સમ્યગ્દષ્ટિ જીવને સાપેક્ષવાદ પૂર્વક ગૌણ-મુખ્યતાની દૃષ્ટિ હોય છે અને કેવલી ભગવંતોને એકીસાથે ન બોલી શકવાના કારણે ગૌણ-મુખ્યતા હોય છે. માટે ગૌણ-મુખ્યતા અવશ્ય જાણવા જેવી છે જો જાણી હોય તો ભૂલ ન થાય. યથાસ્થાને તેનો ઉપયોગ થાય. જ્યાં જ્યાં જે જે ગૌણ-મુખ્ય કરવા જેવું હોય અને તે જો જાણ્યું હોય તો આ જીવ ત્યાં ત્યાં તે તે ગૌણમુખ્ય કરી શકે અને યથાર્થ કાર્ય કરીને ફળ પ્રાપ્ત કરી શકે તે માટે ગૌણ-મુખ્યતાના સ્વરૂપને સમજાવનારા નયો જાણવા જરૂરી છે. તેથી નયોનું સ્વરૂપ કહેવાય છે.
નયોનું સ્વરૂપ જો જાણ્યું હોય તો જ વસ્તુનો સાચો યથાર્થબોધ થાય છે. તેથી યથાર્થબોધ માટે નયોના સ્વરૂપ દ્વારા વસ્તુનું વિવેચન કરવું તેમાં જ શિષ્યવર્ગનું હિત સમાયેલું છે પણ રાગ-દ્વેષનો પરિણામ કરવો તેમાં હિત સમાયેલું નથી. તેથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા દ્વારા “સમતા” સમાનપણું જ મેળવવા લાયક છે. યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વત્ર સમભાવ રાખવો. રાગ-દ્વેષ ન કરવો તે જ ઉત્કૃષ્ટ ચારિત્ર છે સવાસો ગાથાના હુંડીના સ્તવનમાં ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું છે કે -
જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો . નિર્વિકલ્પ ઉપયોગમાં, નહી કર્મનો ચારો તે (ઢાળ-૩, ગાથા-૩)
આ રીતે રાગ-દ્વેષ ન થાય અને સર્વત્ર સમભાવ રહે તે માટે વસ્તુના અનંતપર્યાયાત્મક યથાર્થ સ્વરૂપને જાણવા સારુ નયો જાણવા જરૂરી છે. તેથી તે માટે જ નયોનું સ્વરૂપ જણાવે છે.
धावन्तोऽपि नयाः सर्वे, स्युर्भावे कृतविश्रमाः । चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः ॥१॥ ગાથાર્થ - સર્વે પણ નયો પોતપોતાને માન્ય સ્વરૂપ સ્થાપન કરવા માટે દોડતા હોવા