________________
તમને આ બધા વિનયના આચાર ગમે છે ? ગુરુ પ્રત્યે બહુમાનભાવે નથી તેની આ તકલીફ છે. તમે ધર્મસ્થાનમાં આવો છો તે સાચું શોધવા માટે આવો છો કે સારું ? સ0 સાચા અને સારામાં શું ફરક ?
આપણને જે ગમે એવું હોય તે સારું અને આપણને જે ગમે એવું ન હોય તે સાચું. સારું છે માટે ગમે છે – એવું નથી, ગમે છે માટે સારું લાગે છે. સાચું તો તે છે કે જે ભગવાને કહેલું છે અને તે આપણને ગમતું નથી. આપણને ગમે તે સાચું નહિ, ભગવાને કીધું હોય તે સાચું. તમારી ભાષામાં કહીએ તો અવિરતિ સારી છે અને વિરતિ સાચી છે. વિરતિ ભગવાને કહી છે છતાં ગમતી નથી ને ? અવિરતિ જ ગમે છે ને ? અત્યાર સુધી સારું લેવા માટે જે મહેનત કરી તેમાં સાચું જતું રહ્યું. સાચું લેવા જતાં સારું છોડવું પડે છે – એ પાલવતું નથી. સ0 આ જ અમારા મનની વાત છે.
એ મનની વાત છે માટે જ માનવી નથી. અત્યાર સુધી આ મનનું માન્યું માટે જ સંસારમાં રખડીએ છીએ – આપણું મન ન તારે, ભગવાનનું વચન તારે, અહીં આવો ત્યારે મનને બાજુએ મૂકીને આવવું. જે લોકો નદીમાં તરવા માટે પડે તેઓ પણ પાસેની બધી વસ્તુ, વધારાનાં વસ્ત્રો બધું જ કાઢીને પછી પડે છે – તેમ ધર્મસ્થાનમાં આવો તો નકામા વિચારો કાઢીને પછી આવવું. આ તો દેરાસરમાં આવે તો ય ધ્યાન જોડામાં હોય, પછી ભાવ ક્યાંથી આવે ? આજે નિયમ લઇ લો કે ધ્યાન રાખવું પડે એવી એક પણ ચીજ લઇને ધર્મસ્થાનમાં જવું નહિ. મનનું માનવાના કારણે સારાની શોધમાં ભટક્યા કર્યું એના બદલે ભગવાનનું વચન માની લીધું હોત તો સાચું પામી જાત. સ0 સાચાને પણ શોધવા જવું પડે ને ?
તમને સાચું શોધતાં આવડે છે? હીરાને કોણ શોધી કાઢે ? ઝવેરી કે હજામ ? સાચાને શોધવા માટે પણ શાસ્ત્રનો અભ્યાસ કરવો પડશે, પછી સાચાની પરખ થશે. હવે આગળની ગાથાથી બીજો વિનય જણાવે છે કે
नेव पल्हत्थियं कुज्जा पक्खपिंडं च संजए । पाए पसारिए वावि न चिट्टे गुरूणंतिए ॥१-१९॥
ગુરુભગવંત સામે પર્યાસ્તિકા આસને ન બેસવું એટલે કે પલાંઠી વાળીને ન બેસવું. તેમ જ પક્ષપિંડ કરીને અર્થાત્ હાથેથી અદબ વાળીને પણ ન બેસવું. તેમ જ પગ પ્રસારીને ગુરુ પાસે ન બેસવું. આ બધાં અવિનયનાં લક્ષણ છે. અદબ વાળીને બેસવું એ તો ઉદ્ધતાઇનું અને અહંકારનું પ્રતીક છે, પલાંઠી વાળવી એ સુખશીલતાનું પ્રતીક છે અને પગ પ્રસારીને બેસવું એ આળસનું પ્રતીક છે. ગુરુ સામે સુખ ભોગવવું, આરામ કરવો કે અક્કડ બેસવું – એ એક પ્રકારનો અવિનય છે, માટે તેવી પ્રવૃત્તિ ગુરુ પાસે ન કરવી.
શ્રાવકને સાધુ થવાની ઇચ્છા હરપળ હોવાથી સાધુપણાના આચાર કઇ જાતના હોય છે, એમાં કઈ રીતે અવરોધો આવે છે એ જોવા માટે આ ગ્રંથનું વાંચન શરૂ કર્યું છે. કર્મે આપણને અનુકૂળતા આપી અને આપણા પરાક્રમના કારણે આપણે અવરોધો જાતે ઊભા કર્યા. મળેલી તકને છોડી દેવાનો પુરુષાર્થ કર્યો. ઝડપી લેવાનો પ્રયત્ન ન કર્યો. આજે ઘણાને શંકા છે કે – ચારિત્ર કેમ મળતું નથી ? જોઇતું નથી માટે મળતું નથી. જો ઇતું હોત તો બધા અવરોધોને ઠેલી નાખત. કર્મે આપણને એકલા જ મોકલ્યા કે જેથી કોઇની ચિંતા ન કરવી પડે. આપણી અક્કલ વધી એટલે ધીમે ધીમે પરિવાર વધારવાનું કામ શરૂ કર્યું. આપણી ચિંતાને છોડી દઇને પરિવારની ચિતાને કરવાનું કામ આપણે હાથે કરીને ઊભું કર્યું. મળેલી તકને ઝડપી લેવા માટે દોડવા માંડવું છે. દોડી ન શકીએ તો ધીમે ધીમે ચાલવું છે પણ બેસી નથી રહેવું. કેટલી સરસ અનુકૂળતા લઇને આવેલા અને કેટલી સહેલાઇથી અનુકૂળતાને છોડવાનું કામ જાતે કર્યું ! અવિનયનું આચરણ અહીંથી જ શરૂ થયું. આપણો વિષય ગુરુભગવંત પાસે અવિનયપૂર્વક નહીં બેસવું એ છે. આજે અમને ગુરુભગવંત પાસે બેસવું જ નથી. એમના સિવાય બીજા બધા પાસે બેસવું છે : ક્યાંથી ઠેકાણું પડે ?
૧૪o
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૧