________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
૭૦૫
જેમ સાકરની જે મધુરતા છે તે મધુરતા સાકરને ચાખવાથી જે જણાય છે, અનુભવાય છે, તે “મીઠી છે, મીઠી છે' એમ બોલવાથી તેવું યથાર્થ સમજાતું નથી. ઈન્દ્રિયગમ્ય ભાવો ઈન્દ્રિય દ્વારા અનુભવ કર્યા વિના જેમ ન સમજાય, તેમ અતીન્દ્રિયભાવો આત્મતત્ત્વના અનુભવ વિના ઈન્દ્રિયમાત્રથી સમજાતા નથી, જો તે જાણી શકાતા હોત તો તે ભાવોને અતીન્દ્રિય જ ન કહેવાત. માટે અતીન્દ્રિય ભાવો ઈન્દ્રિયોથી ગમ્ય નથી, કેવળ અનુભવથી જ માત્ર ગમ્ય છે. માટે અનુભવી થવું જોઈએ.
ઘણા નૈયાયિક-વૈશેષિક-સાંખ્ય આદિ દર્શનકારો ઘટ-પટ, ધૂમ-અગ્નિ, ઈત્યાદિ પદાર્થોના સમૂહનું સમર્થન કરવામાં પારિભાષિક શબ્દ પ્રયોગો (જેમકે સમવાયસંબંધ, સન્નિકર્ષ, અયુતસિદ્ધવૃત્તિ ઈત્યાદિ) તથા અનેક સાધનો (યુક્તિઓ, હેતુઓ જેમકે કેવલાયિ, કેવલવ્યતિરેકી, અન્વયવ્યતિરેકી) ઈત્યાદિ જણાવવા વડે પોતપોતાના દર્શનશાસ્ત્રમાં કહેલી વ્યવસ્થા પ્રમાણે નિષ્ફળપણે કરાતા અનેક વિચારો અને વિકલ્પો કરવા રૂપી મોહ-નિદ્રામય શય્યામાં પોઢેલા જ્ઞાનીઓ શુદ્ધ એવા આત્મતત્ત્વના અનુભવ વિનાના છે. કેવળ પોપટીયું શુષ્ક તર્કશાન કે વ્યાકરણજ્ઞાન છે. પણ તેનાથી તે જ્ઞાનીઓ સભ્યજ્ઞાની કહેવાતા નથી. મિથ્યાત્વમોહની નિદ્રામાં સુતેલા હોવાથી મહા અજ્ઞાની અને મિથ્યાર્દષ્ટિ છે. શબ્દશાસ્ત્રનું, ન્યાયશાસ્ત્રનું કે દર્શનશાસ્ત્રનું જ્ઞાન ભલે મળ્યું હોય પણ અધ્યાત્મ વિના તે સંસાર વધારનારું છે, ઘટાડનારું નથી. અંતે તો અધ્યાત્મજ્ઞાન જ સંસારનો પાર પમાડનાર છે.
સ્યાદ્વાદ દષ્ટિ રાખવા પૂર્વક સ્વતઃ અનેકાન્તપણે રહેલા અનેક ધર્મોના આધારભૂત એવાં જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોના પ્રતિસમયે અનંત અનંત પર્યાયોની ઉત્પત્તિ તથા અનંત અનંત પર્યાયના વ્યય રૂપે થતા પરિણમન પૂર્વક સર્વ એવાં જ્ઞેયતત્ત્વોનો હેય-ઉપાદેય અને જ્ઞેયપણે યથાર્થ બોધ કરવા પૂર્વક અમૂર્ત અને અખંડ આનંદવાળા આત્મસ્વરૂપના જ્ઞાનનો આસ્વાદ તે જ મહાત્માઓ પામે છે કે જે મહાત્માઓ આત્મતત્ત્વના નિર્મળ અનુભવમાં લયલીન છે પરંતુ બોલવાની છટા માત્રવાળા જીવો વચનોથી બાંધવાની પ્રથાવાળી સેંકડો યુક્તિઓ પ્રગટ કરવા દ્વારા વાણીના આડંબરને વ્યક્ત કરનારા બાહ્યદૃષ્ટિ આત્માઓ શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનને પામી શકતા નથી. તેઓ વાણીના વિલાસવાળા છે. બોલવામાં આડંબરવાળા છે. દર્શનશાસ્ત્રોના નિષ્ણાત છે. જય-પરાજય કરવામાં પ્રવીણ છે. માત્ર આત્માને સ્પર્શે એવું આધ્યાત્મિક જ્ઞાન તેઓમાં નથી. અર્થાત્ આટલું બધું ઘણું ભણીને પણ જેઓને માન-માયા પોષવાં છે, સ્વાર્થ સાધવો છે, યશ મેળવવો છે, પણ સંસાર તરવો નથી, આત્માને મોહમાંથી છોડાવવો નથી માટે તેઓ તત્ત્વદૃષ્ટિએ કરીને અંધ છે. III