________________
૨૯
આવા વિદ્વદ્-ભોગ્ય ગ્રન્થોનું પઠન-પાઠન પૂ. સુવિહિત પંડિત મુનિ-મહારાજાઓમાં જ પ્રાયઃ પ્રચલિત હતું, પણ છેલ્લા કેટલાક સમયથી યોગ્ય તત્ત્વ-પિપાસુ આત્માઓમાં જ્ઞાનની ભૂખ જાગી છે. પણ સંસ્કૃત ભાષાના બોધના અભાવે નય-નિક્ષેપના સ્વરૂપ વાળો બોધ અત્યંત મુશ્કેલ હતો. જેથી તત્ત્વ-પિપાસુ આત્માઓને સહાયક થવા વિબુધવર્ય પંડિતજી શ્રી ધીરૂભાઈએ આ જ્ઞાનમંજરી ટીકાનો ભાવાનુવાદ કરવા સફળ પ્રયત્ન કર્યો છે.
પ.પૂ.આ.દેવ શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સાહેબે ખૂબ ટૂંકાણમાં પણ સારી રીતે દરેક અષ્ટકોને સ્પર્શ કરતી પ્રસ્તાવના આલેખેલ છે. જ્યારે ઉપા. શ્રી યશોવિજયજી મ.સા. તો જૈનશાસનના ગગનાંગણમાં ભાનુની જેમ સ્વ-પ્રકાશિત છે જ, એટલે વિદ્વદર્ય પંડિતજીએ અહીં પૂ. દેવચન્દ્રજી મ.ના જીવનનું પ્રસંગોચિત વર્ણન કરેલ છે. એટલે તે બાબતમાં મારે ખાસ કંઈ કહેવા જેવું નથી.
શ્રી ધીરુભાઈના ટુંકા નામે જૈન જગતમાં પરિચિત પંડિત પ્રવર શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા સુઈગામ (બનાસકાંઠા)ના વતની છે. ખૂબ જ્ઞાનરસિક છે. અનેકવિધ સંસારી આધિવ્યાધિમાં અટવાયેલા હોવા છતાં સમય ફાળવી વિદ્વદ્ભોગ્ય જૈનશાસનના અનેક ગ્રન્થોનું બાળભોગ્ય ગુર્જર-ગિરામાં અવતરણ કરતા રહે છે. ગણધરવાદ-સ્યાદ્વાદ રત્નાકરાવતારિકા-દ્રવ્યગુણ-પર્યાયનો રાસ અને સન્મતિતર્ક વગેરે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે ગુજરાતીમાં અનુવાદ કે વિશેષાર્થ લખેલ પુસ્તકોની સૂચિ આ જ ગ્રંથમાં આપેલ છે. પઠન-પાઠનમાં અતિ રસિક પંડિતજી પોતાની ૭૭ વર્ષની વયે પણ આ અનુવાદાદિ કાર્ય ખૂબ ઉત્સાહથી ધીરજ ધારણ કરવા પૂર્વક કરી સ્વ-નામને સાર્થક કરી રહ્યા છે.
આ ગ્રન્થની મુદ્રણ-પરિમાર્જન-શુદ્ધિનું કાર્ય ઉપયોગ પૂર્વક શક્તિ-અનુસાર મેં કરેલ છે. છતાં કેટલાક પદાર્થોને નમાર્ગમાં ઉતારવાની મારી શક્તિની સીમિતતાએ હું કદાચ આ બાબતમાં યોગ્ય ન્યાય આપી શક્યો નથી. તેથી અનુપયોગથી અથવા અનિપુણતાએ મારાથી કંઈ પણ ભૂલ રહી ગઈ હોય-અથવા અશુદ્ધિનું પરિમાર્જન થઈ શક્યું ન હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું.
પ્રાન્ત શ્રી જૈનસંઘને આવું ઉત્કૃષ્ટ નજરાણું અર્પણ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે પં. પ્રવર શ્રી ધીરુભાઈની જ્ઞાન-જાગૃતિનું ખૂબ ખૂબ અનુમોદન કરવા પૂર્વક પોતાની સઘળી આધિવ્યાધિ-ઉપાધિને બાજુમાં મૂકી આવા સાનુવાદ આત્મ-જાગૃતિ પ્રેરક પ્રસ્થાનું શ્રેષ્ઠ નજરાણું જૈનસંઘને અર્પણ કરવાની વધારે શક્તિ આપવા શાસનદેવને અંતરની પ્રાર્થના. તા. ૨૧-૧૨-૨૦૧૦, બુધવાર
રતિલાલ ચીમનલાલ દોશી “અભિષેક", ગોપીપુરા, સુભાષચોક,
લુદરાવાળા વાલ્મિક કાયસ્થ વાડી સામે, સુરત