________________
૪૨
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
કારણ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં એકલા પોતાના દ્રવ્યથી જ ક્રિયા થતી હોય તેવું નથી. માટે “એકાધિપત્યપણે” ક્રિયાની શૂન્યતા છે. જીવ અને પુદ્ગલદ્રવ્યો ગમનાગમન કરે તો જ તેમાં ગતિસહાયકતાની ક્રિયા પ્રવર્તે છે. એવી જ રીતે જીવ અને પુદ્ગલો સ્થિર રહે તો જ અધર્માસ્તિકાયમાં સ્થિતિસહાયકતાની ક્રિયા પ્રવર્તે છે અને જીવ-પુદ્ગલો અવકાશ લહે ત્યારે જ આકાશમાં અવગાહસહાયક્તાની ક્રિયા પ્રવર્તે છે. આ બધી ક્રિયા પરદ્રવ્યાપેક્ષિત છે. પોતાના એક દ્રવ્યને આશ્રયી નથી તથા ધર્મ-અધર્મ-આકાશ દ્રવ્યમાં ચેતનાપૂર્વક વીર્યની પ્રવૃત્તિ નથી. તેથી તેમાં “કતૃત્વ” સંભવતું જ નથી. જીવમાં ચેતનાપૂર્વક વીર્યની પ્રવૃત્તિ છે અને તે પણ સ્વગુણોમાં પરિણમન પામવું એ જ એક કાર્ય જીવમાત્ર આશ્રિત હોવાથી સ્વગુણોનું કર્તૃત્વ જીવમાં ઘટે છે. કોઈપણ જીવ આ જગતના ભાવોનો કર્તા નથી, પરંતુ પોતાનામાં જ રહેલા અને કાર્ય-કારણભાવે પરિણામ પામતા એવા ગુણો અને પર્યાયોની પ્રવૃત્તિનો જ કર્તા છે. પરંતુ પરભાવોનો કર્તા નથી. કારણ કે રાગાદિ કષાયો રૂપ પરભાવોનો જો કર્તા જીવ કહીએ તો “અસદારોપ અને મુક્તિનો અભાવ” વગેરે દોષો આવે છે. તે આ પ્રમાણે
-
રાગ-દ્વેષ અને કાષાયિક અધ્યવસાયો આવવા એ પરમાર્થે જીવનું સ્વરૂપ નથી. જો તે જીવનું સ્વરૂપ હોત તો મુક્તિગત જીવોમાં પણ હોત. પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી જીવમાં આ પરિણામ આવે છે. એટલે પરદ્રવ્યકૃત પરિણામો છે. જીવના પોતાના નથી. સ્વતંત્રપણે આત્માના આ પરિણામ નથી. અનુચિત વર્તન કરવાપણાનું કર્તૃત્વ દેવદત્તને વળગેલા ભૂતનું જ છે. પણ અસલી દેવદત્તનું તે કર્તૃત્વ નથી. જો કાષાયિક પરિણામ તે જીવનું પોતાનું સ્વરૂપ છે. એમ માનીએ તો જ્ઞાનાદિ ગુણોની જેમ કાષાયિક પરિણામ ક્યારેય પણ જીવમાંથી નાશ પામે નહીં અને તેથી જીવની ક્યારેય પણ મુક્તિ થાય નહીં. માટે આ રાગાદિ ભાવો જીવના પોતાના નથી, પરદ્રવ્યકૃત છે. તેથી તેનો કર્તા જીવ કેમ કહેવાય ? અને રાગાદિનો કર્તા ન હોવા છતાં તેને રાગાદિ પરભાવોનો કર્તા કહીએ તો તેના ઉપર ખોટો આરોપ લગાડ્યાનો દોષ લાગે, જેને “અસદારોપ” નામનો દોષ કહેવાય છે. જે સ્વભાવ જેનો નથી છતાં તે સ્વભાવ તેનો છે આમ જો કહીએ તો ત્યાં અસદારોપ નામનો દોષ લાગે. તથા જો તે જીવનું પોતાનું સ્વરૂપ છે આમ માની લઈએ તો જીવમાંથી ક્યારેય નાશ પામે નહીં તેથી જીવની કોઈ કાલે પણ મુક્તિ ન થાય. તેથી સિદ્ધિ અભાવ નામનો દોષ લાગે. આ રીતે દોષો આવે, માટે રાગાદિ પરભાવોનો કર્તા જીવ નથી. પરંતુ જીવ જ્ઞાનગુણાત્મક હોવાથી લોકાલોકનો જ્ઞાતા અવશ્ય છે. જગતનો જ્ઞાતા છે પણ કર્તા નથી. આ કારણથી આ જીવ રાગાદિ ભાવકર્મોનો, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનો અને ઘટ-પટાદિ નોકર્મરૂપ પરભાવોનો કર્તા નથી.