________________
૩૫૪
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
ઉપર પણ જે નિઃસ્પૃહતા કેળવવી તે જ નિઃસ્પૃહતા કહેવાય - એમ માને છે. કારણ કે આમ હોય તો જ ઉપર ઉપરના ગુણસ્થાનકો ઉપર આરોહણ થાય, માટે બાહ્ય સાધનની નિઃસ્પૃહતાને ગૌણ કરીને સિદ્ધ થયેલા ગુણો રૂપી જે અભ્યન્તર સાધન છે તેના ઉપરની નિઃસ્પૃહતાને પ્રધાન કરે છે. પ્રથમના ચાર નયો બહારના પદાર્થો ઉપરની નિઃસ્પૃહતાને અને પાછલા ત્રણ નયો આત્માની અંદરના સિદ્ધ થયેલા ગુણો ઉપરની નિઃસ્પૃહતાને મહત્ત્વ આપે છે. હવે આપણે એક એક નયની માન્યતાને પણ જાણીએ.
નૈગમનય ઘણો વિશાલ છે. તેથી પુત્ર-પુત્રી-મિત્રાદિ કોઈપણ જીવ ઉપર અને ધન, કંચન, ગૃહાદિ કોઈપણ અજીવ ઉપરની સ્પૃહાનો ત્યાગ કરવો. આમ જીવ-અજીવ ઉભયવિષયક નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા માને છે. સંગ્રહનય અને વ્યવહારનય અજીવ પદાર્થો ઉપરની નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા કહે છે. કારણ કે અજીવ પદાર્થો સંસારી જીવન જીવવામાં સાધન હોવાથી તેના ઉપર વધારે સ્પૃહા હોય છે. ધન, કંચન અને ગૃહાદિ પદાર્થો ઉપર મુખ્યત્વે સ્પૃહા હોય છે. તેનો ત્યાગ કરાય તો જ જીવ નિઃસ્પૃહ કહેવાય છે. મિત્રાદિ જીવ ઉપરની સ્પૃહા પણ અજીવ પદાર્થોની પ્રાપ્તિ રૂપ સ્વાર્થને લઈને જ હોય છે. માટે જીવ ઉપરની સ્પૃહાને ગૌણ કરીને અજીવની સ્પૃહાને પ્રધાનતા આપીને તેના તરફની નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા આ નય માને છે.
ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી અને સ્વકીય વસ્તુનો ગ્રાહક છે. એટલે જે જે અજીવ વસ્તુઓ પોતાના ભોગને યોગ્ય છે. જેમકે પોતાનું ઘર, પોતાનું ધન, પોતાના અલંકાર અને પોતાના વસ્ત્રાદિ, તેના ઉપર જ જીવને વધારે સ્પૃહા હોય છે. પારકાનાં ઘર, ધન, વસ્ત્રાદિ ઉપર તેટલી સ્પૃહા હોતી નથી. માટે સ્વ = પોતાના ભોગ્ય = ભોગને યોગ્ય એવા મોન્યેષુ = ઘર, ધન, અલંકાર અને વસ્ત્રાદિ ઉપર જે સ્પૃહા છે તે દૂર થાય તેને જ વાસ્તવિક નિઃસ્પૃહતા કહેવાય છે. આમ આ ચાર નયો મોહ ઉત્પાદક એવા પરપદાર્થોની સ્પૃહાને સ્પૃહા અને તેનાથી નિઃસ્પૃહ થનારની નિઃસ્પૃહતાને નિઃસ્પૃહતા માને છે.
દેવ-ગુરુ-ધર્મ અને શાસ્ત્રાદિ જે જે શુભ નિમિત્તો છે તેને આધીન થઈને જે જે આત્મતત્ત્વની સાધનાના શુભ પરિણામો આ જીવમાં પ્રગટ થાય છે. તે જો કે ઊર્ધ્વરોહણમાં ઉપકારી છે. તો પણ તેના ઉપરની સ્પૃહા એ મોહ હોવાથી બાધક છે. માટે તેવા શુભ પરિણામોમાં પણ ઝંખના વિનાના બનવું તે નિઃસ્પૃહતા કહેવાય એમ શબ્દનય અને સમભિરૂઢનયનું કહેવું છે. આ નય સૂક્ષ્મદૅષ્ટિવાળા હોવાથી આત્માની અંદર જે સાધનાના પરિણામો છે. તેની પણ સ્પૃહા ત્યાજ્ય છે આમ સમજાવે છે.