________________
જ્ઞાનમંજરી
ધ્યાનાષ્ટક - ૩૦
૭૮૭
છે. સિદ્ધ પરમાત્માના ગુણો અરૂપી હોવાથી અતીન્દ્રિય છે તેથી તેમાં ઉપયોગ સ્થિર કરવા ઈન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકવી તે ઈન્દ્રિયનિરોધ. આવા પ્રકારનો ઈન્દ્રિયનિરોધ કર્યા વિના ચંચલ ચિત્તવાળા એટલે કે અસ્થિર ભાવવાળા જીવોને આ સંસર્ગારોપ થવો શક્ય નથી.
સંસારમાં પણ તમારે જે કામ કરવું હોય તે કામમાં લીન થવું જોઈએ અને તે માટે તે કાળે તે કામ સિવાય બીજા કામોમાંથી ઈન્દ્રિયોને રોકી હોય તો જ વિવક્ષિત કાર્ય થઈ શકે છે તેમ અહીં પણ ઈન્દ્રિયનિરોધ કર્યો હોય, ચંચલચિત્ત અટકાવ્યું હોય તો જ સિદ્ધપરમાત્માના ગુણોની સાથે એકતા થવા રૂપ આરોપ સંભવે છે. અન્યથા આ એકાગ્રતા થવી શક્ય નથી. માટે ઈન્દ્રિયનિરોધ કરવો જરૂરી છે. અને આ ઈન્દ્રિયનિરોધ જિનેશ્વરપ્રભુની પ્રતિમા આદિ બાહ્યાલંબન રૂપ કારણ વિના થઈ શકતો નથી. ઉપકારક એવા કોઈ એક વિષયમાં ઈન્દ્રિયોને સ્થિર કરવામાં આવી હોય તો જ બાધકભાવોથી આ ઈન્દ્રિયોનો નિરોધ થઈ શકે છે. માટે જિનેશ્વર પરમાત્માની પ્રતિમા આદિની સ્થાપના કરવી, મૂર્તિની પ્રતિષ્ઠા આદિ કરવી, તે તાત્ત્વિક રીતે ઉપકાર કરનારી છે. મૂર્તિનો કે મૂર્તિની પ્રતિષ્ઠાનો વિરોધ કરવો અથવા ન માનવું તે અજ્ઞાનદશા છે.
તથા મૂર્તિમાં અને મૂર્તિની પ્રતિષ્ઠામાં જ રચ્યા પચ્યા રહેવું, તેને જ કૃતકૃત્યતા માની લેવી આ પણ અજ્ઞાન દશા જ છે. મૂર્તિ અથવા મૂર્તિની પ્રતિષ્ઠા, જિનમંદિર વગેરે શુભ આલંબન છે. આલંબનને પામીને પોતાના ગુણોનો ઉઘાડ કરવા રૂપ સાધ્ય સાધવાનું બાકી રહે છે. આનંદની લહરીઓ તો સાધ્યની સિદ્ધિથી થાય, સાધનમાત્રથી નહીં, માટે આ વિવેક રાખવો પણ જરૂરી છે. “કારણ વિના કાર્ય ન થાય આ વાત પણ સાચી છે અને કારણ થયું એટલે કાર્ય થઈ ગયું છે. આમ માની લેવું જોઈએ નહીં. પણ કાર્ય કરવાનું છે, હજુ તે કાર્ય બાકી છે - આમ માનવું જરૂરી છે. માટે જિનપ્રતિમાદિની સ્થાપના આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે સાધનભાવે ઉપકાર કરનારી છે. ા
'आपत्तिश्च ततः पुण्यतीर्थकृत्कर्मबन्धतः ।
तद्भावाभिमुखत्वेन, सम्पत्तिश्च क्रमाद् भवेत् ॥४॥
ગાથાર્થ :- તે સમાપત્તિથી પવિત્ર એવા તીર્થંકર નામકર્મનો બંધ થવાથી આપત્તિ (જિનભક્તિ અને જિનભક્તિ સાથે તન્મયતા) પ્રાપ્ત થાય છે અને તે તીર્થંકરપણાના ભાવને અભિમુખ થવાથી અનુક્રમે સંપત્તિ પ્રાપ્ત થાય છે. I॥૪॥
૧. અહીં આપત્તિ: શબ્દનો અર્થ જિનભક્તિ અને જિનભક્તિની તન્મયતાની પ્રાપ્તિ અર્થ કરવો. પરંતુ દુઃખ કે ઉપાધિ એવો અર્થ ન કરવો.