________________
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર
“આત્મસ્વરૂપમાં સ્થિર થવું” તે જ સાચી મગ્નતા છે. આવું યથાર્થ તત્ત્વ જાણવા વડે હવે સમજાય છે કે પદ્ગલિક પદાર્થોમાં ઉત્પન્ન થયેલા મનોજ્ઞ એવા વર્ણ-ગંધ-રસસ્પર્શ અને શબ્દાદિ પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયોમાં અને કુટુંબ-મિત્રવર્ગાદિ સ્વજન વગેરેમાં અનાદિકાલથી ભ્રાન્ત થયેલો (આ મારા છે અને હું તેનો છું આમ મોહજન્ય મારાપણાના પરિણામરૂપ મિથ્યા બુદ્ધિવાળો થયેલો) એવો આ આત્મા અનેક પ્રકારના કોડાકોડી માનસિક વિકલ્પોને કરતો છતો, મનગમતા ઈષ્ટ વિષયોને ઈચ્છતો અને અણગમતા અનિષ્ટ વિષયોને નહીં ઈચ્છતો “વાયુ દ્વારા ઉડાડાયેલા સુકા પાંદડાની જેમ” અનંતાનંત જન્મ-મરણની જંજાળ રૂપ સંસારમાં અહીંથી તહીં ભટકે છે. જેમ વૃક્ષ ઉપરથી ખરેલાં સુકાં પાંદડાં વાયુ દ્વારા અહીં તહીં ઉડાડાય છે. તેમ મોહાધ એવો આ આત્મા અજ્ઞાનદશા અને મોહદશાના કારણે અનંત જન્મ-મરણવાળા સંસારમાં અહીં તહીં ભટકે છે.
તે આત્મા ક્યારેક પોતાનું કલ્યાણ થવાનો કાળ પાકે ત્યારે વિશિષ્ટ ભાગ્યયોગથી એટલે કે તથાભવ્યતા પાકવાથી) સ્વ-પરના વિવેકરૂપ ભેદજ્ઞાનને પ્રાપ્ત કરીને એટલે કે શુદ્ધ અનંત જ્ઞાનાદિ ગુણમય જે સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે, ચમકવાળું પુગલ પદાર્થોનું જે સ્વરૂપ છે તે મારું સ્વરૂપ નથી આવો વિવેક પ્રગટ થવા રૂપ ભેદજ્ઞાન પ્રાપ્ત કરીને અનન્ત જ્ઞાન-દર્શનના આનંદમય પોતાના સ્વરૂપને પોતાનાપણે દેઢ કરીને (બરાબર ઓળખીને) “પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સંગ કરવો. તેમાં રચ્યાપચ્યા રહેવું” વગેરે મારું સ્વરૂપ નથી, હું આવા પ્રકારના પરદ્રવ્યના સ્વરૂપનો ભોક્તા નથી, આ પરદ્રવ્યનો સંગ એ તો એક મોટી ઉપાધિ છે. જેમ પારકાની સંપત્તિનો હું કર્તા-ભોક્તા કે ગ્રાહક નથી તેમ આ પણ પરદ્રવ્ય જ છે. મારા આત્માથી ભિન્ન દ્રવ્ય છે તેથી પરવસ્તુઓનું કર્તાપણું-ભોક્તાપણું અને તેને સ્વીકારવા રૂપ ગ્રાહકપણું એ મારું સ્વરૂપ નથી. આત્માના શુદ્ધસ્વરૂપને નહીં જાણતા અને તેથી જ સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા એવા મારા વડે “આ ઘર મારું, આ ધન મારું, આ કુટુંબ મારું, હું એનો” આવું માની લેવાયું છે. પરંતુ ખરેખર હું મોહબ્ધ થયો છતો પરપદાર્થમાં મારાપણાની બુદ્ધિથી આસક્ત થયેલો છું. અને આ પર-પદાર્થના સંગથી અને આસક્તિથી ઘણો ઘણો દુઃખી થયો છું. કહ્યું છે કે –
एगोहं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवमदीणमणसो, अप्पाणमणुसासइ ॥१॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा. सव्वे संजोगलक्खणा ॥२॥