________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક - ૧૪
૪૦૯
સારાંશ કે શરીર, ધન, ઘર, સોના-રૂપાના અલંકારાદિ તમામ ભોગ્ય વસ્તુઓ પૌલિક હોવાથી, જડ હોવાથી, વર્ણાદિ ધર્મોવાળી હોવાથી, ચેતન એવા આત્માથી અતિશય ભિન્ન જાતિની છે. આત્માને અને ભોગ્ય વસ્તુઓને કંઈ લેવા-દેવા નથી. જીવ જ્યારે ભવાન્તરથી આવ્યો ત્યારે સાથે લાવ્યો નથી અને મૃત્યુ પામીને ભવાન્તરમાં જાય ત્યારે સાથે લઈ જવાનો નથી. તેથી સર્વથા ભિન્ન જાતિ છે. વળી આત્મા અમૂર્ત છે, ભોગ્ય વસ્તુઓ મૂર્ત છે. આ ભોગ્ય વસ્તુઓ પુગલદ્રવ્યને ગ્રહણ કરવા દ્વારા બનાવાઈ છે, અનાદિની આત્માની સાથે નથી. આવા પ્રકારની શરીરાદિ ભોગ્ય વસ્તુઓ છે તેનો સંયોગ કર્યો ત્યારે જ થયેલો છે. અને કાલાન્તરે નાશ પામવાવાળો (વિયોગ થવાવાળો) જ આ સંયોગ છે. છતાં તે પરસંયોગ સદા રહેવાનો છે. આમ માનીને નિત્યતાની જે બુદ્ધિ થાય છે તે અવિદ્યા કહેવાય છે. આ ઘર, આ ધન, આ પરિવાર, આ સંપત્તિ સદા રહેવાની જ છે આમ માનીને ચાલવું, માનાદિ કરવા, મોહ કરવો તે સઘળી અવિદ્યા-મિથ્યા બુદ્ધિ છે.
તથા શરીરાદિ ભોગ્ય પદાર્થો અશુચિમય છે. બે કાન, બે આંખ, નાકના બે ભાગો, મુખ, પુરુષચિહ્ન અને ગુદા એમ નવે ધારો રૂપી રન્દ્રોમાંથી (કાણામાંથી) અશુચિ વહ્યા જ કરે છે. આ નવે છિદ્રોમાંથી જે જે વસ્તુ નીકળે છે તે જરાય ગમતી નથી, એટલે અશુચિ રૂપ છે. તથા શરીરાદિ આ પદાર્થો આત્માના શુદ્ધ સ્વરૂપને આવૃત કરવામાં નિમિત્તો છે. કારણ કે તેની જેટલી જેટલી મમતા વધે તેટલી તેટલી ટાપટીપ-શોભા-શણગાર કરવામાં અને તેનો મોહ પોષવામાં જ આ જીવ રચ્યોપચ્યો રહે, તેનાથી ઘાતકર્મો બાંધે માટે શુદ્ધ સ્વરૂપનું આવરણ કરવામાં નિમિત્તભૂત થાય તેવા પ્રકારનાં શરીરાદિને પવિત્ર માનવાં, રૂપાળાં માનવાં, શોભા-શણગાર કરવાની બુદ્ધિ રાખવી તે અવિદ્યા કહેવાય છે.
વાસ્તવિક વિચાર કરીએ તો શરીર એ હાડકાં, માંસ, ચરબી, લોહી વગેરે અપવિત્ર પદાર્થોનો ઉકરડો જ છે. માત્ર ઉપર ઉપરથી મખમલ મઢેલું છે. કોઈ વેપારીએ ડબ્બામાં કાદવ-કીચડ જ ભર્યો હોય પરંતુ ઉપરથી પેકીંગ સુંદર અને દેખાવડું ભપકાદાર કર્યું હોય તો જાણ્યા પછી તે ડબ્બો શું આપણે ખરીદીશું? તેવું આ શરીરાદિ છે. હે જીવ ! આમાં પવિત્ર છે શું? એટલું જ નહીં પરંતુ પવિત્ર અને સુંદર દેખાતી મોદકાદિ ખાદ્યચીજો મુખમાં નાખીને એક-બે સેકંડમાં જો બહાર કાઢવામાં આવે તો તે વસ્તુઓ દેખવી પણ ન ગમે તેવી અપવિત્ર થઈ જાય છે. શરીરાદિનો સંયોગ પવિત્રને પણ અપવિત્ર બનાવે છે તેવા શરીરાદિ ઉપર પવિત્રતાની જે બુદ્ધિ કરવી, તેનો શોભા-શણગાર કરવો, વારંવાર બાથરૂમમાં જઈ દર્પણમાં જોઈ ટાપટીપ કરવી, મલકાવું આ બધી અવિદ્યા છે.