________________
જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬
૧૮૭ એમ અવસ્થાભેદ હોવાથી ક્રિયાનો (આચરણાનો) ભેદ હોય છે. જેમ શત્રુંજય પહાડ ઉપર ચઢનારા જીવોની અને પહાડ ઉપર ચડી ચૂકેલા જીવોની ચાલવાની ગતિક્રિયા ભિન્ન ભિન્ન જાતિની હોય છે. ચઢનારા જીવોની ગતિક્રિયા એક એક પગથીયું નીચેનું છોડીને ઉપરનું ગ્રહણ કરવા રૂપ “આરોહણ” ક્રિયા હોય છે. તેવી ક્રિયા ચઢી ચૂકેલામાં હોતી નથી. તથા ચઢી ચૂકેલા જીવોમાં ક્ષેત્રાન્તર થવા રૂ૫ ગતિક્રિયા હોય છે તેવી ગતિક્રિયા ચઢનારામાં હોતી નથી. તેવી જ રીતે સાધનાકાલમાં વર્તનારા જીવોમાં કાયોત્સર્ગ ધ્યાન-પ્રતિક્રમણ-તપ આદિ બાહ્ય ધર્મ અનુષ્ઠાનોની ક્રિયા હોય છે. કારણ કે તે કાલે જીવ ભૂલો પણ કરે છે. માટે ક્ષમાયાચના કરવારૂપ પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો હોય છે. ચિત્ત ચંચલ હોવાનો સંભવ છે માટે ધ્યાન અને કાયોત્સર્ગાદિ બાઘક્રિયા હોય છે તથા મોહને જીતવા માટે તપ અનુષ્ઠાન પણ હોય છે. આમ પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન અને વચન અનુષ્ઠાન રૂપે બાહ્યક્રિયા હોય છે અને બાહ્યક્રિયા આચરવી જરૂરી પણ છે. તો જ સાધ્યની સિદ્ધિ સંભવે છે.
પરંતુ જેનામાં યોગદશા સિદ્ધ થઈ ચૂકી છે તેઓ અંતર્ગત ક્રિયાવાળા થયા છતા (તેમનું લબ્ધિવીર્ય મન-વચન-કાયાના બાહ્ય યોગરૂપે પ્રવર્તવાને બદલે રત્નત્રયી રૂપ ગુણોની તન્મયતામ
પ્રશમભાવથી જ નિર્મળ બને છે. તેઓ બાહ્યક્રિયા આચરતા નથી તો પણ મોહનીયના ક્રોધાદિ ભાવોનો ક્ષય થયેલ હોવાથી અંદરની ક્રિયાની પ્રધાનતાથી જ સિદ્ધ થાય છે. જેમ ચઢનારામાં આરોહણ ક્રિયા અને ચઢેલામાં આરૂઢક્રિયા પ્રધાનતાએ હોય છે તેમ સાધનાકાલમાં બાહ્યક્રિયાની અને યોગારૂઢદશામાં અન્તર્ગતક્રિયાની પ્રધાનતા હોય છે.
ટીકાનો અર્થ :- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર આમ રત્નત્રયીની સાધનારૂપ સમાધિયોગ ઉપર આરોહણ કરવાની ઈચ્છાવાળા મુનિ એટલે ભાવથી સાધક મહાત્મા પ્રીતિ-ભક્તિ અને વચનાનુષ્ઠાન આચરવા રૂપ શુભસંકલ્પો કરવા દ્વારા અશુભ સંકલ્પોનું નિવારણ કરતા છતા આરાધક બને છે. જેમ “સોય” પગમાં નાખવા જેવી નથી, પીડા કરનારી છે. નાખીએ તો પણ અંતે કાઢી જ નાખવાની હોય છે તેટલા માટે જ તેનો બીજો છેડો હાથમાં જ રખાય છે. તથા નાખતી વખતે પણ સમજાય છે કે આ પીડાકારી છે તો પણ પગની અંદર ગયેલો કાંટો તેના વિના નીકળતો નથી. તેથી ન નાખવા જેવી હોવા છતાં પણ કાંટો કાઢવા પૂરતી નાખવી પડે છે. કાંટો નીકળતાં તુરત જ કાઢી લેવામાં આવે છે. તેમ “શુભ સંકલ્પો” પણ પ્રશસ્તમોહદશા હોવાથી અંતે હેય છે તો પણ અશુભ સંકલ્પોને ટાળવા માટે શુભ સંકલ્પો પૂર્વકાલમાં આદરવા પડે છે. જેમ જેમ શુભ સંકલ્પો દ્વારા અશુભ સંકલ્પોનું વારણ થતું જાય છે તેમ તેમ અંતે શુભ સંકલ્પોને પણ ત્યજીને “નિર્વિકલ્પદશા” = પરમસમાધિ પ્રાપ્ત કરવાની હોય છે. અહીં મુક્તિમાર્ગનો હાલ સાધનાકાલ હોવાથી શુભ સંકલ્પો કરવા દ્વારા અશુભ સંકલ્પો દૂર કરવાનું કામ પ્રથમ કરાય છે.