________________
૩પ૬ નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર વિવેચન :- દશ દષ્ટાન્ત દુર્લભ એવા મનુષ્યજીવનને પ્રાપ્ત કરીને જો કોઈ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ હોય તો તે સ્વભાવદશાનો લાભ જ મેળવવા લાયક છે. જે આવેલો ક્યારે પણ નાશ પામતો નથી. તે લાભ પ્રાપ્ત થયા પછી જન્મ, જરા, મરણ, રોગ, શોક અને ભયનાં કોઈપણ પ્રકારનાં દુઃખો ક્યારેય આવતાં નથી. તથા આ જીવને સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. કોઈ પણ પરદ્રવ્યની પરાધીનતા પણ ક્યારેય આવતી નથી.
સ્વભાવદશા એટલે આત્માના ધર્મભૂત એવાં જ્ઞાન, દર્શન, આત્મરમણતા રૂપ ચારિત્ર, અવ્યાબાધ સુખ, અમૂર્તપણું અને અપૂર્વ આનંદ ઈત્યાદિ ગુણોમય જે અખંડ સિદ્ધપણાનું શુદ્ધ-નિર્મળ આત્મસ્વરૂપ છે, તે જ સ્વભાવદશા કહેવાય છે. તેનો લાભ જો થાય તો તેનાથી બીજું કંઈ પણ મેળવવા યોગ્ય આ સંસારમાં બાકી રહેતું નથી. સર્વોપરિ આ લાભ છે. જેમ દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં વડાપ્રધાનપદ મળતું હોય તો ગુજરાત આદિ કોઈ એક રાજ્યનું વડાપ્રધાનપદ કે પાલનપુર, સુરત, વડોદરા કે જુનાગઢ આદિ કોઈ એક જિલ્લાનું વિશિષ્ઠ સત્તાસ્થાન મેળવવા જેવું રહેતું નથી. કારણ કે કેન્દ્રસરકાર જ સર્વોપરિ છે. તેમ અહીં આત્માના શુદ્ધ, નિર્મળ ક્ષાયિક દશાવાળા આત્મસ્વરૂપનો જે લાભ છે તે જ સાચો લાભ છે. સર્વોપરિ લાભ છે.
- ઉપરોક્ત ચર્ચાને અનુસાર આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણોરૂપી ધનના ઐશ્વર્યથી (ગુણોના સામ્રાજ્યથી) ભરેલા મુનિ જ્ઞપરિજ્ઞા વડે (જ્ઞાનદશાના બળે) હેય-ઉપાદેય અને શેય તત્ત્વને જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞા વડે (પચ્ચખાણ કરવા દ્વારા એટલે કે ત્યાગ કરવાના પરિણામ વડે) હેય એવા દ્રવ્યાશ્રવો (હિંસા-મૃષાવાદાદિ) અને ભાવાવ (મિથ્યાત્વ-અવિરતિકષાયાદિ)નો સર્વથા ત્યાગ કરીને આ મુનિ જગતમાં શરીર, સર્વ ઉપકરણો, પરિવાર, યશ અને માન-બહુમાન આદિ સર્વ પ્રકારના ભોગ્ય ભાવોમાં સ્પૃહા વિનાના એટલે કે ઈચ્છા વિનાના થાય છે. કારણ કે અનાદિ કાળથી ગાઢ જામેલી મોહના ઘરની પરપદાર્થો પ્રત્યેની આ તૃષ્ણા સ્વભાવદશાના અનુભવ વિના (સ્વભાવદશાનું મજબૂત આલંબન લીધા વિના) શાન્ત થાય તેમ નથી. સ્પૃહાને (તૃષ્ણાને) જીતવી હોય તો આત્મતત્ત્વના ગુણોની રમણતા એ જ તેને જિતવાનો શ્રેષ્ઠ ઉપાય છે. રામબાણ તુલ્ય છે. ૧||
संयोजितकरैः के के, प्रार्थ्यन्ते न स्पृहावहैः । अमात्रज्ञानपात्रस्य, निःस्पृहस्य तृणं जगत् ॥२॥
ગાથાર્થ - સ્પૃહાવાળા (પદ્ગલિક સુખની ઈચ્છાવાળા) મનુષ્યો વડે બન્ને હાથ જોડીને કોની કોની પાસે પ્રાર્થના નથી કરાતી? અર્થાત્ મારી ઈચ્છા સંતોષાશે એમ માનીને