________________
૫૯૮ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર અથવા બહુ જીવોમાં સુખના અનુભવની તરતમતા હીનાધિકતા) જે દેખાય છે અને દુઃખનાં સાધનો સમાન હોય એવા બે જીવોમાં અથવા બહુ જીવોમાં દુઃખના અનુભવની તરતમતા (હીનાધિકતા) જે દેખાય છે તે અદૃષ્ટ એવા કર્મને કારણ માન્યા વિના ઘટી શકતી નથી. જેમકે પુરુષને આશ્રયી સ્ત્રી ભોગસુખનું સાધન હોવાથી સ્ત્રી હોય ત્યારે સુખનો અનુભવ થવો જોઈએ છતાં એક પુરુષને સ્ત્રીથી સુખ પ્રાપ્ત થાય છે અને બીજા પુરુષને સ્ત્રીની સાથે પ્રતિદિન મનમેળ ન હોવાથી ઝઘડા, ક્લેશ, મારામારી આમ દુઃખનો અનુભવ પણ થાય છે. ત્યાં આંતરિકકારણ કર્મ માન્યા વિના આ સુખ-દુઃખ ઘટશે નહીં, એવી જ રીતે એકને કાંટો વાગ્યો હોય તો પીડાનો વધારે અનુભવ થાય છે અને બીજાને કાંટો વાગ્યો હોય તો તેને હીન પીડાનો અનુભવ થાય છે. આ આંતરિક કારણ કર્મ વિના ઘટશે નહીં, આમ સર્વત્ર સુખદુઃખની હીનાધિકતામાં આંતરિક કારણ કર્મ છે.
કોઈ બે પુરુષો સાથે જતા હોય અને સામેથી પત્થર અથવા ગોળી આવી, એકને વાગ્યું અને મૃત્યુ થયું અને બીજાને ન વાગ્યું અને તેથી કંઈ ઈજા ન થઈ, તથા બે પુરુષો ગાડીમાં જતા હોય એક્સીડંટ થયો. એક મરી ગયો, બીજો બચી ગયો, એકસરખું ઔષધ બન્નેને આપ્યું, એક નિરોગી થયો, અને બીજાને રીએક્શન થયું. સમાન સાધન સામગ્રીવાળામાં આવી જે તરતમતા સંસારમાં અનુભવાય છે તે કર્મને માન્યા વિના સંભવશે નહીં.
તે કારણથી અહીં જે તુલ્ય સાધનવાળા બે જીવોમાં મનગમતા શબ્દ-રૂપ-રસાદિ વિષયસુખની સાધનસામગ્રી હોય એવા અને એવી જ રીતે અણગમતા શબ્દાદિ વિષયો રૂપી દુઃખની સામગ્રી તુલ્ય હોય એવા બે જીવોમાં અથવા સુખની સમાન સામગ્રીવાળા બહુજીવોમાં અને દુઃખની સમાન સામગ્રીવાળા બહુજીવોમાં ફળની બાબતમાં સુખ-દુઃખના અનુભવ રૂપ જે વિશેષતા અર્થાત તરતમતા જણાય છે. આ વિશેષતા અદૃષ્ટ એવા કર્મને હેતુ માન્યા વિના ઘટી શકતી નથી. માટે અદષ્ટકારણ કર્મ સ્વીકારવું જોઈએ. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં આવા પ્રકારનું બીજું અનુમાન પણ જણાવ્યું છે તે આ પ્રમાણે છે –
કૃષિ એટલે ખેતી, ખેતી જેમ એક ક્રિયા છે, તે કરવાથી ધાન્યની પ્રાપ્તિરૂપ ફળ મળે છે, તેમ દાન અને હિંસા આદિ પણ એક પ્રકારની સારી-નરસી ક્રિયા જ છે. આ પ્રમાણે દાનાદિમાં અને હિંસાદિમાં ક્રિયાભાવ હોવાથી તેનું પણ કંઈક ફળ હોવું જોઈએ, તેથી દાનાદિ અને હિંસાદિ ક્રિયાનું જે ફળ છે તે પુણ્ય અને પાપ નામનું કર્મ છે.
કદાચ મનમાં આવો પ્રશ્ન થાય કે ખેતીક્રિયા એ ક્રિયા હોવાથી તેનું ફળ જેમ ધાન્યની પ્રાપ્તિ છે તેમ દાનાદિ અને હિંસાદિ પણ ક્રિયા હોવાથી તેનું ફળ અવશ્ય છે, પણ અદષ્ટ એવું કર્મ એ ફળ નથી, પરંતુ મનની પ્રસન્નતા અને મનની અપ્રસન્નતા એમ દૃષ્ટ