________________
ગણધરવાદ
૬૦૫
અગિયારમા ગણધર - પ્રભાસ तह सोक्खमओ जीवो, पावं तस्सोवघाइयं नेयं । पुण्णमणुग्गहकारिं, सोक्खं सव्वक्खए सयलं ॥२००९॥ (यथा वा ज्ञानमयोऽयं जीवो ज्ञानोपघाति चावरणम् । करणमनग्रहकारि सर्वावरणक्षये शद्धिः ॥ तथा सौख्यमयो जीवः, पापं तस्यौपघातिकं ज्ञेयम् । पुण्यमनुग्रहकारि, सौख्यं सर्वक्षये सकलम् ॥)
ગાથાર્થ - અથવા જેમ આ જીવ અનંત જ્ઞાનમય છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનનો ઉપઘાત કરનારું છે. ઈન્દ્રિયો જ્ઞાનને અનુગ્રહ કરનારી છે. સર્વ આવરણોનો ક્ષય થયે છતે જ્ઞાનની શુદ્ધિ (નિર્મળતા) પ્રગટ થાય છે. તેમ આ જીવ સુખમય છે. પાપકર્મ તેને ઉપઘાત કરનારું છે. પુણ્યકર્મ તેને અનુગ્રહ કરનારું છે. સર્વકર્મનો ક્ષય થયે છતે સંપૂર્ણ એવું સુખ પ્રગટ થાય છે. /ર૦૦૮-૨૦૦૯
વિવેચન - આ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપે સ્ફટિકના ગોળાની જેમ અનંત જ્ઞાનમય છે. મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ વગેરે કર્મો તે અનંતજ્ઞાનમયતાના ઉપઘાતક તત્ત્વો છે. સ્પર્શનેન્દ્રિય વગેરે પાંચે ઈન્દ્રિયો તે જ્ઞાનના સાધનભૂત છે. જેમ સૂર્યના પ્રકાશને આવરણ કરનારા મેઘ-પટલમાં રહેલાં છિદ્રો પ્રકાશ આપવામાં ઉપકારક છે. તેમ ઈન્દ્રિયો જ્ઞાનપ્રાપ્તિમાં ઉપકારક છે. તથા સર્વ આવરણોનો ક્ષય થયે છતે સંપૂર્ણપણે વસ્તુનો અવભાસ થવારૂપે જ્ઞાનદશાની શુદ્ધિ (નિર્મળતા) થાય છે. તેવી જ રીતે મોક્ષના સુખમાં પણ યોજના કરવી.
ઉપર કહ્યા પ્રમાણે આ જીવ પોતાના સ્વરૂપથી જ સ્વાભાવિક એવા (કોઈપણ પરદ્રવ્યની અપેક્ષા વિના) અનંત સુખમય છે. તે સુખનો ઉપઘાત કરનારું કર્મ પાપકર્મ જાણવું. અનુત્તરવાસી દેવનો ભવ આપવા સુધીના સુખફળવાળું જે કોઈ પુણ્યકર્મ છે તે સ્વાભાવિકસુખને અનુગ્રહ કરનારું છે. તેથી જ્યારે સર્વ આવરણો દૂર થાય ત્યારે જેમ ઉત્કૃષ્ટજ્ઞાન પ્રગટે છે તેની જેમ સમસ્ત એવા પુણ્યકર્મ અને પાપકર્મોનો નાશ થયે છતે સંપૂર્ણ એવું નિરુપચરિત અને નિરુપમ એવું સ્વાભાવિક અનંતસુખ સિદ્ધના જીવને પ્રગટ થાય છે.
(૧) જીવ જેમ અનંતજ્ઞાનમય છે, તેમ અનંતસુખમય પણ છે. (૨) જ્ઞાનગુણ એ જીવનું જેમ સ્વરૂપ છે, તેમ અનંતસુખ એ જીવનું સ્વરૂપ છે. (૩) આવરણીયકર્મ જ્ઞાનનું જેમ ઉપઘાતક છે, તેમ પાપકર્મ સુખનું ઉપઘાતક છે.