________________
૩૮
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
વિવેચન :- જે આત્માના અનુભવમાં મગ્ન હોય છે તે આત્મા કેવો હોય છે. તે આ શ્લોકમાં જણાવે છે. - અનાદિ કાળથી લાગી પડેલી જે વિભાવદશા છે તેનાથી વિરમણ પામેલા એવા જે આત્માને જ્ઞાનરૂપી અમૃતના મહાસાગરતુલ્ય એવા પરબ્રહ્મમાં એટલે કે પરમ એવા આત્મસ્વરૂપમાં મગ્નતા પ્રગટી છે. એટલે કે વિભાવદશા ત્યજીને સ્વભાવદશાના આનંદમાં જે આત્મા મગ્ન બન્યો છે તે જીવને વિષયાન્તરમાં સંચાર કરવો પડે એટલે કે શરીર-કુટુંબ અને સ્વજનાદિના બંધનોના કારણે વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા પૌલિક સુખોમાં પ્રવર્તન કરવું પડે, તે હલાહલ વિષના ભક્ષણતુલ્ય લાગે છે. સ્વભાવદશાના આનંદના સુખમાં મગ્ન બનેલાને પૌદ્ગલિક સુખોની અંદર કારણવશાત્ કરવી પડતી પ્રવૃત્તિ પણ હલાહલવિષના ભક્ષણતુલ્ય ભાસે છે. કારણ કે આ આત્માનું મન તેમાંથી ઉઠી ગયું છે.
જે આત્મા એકવાર પણ અમૃતના આસ્વાદના સુખમાં મગ્ન બને છે તે વિષનું ભક્ષણ કરવા કેમ પ્રવર્તે ? જે ભ્રમર માલતી જેવા સુગંધી પુષ્પોના ઉપભોગમાં મગ્ન છે તે કેરડાના ઝાડ કે બાવળના ઝાડ ઉપર કેમ બેસે ? અર્થાત્ ન જ બેસે. જે ગંગા નદી કે સરોવરમાં સ્નાન કરતા હોય તે ખાબોચિયાના છીછરા પાણીમાં કેમ પ્રવેશે ? એવી જ રીતે શુદ્ધ, પરદ્રવ્યના સંગ વિનાની, રાગ-દ્વેષ-વાસના-વિકારાદિ ભાવરોગોથી રહિત અને નિર્દેન્દ્ર (સર્વથા પ્રકાશમય અર્થાત્ અલ્પ પણ નથી અજ્ઞાનરૂપી અંધકાર જેમાં) એવી પોતાના જ આત્માની જ્ઞાનાત્મક જે જ્યોતિ છે. તે જ્યોતિમાં મગ્ન થયેલો આ આત્મા હવે અનંત અનંત જીવો વડે વારંવાર ભોગવી ભોગવીને એઠાં કરાયેલાં તથા સ્વયં પોતાના દ્વારા પણ અનંતવાર ભોગવીને મુકાયેલા પૌદ્ગલિક પદાર્થોમાં કેમ આસક્ત થાય ?
જેમ કોઈ પર વડે કે પોતાના વડે એઠું મુકાયેલું ભોજન ખાવું યોગ્ય નથી તેમ આ પુદ્ગલ દ્રવ્યો અનંતીવાર પોતાના વડે અને પર વડે ભોગવી ભોગવીને મુકાયેલાં હોવાથી વારંવાર એઠાં થયેલાં છે માટે વાસ્તવિકપણે ભોગવવાને અયોગ્ય જ છે તથા જેટલો જેટલો પૌદ્ગલિક સુખોમાં આ જીવ આનંદ માને છે. તેમાં જ રચ્યો પચ્યો રહે છે. તેટલો તેટલો ભોગાસક્તિની વૃદ્ધિના કારણે આત્માના ગુણોના આનંદથી દૂર જતો જાય છે. તેથી પોતાના આત્માના ગુણોના (આનંદમાં) આવરણ કરવાના હેતુભૂત એવા પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં સ્વભાવાનંદી એવા તે જીવનું મન જામતું નથી. એકવાર પણ જેણે સ્વભાવ-સુખનો આનંદ વાસ્તવિકપણે માણ્યો છે. તેવા જીવને ભોગોના વિષયોમાં જોડાવું પડે તે હલાહલ-ઝેર જેવું લાગે છે. તેથી બાહ્ય પ્રતિબંધો વિના આ જીવ વિષયોમાં જોડાતો નથી અને પ્રતિબંધોના કારણે જોડાવું પડે તો પણ નિરસપણે જોડાય છે અને પોતાની નિરસિકતા હોવાથી અવસર આવે ત્યારે પ્રતિબંધોનો પણ ત્યાગ કરીને કાળાન્તરે પ્રવ્રુજિત થાય છે પણ વિષયભોગોમાં મન પ્રવર્તાવતો નથી. ॥૨॥