________________
માટે આપણે ધર્મ નથી કરતા - એવું છે જ નહિ. આપણી પાસે શક્તિ હોવા છતાં સહન કરવાની વૃત્તિ નથી માટે આપણે ધર્મ કરતા નથી. એક વાર સહનશક્તિ કેળવવાનો ઇરાદો પ્રગટે તો સહન થાય એવું છે. આ આક્રોશપરીષહ ઉપર બે ગાથામાં બે કથા આપી છે – આના ઉપરથી પણ સમજાય એવું છે કે આ પરીષહ જીતવાનું કામ સહેલું નથી. ગમે તેટલું થાય તો પણ મોટું ખોલવું નથી – આટલું નક્કી કરી લેવું છે – પછી કોઇ તકલીફ જ નથી. સ0 અણધાર્યા દુઃખ આવે તો સહન કેવી રીતે કરવું ?
અણધાર્યા દુ:ખ પણ તમે સહન કરો જ છો ને ? બીજા કોઇ જો ગુસ્સો કરે તો તરત કહે કે “તારા બાપનું નથી ખાતા.” આવાઓ પણ પાછા બાપના સામે થાય. એવાને કહેવું પડે કે – “જે બાપનું ખાવું છે તેની સામે તો ન બોલવાનો નિયમ રાખો !' મા-બાપ ગુસ્સે થાય તો જવાબ આપે અને પત્ની ગુસ્સો કરે તો ચૂપચાપ સાંભળી લો ને ? બંન્ને અણધાર્યું જ બોલે છે છતાં એકનું ખમાય છે અને બીજાનું ખમાતું નથી : એનું કારણ અસહનશીલતા નથી – એ તો સમજાય ને ? સહન કરવાનો અભ્યાસ તો છે જ, દીનતા વિના દરેકનું વેઠી લેવું છે.. સ0 સહન તો કરી લઈએ પણ મનમાં ઘમસાણ ચાલુ હોય.
એ ભલે રહી. એક વાર વચનને કાબૂમાં રાખો તો પછી મનને પહોંચી વળાશે. ઊછળતું હોય તો થોડું જોર આપીને દબાવવું પડે ને ? તેમ અહીં પણ મનમાં ઊછળતું હોય તો મનને દબાવવા માટે થોડું જોર વધારે આપવાનું, સાઇકલ ચલાવતી વખતે ચઢાણ આવે, બમ્પ આવે તો સાઇકલ ઉપરથી ઊભા થઇને પણ પેડલ જોરથી મારે ને ? તેમ મન અકળાતું હોય તો જોરથી દબાવવાનું ? સ0 વારંવાર બમ્પ આવતા હોય તો કેટલું જોર અપાય ?
તો એવા વખતે એવો રસ્તો છોડી દેવો. સીધા રસ્તે ચાલવા માંડવું. ભગવાને આ મોક્ષમાર્ગને ઋજુમાર્ગ કહ્યો છે. કારણ કે આ રસ્તો સરળ છે, જ્યારે સંસારનો માર્ગ તો વક્ર છે. માટે એ માર્ગ છોડી દેવો છે.
સહન કરવા માટે આક્રોશ દબાવવો જ પડશે. અગ્નિ અંદર ગમે તેટલો બળતો હોય, ધખધખતો હોય પણ એ અંગારા ઉપર રાખ ઢાંકી દેવાની. રાખ ઊડી જાય તો વધુ રાખ નાંખવાની.
અહીં જણાવે છે કે પરુષ એટલે કઠોર ભાષા સાધુસાધ્વીને સાંભળવા મળે તો; પાછાં આ વચન કેવાં છે તે માટે જણાવે છે કે ઇન્દ્રિયોને કાંટાની જેમ ખૂંચે, જાણે કાનના કીડા પણ ખરી પડે એવાં દારુણ-નઠોરતાપૂર્વક બોલાયેલાં વચન હોય તોપણ તેવાં વચનો સાંભળીને તૂણીક-મૌનપણે તે વચનોની ઉપેક્ષા કરે, તેને મનમાં પણ ન લાવે. આક્રોશપરીષહ જીતવાનો ઉપાય આ જ છે કે મૌન રહેવું, ઉપેક્ષા કરવી અને મનમાં ધારી ન રાખવું. મારા ગુરુમહારાજ કહેતા હતા કે આપણે ટોપી ન પહેરી હોય અને કોઇ બૂમ પાડે કે – ‘ઓ કાળી ટોપીવાળા ભાઇ ! તમારું પાકીટ પડી ગયું છે.’ તો આપણે ઊભા રહીએ ખરા ? તે રીતે કોઇ ગમે તેટલા ગુસ્સાથી આપણા દોષો બતાવે તોપણ એ દોષ જો આપણામાં ન હોય તો આપણે તેની ઉપેક્ષા કરવી અને દોષ હોય તો કાઢવા માટે પ્રયત્ન કરવો. સ0 ખુલાસો ન કરવો ?
તમારું પાકીટ પડી ગયું હોય તો તમે ખુલાસો કરવા બેસો કે “હું વિચારમાં હતો એટલે ખ્યાલ ન આવ્યો, બાકી તો મને ધ્યાનમાં હતું જ ?” આવો કંઇ ખુલાસો કરો કે તમારો આભાર” કહીને ઉપાડીને ચાલવા માંડો ? તો અહીં શા માટે ખુલાસો કરવો ? કોઇ ગમે તેવો આક્રોશ કરે તોપણ તેનો દોષ છે - એવું મનમાં પણ લાવવું નહિ. ‘તેણે આવું કેમ કર્યું ?, તેને દ્વેષ હશે એટલે જ તે આવી રીતે મારી સાથે વર્તે છે, તેને કોઇકે ભરમાવ્યો હશે...” આવા બધા વિચાર કરવા જ નહિ. સ્વાધ્યાય કરવા બેસી જવું. મોટેથી બોલીને ગોખવું કે જેથી મનમાં આડાઅવળા વિચાર જ આવે નહિ. સ0 આપણા દોષને શોધવા વિચારવું ને ?
આપણા દોષોને તો જોવા જ છે, પણ પહેલાં બીજાના દોષો જોવાનું બંધ કરવું છે - બીજાના દોષો જોતાં અટકે તે પોતાના દોષોનો વિચાર
૨૯૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર