________________
૬૧૨
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
કર્મ વડે તેનો તિરોભાવ જે કરાયો હતો (આ ગુણો ઢંકાયા હતા) તે આ બન્ને કર્મસ્વરૂપ કારણોનો અભાવ થવાથી જે તિરોભાવતા હતી તે જ દૂર કરાય છે. પરંતુ જેમ ઘટ-પટ નવા ઉત્પન્ન કરાય છે તેમ આ જ્ઞાન અને સુખ નવાં ઉત્પન્ન કરાતાં નથી કે જેથી કૃતકાદિ કહેવાય. તથા જેમ વિજળી વગેરે પહેલાં ન હતી અને પછી વાદળોના ઘર્ષણથી પેદા થઈ છે તેમ જ્ઞાન અને સુખ પહેલાં ન હતાં અને પછી કર્મ જવાથી ઉત્પન્ન થયાં છે આમ પણ નથી. માટે અભૂતપ્રાદુર્ભાવ પણ નથી. તેથી કૃતકત્વહેતુ અને અભૂતપ્રાદુર્ભાવત્વહેતુ અનૈકાન્તિકહેત્વાભાસ અને અસિદ્ધહેત્વાભાસ હોવાથી સિદ્ધ પરમાત્માનું જ્ઞાન અને સુખ અનિત્ય સિદ્ધ થતું નથી. પણ નિત્ય જ રહે છે. જેમ ચંદ્રની ચાંદનીનો કે સૂર્યપ્રભાનો ઘનીભૂત વાદળ વડે તિરોભાવ કરાય છે અને તે જ ઘનીભૂત વાદળ દૂર થયે છતે ચંદ્રની ચાંદનીનો અને સૂર્યની પ્રભાનો તિરોભાવ માત્ર દૂર કરાયે છતે તે ચાંદની કે સૂર્યપ્રભાનું કૃત્રિમપણું કે અભૂતપ્રાદુર્ભાવપણું કહેવું તે યોગ્ય નથી. કારણ કે ચાંદની અને સૂર્યપ્રભા તો પહેલેથી છે જ. માત્ર અપ્રગટ હતી તે પ્રગટ થઈ છે તેમ અહીં જ્ઞાન અને સુખ પણ સ્વાભાવિક હોવાથી પહેલેથી જ છે. માત્ર તેનો તિરોભાવ જ દૂર થયો છે. અને માત્ર પ્રાદુર્ભાવ કરાયો છે.
પ્રભાસજી હે ભગવાન્ ! સિદ્ધ પરમાત્મામાં પ્રગટ થયેલ અનંતજ્ઞાન અને અનંતસુખ ઘટ-પટના નાશની જેમ સર્વથા નાશ ભલે ન પામો તો પણ પહેલાં સંસારાવસ્થામાં તિરોભૂત હતાં અને પછી સિદ્ધાવસ્થામાં આવિર્ભૂત થયાં. એ રીતે આવિર્ભૂત થવારૂપ વિશિષ્ટરૂપે તો ઉત્પન્ન થયાં જ, તે માટે તે અપેક્ષાએ તો કૃતક હોવાથી જ્ઞાન અને સુખ અનિત્ય જ થશે. તથા સિદ્ધાવસ્થામાં પણ પ્રત્યેક સમયે પર્યાયસ્વરૂપે શેય બદલાયે છતે જ્ઞાન પણ બદલાય જ છે. તેથી શેયનો વિનાશ થયે છતે જ્ઞાનનો પણ અવશ્ય વિનાશ થાય જ છે. તથા સુખગુણ પણ પ્રતિસમયે નવા નવા પર્યાયરૂપે પરિવર્તન પામતો હોવાથી આ જ્ઞાનગુણનું અને સુખગુણનું પર્યાયાપેક્ષાએ તો અનિત્યપણું કહેવાશે જ.
-
ભગવાન - હે પ્રભાસજી ! જો ઉપર મુજબ તમે પ્રશ્ન કરો તો અમને સિદ્ધસાધ્યતા છે. કારણ કે આ રીતે તો આકાશ, આત્મા જેવા નિત્ય દેખાતા પદાર્થો તથા ઘટ-પટ જેવા અનિત્ય દેખાતા પદાર્થો એમ સર્વે પણ પદાર્થોનો સમૂહ ઉત્પાદ-સ્થિતિ અને પ્રલય સ્વભાવવાળો અમે સ્વીકાર્યો હોવાથી સિદ્ધ પરમાત્માનાં જ્ઞાન અને સુખ પણ કથંચિદ્ અનિત્ય (પર્યાય અપેક્ષાએ અનિત્ય) હોવાથી સિદ્ધપરમાત્માના જ્ઞાન અને સુખને અનિત્યતા રૂપે અપાતો દોષ તે અમને દોષરૂપ બનતો નથી. કારણ કે આવું કથંચિદ્ અનિત્યપણું તો અમે માનીએ જ છીએ. તેથી તે જ્ઞાન અને સુખ સર્વથા નાશ પામતાં નથી. ૨૦૧૪