________________
ધર્મ કર્યા પછી પણ આપણે મોક્ષમાં પહોંચ્યા નથી - એ નક્કર હકીકત છે. આથી જ આપણે જે ખૂટે છે, જે નડે છે તે ખામી દૂર કરવા માટે વારંવાર આ બધું વિચારવું છે. આપણે જે કરીએ છીએ તે ધર્મ નથી, જે કરવાનું બાકી છે - એ ધર્મ છે. આ ચારિત્રધર્મને સમજવા આપણે આ ઉત્તરાધ્યયનસૂત્રનું વાંચન શરૂ કર્યું છે. તેમાં આપણે જોઇ ગયા કે પૂછ્યા વિના બોલવું નહિ, પૂછ્યા પછી પણ ખોટું ન જ બોલવું. ગમે તેટલો ગુસ્સો આવે તોપણ તેને નિષ્ફળ કરવો. ગુસ્સો આવે છે - આ ફરિયાદ તો લગભગ બધાની છે ને ? આ ગુસ્સાને નિષ્ફળ બનાવીએ તો આવેલો ગુસ્સો પણ નડશે નહિ અને ગુસ્સાને નિષ્ફળ બનાવવાનો ઉપાય એક જ છે કે સહન કરી લેવું. જે સહન ન કરે તે સાધુપણું પાળી જ ન શકે. આથી જ સાધુનું પહેલું વિશેષણ ‘ક્ષમાશ્રમણ’ આપ્યું છે. ક્ષમાશ્રમણ એટલે ક્ષમાપૂર્વક સહન કરનારા. જે ખમાસમણું આપણે ભગવાનને આપીએ છીએ એ જ ખમાસમણું સાધુભગવંતને અપાય છે. બંન્ને ઠેકાણે પાઠ એક જ છે. કારણ કે જે ભગવાનની આજ્ઞા મુજબ જીવનારા હોય તે ભગવાનજેવા જ ગણાય છે. ભગવાનની જ આજ્ઞા છે કે ગુરુની આજ્ઞામાં રહેવું. જેના માથે ગુરુ નથી તેના માથે ભગવાન પણ નથી - એમ સમજી લેવું. સાધુને જે વંદન થાય છે તે ભગવાનની આજ્ઞાના કારણે થાય છે. તમારું વંદન લઇને અમે તમને ભગવાનની વાત ન કરીએ તો અમારા જેવા વિશ્વાસઘાતકી બીજા કોઇ નથી. સાધુનું કામ જ આ છે કે તમને ભગવાનની વાણી સંભળાવવી. દસ પ્રકારના યતિધર્મમાં ક્ષમાધર્મ સૌથી પહેલો છે. આવા ક્ષમાશ્રમણ સાધુને વંદન કરીને તેમની પાસેથી ભગવાનની વાત સાંભળવાની. આજે તો અમારી નિશ્રામાં ઉત્સવ-મહોત્સવ રાખે અને પત્રિકામાં લખે કે અનુકૂળતા મુજબ પ્રવચન રહેશે. અમારી જરૂર તમારા એકે અનુષ્ઠાન માટે નથી. માત્ર વ્યાખ્યાન સંભળાવવા માટે અમારી નિશ્રા છે. તમારી પૂજામાં અમારે હાજરી આપવી એ ફરજિયાત નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૮
સ૦ સાધુભગવંત દેરાસરમાં કેટલી વાર જાય ?
એક જ વાર. વિહારાદિમાં ન હોય તો સ્થાપનાચાર્યજી આગળ ચૈત્યવંદન કરી લે. પણ તમારે તો ત્રણ કાળ દેરાસર જવાનું. જ્યાં દેરાસર ન હોય ત્યાં તમારે જવાય જ નહિ. સ૦ રસ્તામાં ફોટો રાખીને ન જવાય ?
ન જવાય. ઘરના લોકોનો ફોટો લઇને મુસાફરીએ જાઓ કે ઘરના લોકો સાથે જોઇએ ? દેરાસરમાં હાજરી તમારી જરૂરી છે, અમારી નહિ. આ તો માત્ર જમણવારમાં હાજરી આપે, ન તો વ્યાખ્યાનમાં દેખાય, ન તો પૂજામાં દેખાય. દિવસે ધંધો કરે અને રાત્રે ભાવનામાં હાજરી આપે ! અમને પ્રતિક્રમણ પછી ઊંચે સાદે બોલવાની ના પાડી છે. તમે બાર વાગ્યા સુધી ભાવનાઓ ભણાવો તો, આજુબાજુના લોકોની ઊંઘ બગડે ને ? ઉત્સવમાં પ્રતિક્રમણ ફરજિયાત છે કે ભાવના ? રાત્રિમાં સાધુ કે શ્રાવક ઊંચા સાદે બોલે નહિ, તો વગાડવાનું કામ ક્યાંથી કરાય ? સ૦ રાત્રિજગો કરવાનો ને ?
રાત્રિજગો કરવાનો, પણ તે સંગીત સાથે નથી કરવાનો. ત્રિશલામાતાએ ચૌદ સ્વપ્ર બાદ શેષ રાત્રિ જિનેશ્વરભગવંતનાં ચરિત્રોની કથા વાંચવામાં પસાર કરી હતી. તે રીતે તમારે પણ વાંચન કરતા બેસવાનું. દેરાસરમાં જે કાંઇ ભાવના ભાવવી હોય તે દિવસે જ ભાવવાની, રાત્રે નહિ. દેરાસરમાં ભક્તિ કરવા, પૂજા ભણાવવા માટે તમારે જવાનું છે, એમાં અમારી હાજરીની જરૂર જ નથી. સ૦ આપ એકાદ પૂજા બોલો તો અમને આનંદ થાય.
અમારે દેરાસરમાં પૂજા ન બોલાય. તમે સાહેબને કોઇ દિવસ પૂજા બોલતા સાંભળ્યા છે ? દેરાસરમાં સાધુસાધ્વી ઊંચા સાદે બોલે નહિ. રાગનું નિમિત્ત બનતું હોવાથી જાહેરમાં સાધુસાધ્વી ન બોલે. મારા ગુરુમહારાજ પણ કહેતા હતા કે રાજાની રાણીઓ ચોસઠકળાની જાણકાર હોય છતાં નૃત્ય કરે તો પરમાત્મા આગળ કરે અથવા તો પોતાના ધણી આગળ કરે. શ્રી રાવણ-મંદોદરી જ્યારે અષ્ટાપદજી ઉપર નાટક કરતા હતા ત્યારે દેરાસરમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૯