________________
જ્ઞાનમંજરી
શમાષ્ટક - ૬
૧૯૭
આત્મદશાના અનુભવમાં લયલીન-એકાકાર બનેલા મહાત્માને પોતાની સેવા કરનાર કે ઉપસર્ગ કરનાર એમ બન્ને ઉપર સરખો જ ભાવ હોય છે. આવો ભાવ તો જેને આવ્યો હોય તેને જ આ વાત સમજાય તેવી છે. અન્યત્ર શાસ્ત્રોમાં કહ્યું છે કે -
वंदिज्जमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चलंति धीरा, मुणी समुग्धाइयरागदोसा ॥
(આવશ્યકનિયુક્તિ ગાથા-૮૬૬)
बालाभिरामेसु दुहावहेसु न तं सुहं कामगुणेसु रायं । विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणो सीलगुणे रयाणं ॥
(ઉત્તરાધ્યયન-૧૩, ગાથા-૧૭)
इति समतास्वादिनां नरेशभोगाः रोगाः, चिन्तामणिसमूहाः कर्करव्यूहाः, वृन्दारका: दारका इव भासन्ते, अतः संयोगजा रतिर्दुःखम्, समतैव महानन्दः ॥६॥
આવા પ્રકારની સમતા રાખનારા મહાત્માઓ સંસારી લોકો દ્વારા વંદન-નમન-પૂજન કરાય તો ઉત્કર્ષ પામતા નથી અને અવહેલના (અપમાન) કરાય તો મનમાં બળતા નથી (દ્વેષ કરતા નથી). ચિત્તનું દમન કરવા દ્વારા ધીરપુરુષો ભૂમિ ઉપર વિચરે છે. આવા મુનિઓ રાગ અને દ્વેષનો જાણે નાશ કર્યો છે તેવા શાન્ત મુદ્રાવાળા હોય છે.
બાળકોને જ (અજ્ઞાની અને મોહાન્ય જીવોને જ) મનોહર લાગે તેવા અને અંતે દુઃખ જ આપે તેવા કામવાસનાના ગુણોમાં તે સુખ નથી કે જે સુખ કામવાસનાથી વિરક્ત બનેલા અને તપધર્મવાળા તથા શીલગુણમાં રક્ત થયેલા એવા મુનિઓને હોય છે.
જ્યારે આ આત્માની અધ્યાત્મદૃષ્ટિ ખીલે છે ત્યારે પૌદ્ગલિક વાસનાઓ ક્ષણભંગુર હોવાથી, તીવ્રકર્મબંધનું કારણ હોવાથી અને પરાધીન હોવાથી ચિત્તમાંથી નષ્ટ જ થઈ જાય છે. આત્માના ગુણોના અનુભવનો આનંદ પ્રસરે છે, ત્યારે સમતા રસનો આસ્વાદ માણનારા મુનિઓને રાજાના રાજાશાહીના ભોગો પણ રોગો છે એમ દેખાવા લાગે છે, ચિન્તામણિ રત્નોના ઢગલા (ધન-કંચન-મણિ-રત્નોના ઢગલા) પણ કાંકરાના જ ઢગલા છે. આમ દેખાવા લાગે છે. આ કારણથી અન્ય જીવદ્રવ્યના સંયોગથી થનારું અને પુદ્ગલોના સંયોગથી થનારું સુખ અને તેમાં થતી રતિ-પ્રીતિ-આનંદ એ જ મોટું દુઃખ દેખાય છે. પરદ્રવ્યના સંયોગજન્ય સુખ એ જ મોટું દુઃખ, સ્વાભાવિક ગુણોનું સુખ એ જ સાચું સુખ, સમતાભાવની પ્રાપ્તિ એ જ મોટો આનંદ આ મહાત્માઓને લાગે છે. દા