________________
૪૯૬
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
પામવા છતાં તે સર્વપર્યાયોમાં જીવદ્રવ્ય તેનું તે જ હોય છે. આમ જીવના અભેદને ગ્રહણ કરનારો, સામાન્યપણે જીવના અસ્તિત્વમાત્ર રૂપે સત્તાને ગ્રહણ કરવાના સ્વરૂપવાળું જે જ્ઞાનવિશેષ તે જીવ નામનું દ્રવ્ય છે. સૂક્ષ્મનિગોદથી પ્રારંભીને સિદ્ધત્વ-અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધીના ચડ-ઉતારરૂપે અનેક અનેક પર્યાયો આવે અને જાય તેમાં જીવ એકનો એક તુલ્ય જ રહે છે. આમ જીવરૂપે તુલ્યપણે ગ્રહણ કરનારા જ્ઞાનવિશેષના સંગ્રહાત્મક જે અધ્યવસાય વિશેષ તે જીવદ્રવ્ય છે તથા સંસારી અનેક પ્રકારના ઔદારિક, વૈક્રિય, આહારકાદિ શરીરોમાં વર્તનાર હોય કે જ્ઞશરીરરૂપ જીવ હોય કે ભવ્યશરીરરૂપ જીવ હોય ઈત્યાદિ સર્વ પ્રકારના પર્યાયોમાં વર્તનારા જીવને “આ સર્વે જીવ માત્ર છે, તુલ્ય જીવ છે.’” આમ તુલ્યપણેઅભેદપણે જીવને ગ્રહણ કરનાર જ્ઞાનવિશેષના સંગ્રહસ્વરૂપ જે અધ્યવસાય છે આવી જે વિચારધારા તેને સંગ્રહનય કહેવાય છે.
તે કારણથી ફલિતાર્થ એવો નીકળે છે કે “જે અધ્યવસાય દ્વારા પદાર્થોમાં અભેદપણું અધિકતાએ જણાય, અભેદરૂપે વધારે બોધ કરાવે તે અધ્યવસાયને સંગ્રહનય કહેવાય છે. व्यवहारस्तु जलाद्याहरणादिव्यवहारयुक्तो घटो घटः, सुखदुःखवेत्तृत्वादिव्यवहारपरो जीवो जीवः ।
વ્યવહારનયની અપેક્ષાએ જલાદિ પદાર્થોને લાવવા-લઈ જવાના વ્યવહારથી યુક્ત એવો જે ઘટ તે ઘટ કહેવાય છે. અર્થાત્ ઘટાકારતા જેમાં વિદ્યમાન છે અને પોતાનું જલાદિ લાવવા-લઈ જવાનું કામ કરી શકે તેમ છે તેવા ઘટને ઘટ કહેવાય છે. તથા સુખ-દુઃખાદિ ભાવોને જાણવા-અનુભવવા આદિના વ્યવહારયુક્ત જે જીવ તે જીવ કહેવાય છે. આ નયની દૃષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય તથા વિકલેન્દ્રિયાદિ જીવો કે જે સુખ-દુઃખનો અનુભવ કરવા સમર્થ છે તેવા જીવને જીવ માને છે.
ऋजुसूत्रस्तु वर्तमाननामस्थापनाद्रव्यभावघटानां चेष्टादिपर्यायाणां वाचको घटः, एवं चतुर्निक्षेपमयो जीवः द्रव्यभावप्राणाधारत्वजीवत्ववस्तुतया वर्तमानो ग्राह्यः ।
ઋજુસૂત્રનય વર્તમાનકાલે વિદ્યમાન એવા નામઘટ, સ્થાપના ઘટ, દ્રવ્યઘટ અને ભાવઘટ આમ ચારે નિક્ષેપવર્તી ઘટને ઘટ કહે છે કે જે ઘટ ઘટસંબંધી ચેષ્ટાદિ પર્યાયોનો વાચક બની શકે છે એવી જ રીતે ચારે નિક્ષેપામાં વર્તતા જીવને જીવ માને છે કે જે જીવ ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોને તથા જ્ઞાનાદિ ભાવપ્રાણોને ધારણ કરે છે. આમ પ્રાણધારણ કરવાપણું અને જીવન જીવવાપણું જેનામાં વર્તે છે. તે ધર્મે કરીને જીવને જીવ કહે છે.