________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૬૯
વિવેકશૂન્ય બનીને આત્માથી પર એવાં પુદ્ગલાદિ દ્રવ્યમાત્રને જોઈને ચમત્કાર પામે છે. આવા બાહ્યદૃષ્ટિ જીવોની બાહ્યદૃષ્ટિ દૂર કરીને તેને જ તત્ત્વદૃષ્ટિવાળા બનાવવાનું કામ ગુરુભગવંતો કરે છે, નિરંતર સંવેગ-નિર્વેદવર્ધક વૈરાગ્યવાહી દેશના આપવા દ્વારા નિશ્ચયદૃષ્ટિ ખોલવાનો ગુરુ ભગવંતો સતત પ્રયાસ કરે છે. તેનાથી જીવો તત્ત્વદૃષ્ટિવાળા બને છે.
ગુરુભગવંતો શિષ્યોને દીક્ષા આપ્યા પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપે છે. અર્થ સાથે સૂત્રો કંઠસ્થ કરાવે તે ગ્રહણશિક્ષા અને તે સૂત્રોને અનુસારે આચરણ કરાવે તે આસેવનશિક્ષા. ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપવા દ્વારા સુશિક્ષિત બનેલા તે શિષ્યોને સૂક્ષ્મ સૂક્ષ્મ એવાં આગમશાસ્રોનાં રહસ્યો ભણાવે. આવા પ્રકારનું વિધિપૂર્વકનું શાસ્ત્રીય જ્ઞાન આપવા દ્વારા પાઠકપુરુષો-ગુરુભગવંતો તત્ત્વદૃષ્ટિવાળા પુરુષોનું નિર્માણ કરે છે. ભોગદૃષ્ટિવાળા પુરુષોને યોગદૃષ્ટિવાળા બનાવે છે. બાહ્યદૃષ્ટિવાળાને તત્ત્વદૃષ્ટિવાળા બનાવે છે. ગુરુભગવંતો બાહ્યદૃષ્ટિવાળા જીવોની બાહ્યદૃષ્ટિતાનો નાશ કરીને તત્ત્વદૃષ્ટિવાળા જે બનાવે છે તેની પાછળ તેઓના હૃદયમાં મુખ્ય એક જ કારણ છે કે તેઓ ક્યારેય વિકાર ન પામે (મોહાન્ય થઈને સંસારમાં ન રખડે અને સમસ્ત વિશ્વનો ઉપકાર કરે).
વિશિષ્ટ ગુરુભગવંતો પાસે જે શિષ્યો તત્ત્વદૃષ્ટિવાળા બને છે તે રાગ અને દ્વેષ રૂપ ઉપાધિની વિશેષ વૃદ્ધિ માટે નહીં, પરંતુ સમસ્ત એવાં જે ત્રણે ભુવન છે તેમાં રહેનારા સર્વ જીવોનો ઉપકાર કેમ થાય ? એવા પ્રકારનો સદુપદેશ આપી શકે અને શુદ્ધ એવા આત્મતત્ત્વનો બોધ કરાવી શકે આવા પ્રકારનો ઉપકાર કરવા માટે જ આવા તત્ત્વષ્ટિવાળા જીવોને ગુરુભગવંતો તૈયાર કરે છે.
ગુરુભગવંતો મનમાં આવો વિચાર કરે છે કે અનાદિકાલથી મિથ્યાત્વ, અસંયમ અને કષાયાદિ રૂપ ભૂત-પ્રેતથી ગ્રસ્ત થયેલા અને તેનાથી પીડાતા જીવોને સાચું શાસ્ત્રજ્ઞાન આપીને ગ્રહણ-આસેવન શિક્ષારૂપ ઔષધ આપવા દ્વારા અમે તેઓના નિર્યામક બન્યા છીએ, તેથી અમારી પાછળ અન્ય શિષ્યો પણ યથાર્થ એવી તત્ત્વભાવનામાં દક્ષ બનીને ભવિષ્યમાં પરનો અને પોતાનો ઉપકાર કરનારા થાય તે માટે અમારે તે શિષ્યોને આવા પ્રકારનું સૂક્ષ્મ સૂક્ષ્મ આગમનું રહસ્ય આપવું જોઈએ. એમ સમજીને ગુરુભગવંતો શિષ્યોને શાસ્ત્ર વાચના દ્વારા, ગ્રહણ-આસેવન શિક્ષા દ્વારા અને આગમનાં સૂક્ષ્મ રહસ્યો સમજાવવા દ્વારા નિર્વિકારી બનાવવા માટે અને વિશ્વનો ઉપકાર કરનારા બને તે માટે આવા તત્ત્વદૃષ્ટિવાળા જીવોનું નિર્માણ કરે છે. શિષ્યાને નિરંતર ધર્મદેશનાની વાચના આપવી એ જ ગુરુ ભગવંતોનું કાર્ય છે. ઉપકાર કરવો એ જ જીવનનું શ્રેષ્ઠ સાધ્ય છે.