________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
૬૪૫
પ્રમત્ત સંયત નામના છઠ્ઠા ગુણસ્થાનકને જે પામેલા છે આવી ઉચ્ચસ્થિતિમાં આવેલા મુનિમહારાજા “લોકો વડે જે કરાયું હોય તે સઘળું કરવા જેવું છે આવા પ્રકારની “પીછે સે ચલી આતી હૈ” આવી લોકોક્તિને અનુસરનારી ગતાનુગતિકતાવાળી પરંપરાની જે નીતિ છે તેમાં રાગી બનતા નથી. તેવી પરંપરાના આગ્રહી બનતા નથી. “લોકોએ જે કર્યું તે જ કરવું જોઈએ” આવી મિથ્યાબુદ્ધિને નિવારીને આત્મતત્ત્વના પરમાર્થને સાધવામાં જ ઉદ્યમશીલ અને તેના જ ઉપાયોમાં લીન બને છે.
મુનિ-મહારાજા જે છઠ્ઠા ગુણસ્થાકને પામેલા છે તે છઠ્ઠુ ગુણસ્થાનક કેવું છે ? આ જે ભવ છે તે સંસાર, તે સંસાર કેવો છે ? મહાવિષમ પર્વતતુલ્ય, જેમ ઘણો ઊંચો-નીચો એટલે કે ઘણા ચડાવ-ઉતારવાળો પર્વત ઓળંગવો દુષ્કર છે. તેમ આ સંસાર પણ ઓળંગવો ઘણો જ દુષ્કર છે. છતાં પ્રમત્તસંયત નામનું છઠ્ઠુ ગુણસ્થાનક આ સંસારથી જીવને પાર ઉતારે છે તેથી છઠ્ઠું ગુણસ્થાનક સંસાર રૂપી વિષમ-પર્વતને ઉલ્લંઘન કરાવનારું છે. સંસારથી પાર ઉતારી જીવને મુક્તિ અપાવનાર છે. છઠ્ઠું ગુણસ્થાનક પ્રાપ્ત કરીને ભવ રૂપી પર્વતને ઓળંગનારા મુનિ કેવા છે ? તે વાત જણાવે છે કે -
આ મુનિ લોકોત્તર સ્થિતિવાળા છે. એટલે કે લોકાતીત મર્યાદાથી વર્તનારા હોય છે. લોકો જે કરે તેને કરનારા હોતા નથી. કારણ કે સંસારી લોકો પાંચ ઈન્દ્રિયોના વિષયોના અભિલાષી હોય છે. ઈન્દ્રિય-જન્ય સુખ કેમ મળે ? તેની જ અભિલાષા તેઓને હોય છે અને મુનિ-મહારાજા તો નિષ્કામી હોય છે. કામના (ઈચ્છા) વિનાના હોય છે. તેથી જો લોકોની ઈચ્છાને અનુસરે તો પાંચ ઈન્દ્રિયોના વિષયો કેમ વધારે પ્રાપ્ત થાય ? તેવું જ વર્તન કરવું પડે, દોરા-ધાગા-મંત્ર-તંત્ર જડીબુટ્ટી ઈત્યાદિ ઉપાયોમાં જોડાવું પડે, જે મુનિપણામાં ઉચિત નથી તથા સંસારી લોકો પૌદ્ગલિક સંપત્તિથી જ (ધન્ય-ધાન્ય, સોનું-રૂપું અને સ્થાવર મિલ્કત વડે જ) જીવનો વિકાસ થયો એમ માને છે. બાહ્ય સંપત્તિ વડે જ મોટાઈ માને છે. જ્યારે મુનિ-મહારાજાઓ જ્ઞાનસંપત્તિ વડે આત્માનો વિકાસ થાય છે અને તે જ શ્રેષ્ઠ વિકાસ છે. આમ માને છે. આ રીતે બન્નેનો રાહ પૂર્વ-પશ્ચિમની જેમ અત્યન્ત ભિન્ન છે તેથી તે મુનિ-મહાત્માઓને આવી ભૌતિક સુખના પ્રયોજનવાળી લોકસંજ્ઞા વડે શું કામ છે ? અર્થાત્ કંઈ જ જરૂર નથી. આવી ભૌતિક સંપત્તિ તો તેઓના ભૂતકાલીન ઘરમાં હતી જ, તેને અસાર અને તુચ્છ સમજીને તો ત્યાગી બન્યા છે માટે તેઓને આવી પૌદ્ગલિક સંપત્તિની મહત્તા કેમ હોય ? અર્થાત્ તેની મહત્તા હોતી નથી. પણ જ્ઞાનાદિ ગુણોની સંપત્તિથી મહાનપણું માને છે. IIII