________________
૩૫૦
નિર્લેપાષ્ટક - ૧૧
જ્ઞાનસાર
પરપદાર્થોનો મોહ કરવાપૂર્વક એટલે કે મારાપણાના ભાવ સાથે વારંવાર આસ્વાદન કરવાથી વૃદ્ધિ પામેલી એવી જે વિભાવદશા છે - તે વિભાવદશા રૂપ વાદળના સમૂહ દ્વારા તત્ત્વજ્ઞાન રૂપી સૂર્ય તિરોભૂત થઈ જવાથી મિથ્યાત્વ, અસંયમ અને મહામોહ રૂપી ગાઢ અંધકાર ફેલાયેલો છે તે અંધકાર વડે જીવો અંધ બનેલા છે અર્થાત્ વિવેકહીન બનેલા છે. સારાંશ કે વિભાવદશાનું જોર હોવાથી તત્ત્વજ્ઞાન લુપ્ત થઈ ચૂક્યું છે તેથી જીવો મોહના અંધકારમાં અંધ બનેલા છે. માટે સાચી વિવેકદશા ગુમાવી બેઠા છે. વિભાવદશાની તીવ્રતાના કારણે મોહાન્ધ બનેલા જીવો સ્વતત્ત્વ અને પરતત્ત્વનો વિવેક ભૂલી ગયા છે.
તેવા મોહાન્ધ બનેલા જીવોમાંથી સદાગમ રૂપી અંજન સદ્ગુરુ અને સત્શાસ્ત્રો દ્વારા મળવાથી તથા તત્ત્વજ્ઞાનની પ્રીતિ થવા રૂપ પાણી પીવાથી ઉત્પન્ન થયો છે યથાર્થ વિવેક
જેને એવા કેટલાક જીવો આત્માને જ્ઞાનથી દેખે છે. વિવેકદૃષ્ટિ વિકસવાથી તેઓ આમ
સમજે છે કે જ્ઞાનાવરણીયાદિ કર્મોથી આ આત્મા આચ્છાદિત થયેલો છે, વિભાવદશા રૂપી મેલની સાથે એકમેક બનેલો છે, શરીરાદિના પુદ્ગલસ્કન્ધોની સાથે એકતાને પામેલો છે, મૂર્તભાવવાળો બનેલો છે, ખંડિત સ્વરૂપવાળો (ક્ષાયોપમિક ભાવવાળો) બનેલો છે. તો પણ હવે અમારી વિવેકબુદ્ધિ જાગી હોવાથી તેવા અશુદ્ધ ભાવમાં રહેલો અમારો આત્મા પણ મૂલસ્વરૂપે અમૂર્ત સ્વરૂપવાળો, અખંડ જ્ઞાનાનન્દવાળો, અનન્ત અને અવ્યાબાધ સુખ સ્વરૂપવાળો છે એમ અમને સમજાય છે. ચારે બાજુથી કાદવ-કીચડ વડે લપેટાયેલા સ્ફટિકના ગોળાને વિચક્ષણ પુરુષો જેમ મૂળ અસલી પદાર્થ રૂપે દેખે છે તેમ સદાગમ અને તત્ત્વપ્રીતિથી વિવેકી બનેલા કેટલાક જીવો અશુદ્ધ સ્વરૂપવાળામાં પણ શુદ્ધ સ્વરૂપવાળા જીવને દેખે છે. તેથી તેને પ્રાપ્ત કરવા માટે અને વિભાવદશાને દૂર કરવા માટે નીચે મુજબના કઠીન કઠીન ઉપાયો તે મહાત્માઓ જીવનમાં અપનાવે છે.
(૧) પુણ્યના ઉદયથી પાંચે ઈન્દ્રિયોના વિષયો મળ્યા હોય, ભોગવાતા હોય, ચક્રવર્તી જેવાં રાજપાટ કદાચ હોય તો પણ તેમાં રુચિ ન કરતાં આત્મતત્ત્વનો અભ્યાસ કરવામાં તથા તેનું જ ચિંતન, મનન અને અનુભવ કરવામાં રુચિ કરે છે. આત્મતત્ત્વના અનુભવમાં જ સમય પસાર કરે છે.
(૨) ચિત્ર-વિચિત્ર એટલે ધનોપાર્જનના જુદા જુદા અનેક ઉપાયો અજમાવીને મેળવેલા ધન-ધાન્યનો ત્યાગ કરે છે અને મુનિજીવન સ્વીકારે છે. અહીં પાઠમાં ઘન + ઔષધ શબ્દ છે. ઔષધ શબ્દથી ધનની સાથે સંગત થતો ધાન્ય અર્થ કરવો ઉચિત લાગે છે. કોઈ કોઈ પ્રતમાં ધનૌષધં ને બદલે ધનૌયં શબ્દ પણ છે. જો આ શબ્દ લઈએ તો ધનનો સમૂહ અર્થ પણ ઘટી શકે છે. ઓઘ એટલે સમૂહ. ધન-ધાન્યનો અથવા ધનના સમૂહનો ત્યાગ કરે છે.