________________
જ્ઞાનમંજરી
તૃષ્યષ્ટક - ૧૦
૩૦૧
સ્પર્શજ્ઞાનવાળા જીવને એટલે કે સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિયોસંબંધી જ્ઞાનવાળા (છદ્મસ્થ) આત્માને શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આદિ પાંચ પ્રકારના ઈન્દ્રિયોના વિષયો વડે જે તૃપ્તિ થાય છે તે ઈત્વરી છે. એટલે કે અલ્પકાળ રહેનારી છે. જે કાળે વિષયનો ઉપભોગ કરો તે કાળ પૂરતી જ તૃપ્તિ છે. શેષ કાળે પાછી તૃષ્ણા ઉભી જ રહે છે. ગમે તેવાં ષડ્સભોજન આરોગ્યાં હોય તો પણ ભોજનકાલે જ સ્વાદના અનુભવજન્ય તૃપ્તિ થાય છે. ચાર કલાક પછી પેટ ખાલી જ થઈ જાય છે. આમ બધી જ ઈન્દ્રિયોમાં જાણવું. તેથી આ તૃપ્તિ અલ્પકાલીન છે, વળી આ તૃપ્તિ ઔપચારિક છે. કારણ કે પરદ્રવ્યકૃત છે. વળી સુખરૂપ નથી પણ વિષયની લાગેલી ભૂખનો પ્રતિકારમાત્ર કરનારી છે. તેથી પરપદાર્થોના વિલાસાત્મક એવા તે શબ્દાદિ વિષયો વડે આત્મજ્ઞાનીને શું તૃપ્તિ થાય ? અર્થાત્ ન થાય, કારણ કે આત્મજ્ઞાનીને તેવા વિષયોની કંઈ પણ અપેક્ષા હોતી નથી. વિષયો સામે વિદ્યમાન
હોય તો પણ શું ? અને ન હોય તો પણ શું ? ખરેખર તો આ પરપદાર્થોના વિલાસો મોહજન્ય અને મોહજનક હોવાથી કર્મબંધના હેતુ જ છે. કર્મબંધ જ કરાવનારા છે. ભવભ્રમણાનું જ કારણ છે. માટે જ્ઞાનીને તે વિષયોની શી જરૂર ? તેની અપેક્ષા હોતી નથી.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. પાંચે ઈન્દ્રિયોના આ વિષયો આ જીવ વડે ભવોભવમાં અનેકવાર ભોગવાયા છે. છતાં તેનાથી આત્માને પોતાનું શુદ્ધ-સહજ ગુણાત્મક સ્વરૂપ પ્રગટ થયું નથી તથા સુખનું કારણ પણ બન્યા નથી. ફક્ત ખસના રોગીને ઉપડેલી ખણજનો પ્રતિકાર કરનારી ખણવાની ક્રિયા વધારે રોગ વધારનારી હોવા છતાં તે કાલે મીઠી લાગતી હોવાથી ભ્રમથી ત્યાં જેમ સુખપણાની બુદ્ધિ થાય છે, ચાંદાં પડે છે, લોહી નીકળે છે, પીડા થાય છે તો પણ વર્તમાનકાલ પૂરતી મીઠાશ આપે છે, તેથી ત્યાં સુખબુદ્ધિ થાય છે. તેમ આ વિષયોમાં પણ માત્ર સુખપણાની બુદ્ધિ જ છે, ભ્રમ જ છે, ત્યાં સુખ નથી પણ ભ્રમથી સુખ છે એમ લાગે છે. ત્યાં મોહથી સુખ-બુદ્ધિ કરાઈ છે તેથી તે કૃત્રિમ (બનાવટી-ભ્રમિત) સુખબુદ્ધિ છે. પણ સાચી નથી.
આ કારણથી જ સ્વરૂપરસિક આત્માઓને તે શબ્દાદિ પાંચ વિષયો ભોગવવા તરફની કે તેનો આનંદ માણવા તરફની અભિમુખતા ક્યારેય સંભવતી નથી. તે જીવોને તે વિષયો તરફ દૃષ્ટિપાત પણ થતો નથી. ઘણા જ અલિપ્ત હોય છે. તેથી આત્માના શુદ્ધ એવા ગુણોના અનુભવરૂપ જે સાચી તૃપ્તિ છે તે જ પ્રાપ્ત કરવા જેવી છે. તે જ મેળવવા જેવી છે. તેમાં જ આનંદ માણવો જોઈએ. ॥૨॥
तामेव भावयति
=
તે જ તૃપ્તિ સમજાવે છે.