________________
૧૬૨
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
મંદ હોય
ત્યાં જઘન્યવિશુદ્ધિએ ચઢનારા પ્રથમજીવની પ્રથમસમયમાં વિશુદ્ધિ સૌથી અલ્પ = છે. તે જ જીવની યથાપ્રવૃત્તકરણના બીજા સમયમાં અનંતગુણી વિશુદ્ધિ, તે જ જીવની ત્રીજા સમયમાં અનન્તગુણી એમ યાવત્ યથાપ્રવૃત્તકરણનો સંખ્યાતો ભાગ જાય ત્યાં સુધી કહેવું. તેના કરતાં પ્રથમસમયવર્તી બીજા જીવની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી છે. તેના કરતાં જે સ્થાનની જઘન્યવિશુદ્ધિ કહીને વિરામ કર્યો હતો, તે પછીના સ્થાનની જઘન્યવિશુદ્ધિ અનંતગુણી છે. તેના કરતાં બીજા સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણી છે. તેના કરતાં નીચે જઘન્યવિશુદ્ધિ અનંતગુણી છે. આ પ્રમાણે એક નીચેના સ્થાનની જઘન્યવિશુદ્ધિ અને એક ઉપરના સ્થાનની ઉત્કૃષ્ટવિશુદ્ધિ એમ બન્ને જીવોની વિશુદ્ધિ પરસ્પર અનંતગુણ અનંતગુણ કહેતાં ત્યાં સુધી જવું કે યાવત્ પ્રથમજીવની ચરમસમયની જઘન્યવિશુદ્ધિ આવે. ત્યારબાદ ચરમસમય સુધીનાં નહીં કહેલાં જે શેષ ઉત્કૃષ્ટવિશુદ્ધિ તરફનાં સ્થાનો બાકી રહ્યાં તેની અનુક્રમે નિરંતર વિશુદ્ધિ અનંતગુણી કહેવી. આ સમજવા માટે બાજુમાં એક યન્ત્રની કલ્પના કરી છે. યથાપ્રવૃત્તકરણમાં અંતર્મુહૂર્તનો કાલ છે તેમાં અસંખ્યાત સમયો છે તેની ૧ થી ૨૦ સમયપ્રમાણ કલ્પના કરી છે. ત્યાં યથાપ્રવૃત્તકરણનો સંખ્યાતમો ભાગ એટલે ૧ થી ૬ સમય કલ્પ્યા છે. તેમાં ૧ થી ૬ સમય સુધી જઘન્યવિશુદ્ધિ ક્રમશઃ અનંતગુણી છે ત્યારબાદ પહેલા સમયની ઉત્કૃષ્ટ, સાતમા સમયની જઘન્ય, બીજા સમયની ઉત્કૃષ્ટ, આઠમા સમયની જઘન્ય અને ત્રીજા સમયની ઉત્કૃષ્ટ એમ કરતાં કરતાં વીસમા સમયની જઘન્યવિશુદ્ધિ આવે ત્યાં સુધી સમજવું. ત્યારબાદ ૧૫ થી ૨૦ એમ ૬ સમયોની ઉત્કૃષ્ટવિશુદ્ધિ ક્રમશઃ અનંતગુણી જાણવી. આ યથાપ્રવૃત્તકરણ સમજાવ્યું. તેનું બીજું નામ “પૂર્વપ્રવૃત્તકરણ'' પણ છે. કારણ કે બાકીનાં જે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ છે તે બે કરતાં આ કરણ પહેલાં = પૂર્વકાલમાં પહેલું પ્રવર્તે છે માટે તેનું બીજું નામ પૂર્વપ્રવૃત્તકરણ છે.
આ યથાપ્રવૃત્તકરણમાં સ્થિતિઘાત-૨સઘાત અથવા ગુણશ્રેણી પ્રવર્તતાં નથી. ફક્ત ઉપર કહ્યા પ્રમાણે વિશુદ્ધિ જ માત્ર હોય છે. (સ્થિતિઘાતાદિનું સ્વરૂપ આગળ અપૂર્વકરણ વખતે સમજાવે જ છે.) તથા આ યથાપ્રવૃત્તકરણમાં રહેલો જીવ અહીં જે જે અપ્રશસ્ત (અશુભ) કર્મો બાંધે છે. તેઓનો અનુભાગબંધ (૨સબંધ) અવશ્ય દ્વિસ્થાનક જ (બે ઠાણીયો જ) કરે છે અને જે પ્રશસ્ત (શુભ) કર્મો બાંધે છે તે કર્મોનો અનુભાગબંધ (રસબંધ) નિયમા ચતુઃસ્થાનક જ (ચઉઠાણીયો જ) બાંધે છે. તથા એક સ્થિતિબંધ સમાપ્ત થયે છતે બીજો અને બીજો સ્થિતિબંધ સમાપ્ત થયે છતે ત્રીજો સ્થિતિબંધ અવશ્ય પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન ન્યૂન જ કરે છે. સમાન કે અધિક બંધ આ જીવ કરતો નથી. આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણ સમજાવ્યું. હવે અપૂર્વકરણ સમજાવાય છે.