________________
૧૭૬
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
કહેવાય છે અથવા પ્રસન્નચંદ્ર રાજર્ષિનું પુત્રસ્નેહથી મન દ્વારા કરાયેલું જે યુદ્ધ તે સઘળો દ્રવ્યશમ જાણવો. તેના આગમથી અને નોઆગમથી એમ બે ભેદ છે.
ત્યાં શમના સ્વરૂપને જાણનારો જ્ઞાની આત્મા હોય પરંતુ તેની પ્રરૂપણા કરવાના અવસરે ઉપયોગદશા ન હોય તે આગમથી દ્રવ્યશમ કહેવાય છે. તથા માયા-કપટપૂર્વક સાંસારિક ધનલાભ, વિદ્યાલાભ આદિ લાભોની સિદ્ધિ આદિ માટે તથા આવો શમભાવ રાખ્યો હશે તો દેવગતિ મળશે એમ સમજીને દેવગતિ આદિના સુખો મેળવવા માટે ઉપકારક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમા આ ત્રણમાંથી કોઈપણ ક્ષમા રાખવાપૂર્વક ક્રોધની શાન્તિ કરવી તે નોઆગમથી દ્રવ્યક્ષમા કહેવાય છે.
સામે કોઈ વડીલો, ધર્મગુરુઓ અથવા ઉપકારી પુરુષો ઠપકો આપતા હોય ત્યારે આ વડીલપુરુષ છે, ઉપકારી પુરુષ છે ઈત્યાદિ સમજીને જે ક્ષમા રાખવી તે ઉપકારક્ષમાં કહેવાય છે. સામે હલકા માણસો હોવાથી ક્રોધ કરીશું તો વધારે અપકાર (નુકશાન) થશે એમ સમજીને જે ક્રોધ ન કરવો તે અપકારક્ષમા કહેવાય છે. તથા ક્રોધ કરવાથી ચીકણાં કર્મો બંધાય છે અને તે ભવાન્તરમાં નરક-નિગોદના ભવોમાં ઘણાં ઘણાં દુઃખો જ આપે છે. આમ કર્મોના વિપાકના ભયથી શાન્તિ રાખવી અને ક્રોધ ન કરવો તે વિપાકક્ષમા કહેવાય છે. આ ત્રણ પ્રકારની ક્ષમામાં બહારથી જ ક્રોધનો અભાવ છે, પરંતુ અંદરથી ક્રોધાદિ કષાયો તથા ધનલાભ-લબ્ધિલાભ અને દેવસુખના લાભનો લોભ કષાય વર્તે છે માટે નોઆગમથી દ્રવ્યશમ કહેવાય છે.
ભાવથી શમ પણ બે પ્રકારનો છે. આગમથી અને નોઆગમથી, ત્યાં ઉપશમના સ્વરૂપને જાણનારા જ્ઞાની પુરુષ ઉપશમનું સ્વરૂપ સમજાવતી વેળાએ ઉપયોગવાળા હોય તો તે કાલે તે વ્યાખ્યાતાપુરુષ આગમથી ભાવશમ કહેવાય છે. કારણ કે અંદર જ્ઞાન છે માટે આગમથી અને ઉપયોગ પ્રવર્તે છે માટે ભાવથી શમ કહેવાય છે. તથા સદ્ગુરુઓ આદિના સમાગમથી, સત્સંગથી અને સ્વાધ્યાયાદિથી મિથ્યાત્વદશાનો ત્યાગ કરીને જે વસ્તુ જેમ છે તેમ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાપૂર્વક ચારિત્રમોહનીયકર્મના ઉદયનો અભાવ કરીને એટલે કે તે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ કરીને આત્મામાં શુદ્ધ ક્ષમાદિગુણોની પરિણતિ પ્રાપ્ત કરવી તે નોઆગમથી ભાવશમ કહેવાય છે. આગમથી અને નોઆગમથી આ ભાવશમ જ જીવને ઉપકારી તત્ત્વ છે.
આ નોઆગમથી ભાવશમ પણ લૌકિક અને લોકોત્તરના ભેદથી બે પ્રકારનો છે. ત્યાં વેદાન્તવાદીઓ, બૌદ્ધ દર્શનકારો, સાંખ્યો, મીમાંસકો ઈત્યાદિ અન્ય દર્શનકારો પોતપોતાના