________________
૨૬
પૂજ્ય ટીકાકા૨શ્રી દેવચંદ્રજી ખરતરગચ્છના હતા અને તેઓ શ્રી દીપચંદ્રજીના શિષ્ય હતા છતાં તે કાળના તપાગચ્છ આદિ અન્ય ગચ્છોના મુનિમહાત્માઓની સાથે સ્વ-પરનો ઉપકાર થાય તે રીતે એકમેકપણે વર્તવાના સ્વભાવવાળા હતા. ગ્રન્થકર્તા અને ટીકાકર્તા આ બન્ને મહાત્મા પુરુષો અધ્યાત્મી, તીવ્રવૈરાગ્યવાન અને સ્વભાવાભિમુખ પરિણતિવાળા હતા. તેઓના આ બધા ઉદ્ગારો મોહના વિષનો નાશ કરવામાં વિશિષ્ટ અમૃતનું કામ કરનાર છે. આત્માર્થી જીવોએ આ ગ્રન્થ વારંવાર વાંચવા જેવો છે. તેનું નિરંતર ચિન્તન-મનનનિદિધ્યાસન કરવા જેવું છે. સંસાર સાગર તરવામાં અવશ્ય વહાણનું કામ કરનાર છે.
આ ગ્રન્થનું વિવેચન લખવામાં, પ્રકાશન કરવામાં અને સંશોધન કરવામાં જે જે મહાત્માઓએ સહયોગ આપ્યો છે તે સર્વેનો આ અવસરે હું ઘણો જ આભાર માનું છું. લખાણ કરવામાં પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબોએ, પ્રકાશન કરવામાં અમેરિકામાં વસતા ભાવુક આત્માઓએ તથા અહીંના કોઈ કોઈ સુશ્રાવકોએ અને સંશોધન કરી આપવામાં પરમ પૂજ્ય આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજશ્રીએ ઘણો સાથ સહકાર આપ્યો છે. તે સર્વેનો હું આભારી છું, આભાર માનું છું. આ ગ્રન્થની છપાઈ કાળે “આ ગ્રન્થ મારો જ છે” એમ મનથી માનીને દત્તચિત્ત બનીને પ્રુફો સુધારવાની બાબતમાં પંડિતવર્ય શ્રી રતિલાલ ચીમનલાલ દોશીએ ઘણી જ કાળજીપૂર્વક કાર્ય કર્યું છે. તેઓનો પણ આભાર માનું છું. આ પુસ્તકનું છાપકામ કરનાર ભરત ગ્રાફીક્સના માલિક શ્રી ભરતભાઈ અને મહેન્દ્રભાઈએ પણ માત્ર પૈસા તરફ દૃષ્ટિ ન રાખતાં ગ્રન્થની પ્રતિભા અને શોભા વધે તેવું સુંદર ઉમદા કામ કર્યું છે તે બદલ તેઓનો પણ આભાર માનું છું.
અંતે અનુપયોગદશાથી, છદ્મસ્થપણાથી અને મંદક્ષયોપશમના કારણે મારાથી કંઈ શાસ્ત્રવિરુદ્ધ લખાઈ ગયું હોય અથવા કંઈપણ ક્ષતિ રહી ગઈ હોય તો ચતુર્વિધ સંઘ સમક્ષ ત્રિવિધે ત્રિવિષે મિચ્છામિ દુક્કડં માગું છું અને મહાત્મા પુરુષો મારી ભૂલો અવશ્ય સુધારજો અને મને સૂચના કરજો કે જેથી નવી આવૃત્તિમાં તે ક્ષતિઓ સુધરી જાય. આપશ્રીનો હું જરૂર ઉપકાર માનીશ.
એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯, ગુજરાત (India)
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
ફોન: ૦૨૬૧-૨૭૬૩૦૭૦ મો: ૯૮૯૮૩૩૦૮૩૫