________________
આગમ-કથાઓ
226
થઈ જાય, સ્થિતિની વિકટતા ન રહે ત્યારે તેને પુનઃ ઉત્સર્ગ માર્ગ પર આરૂઢ થઈ જવું જોઈએ. આવી સ્થિતિમાં ક્ષણનો વિલંબ પણ સંયમ ઘાતક બને છે.
એક વાત આ પણ છે કે જેટલી જરૂરત હોય તેટલું જ અપવાદનું સેવન કરવું જોઈએ. એવું ન થઈ જાય કે જ્યારે આ કરી લીધું તો હવે એમાં શું છે? આ પણ કરી લ્યો. જીવનને નિરંતર એક અપવાદથી બીજા અપવાદ પર શિથિલ ભાવથી ઘસડતું લઈ જવું, અપવાદ નથી. જે લોકોને મર્યાદાનું ભાન નથી, અપવાદની માત્રા અને સીમાનું પરિજ્ઞાન નથી, તેઓનું અપવાદ દ્વારા ઉત્થાન નથી પરંતુ શતમુખ પતન થાય છે. એક બહુ સુંદર પૌરાણિક દષ્ટાંત છે; તેના પરથી સહજ સમજી શકાય છે કે ઉત્સર્ગ અને અપવાદની પોતાની શું સીમાઓ હોય છે અને તેનું સૂક્ષ્મ વિશ્લેષણ કઈ ઈમાનદારીથી કરવું જોઈએ. દષ્ટાંત - એક વિદ્વાન ઋષિ કયાંકથી જઈ રહ્યા હતા. ભૂખ અને તરસથી ખૂબજ વ્યાકુળ હતા. બાર વર્ષનો ભયંકર દુષ્કાળ હતો. રાજાના કેટલાક દરબારીઓ એક જગ્યાએ સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. ઋષિએ ભોજનની માગણી કરી. જવાબ મળ્યો “એ ભોજન તો એઠું છે'. ઋષિ બોલ્યા-એઠું છે તો શું છે? પેટ તો ભરવાનું છે. વિપત્તિકાળે મર્યાદા રહેતી નથી'. ભોજન લીધું ખાધું અને ચાલવા લાગ્યા તો તે લોકોએ પાણી લેવાનું કહ્યું ત્યારે ત્રઋષિએ ઉત્તર આપ્યો, “પાણી એઠું છે, હું તે પી શકું નહીં.” તે લોકોએ કહ્યું- હવે લાગે છે કે “અન પેટમાં જતાં જ બુદ્ધિ પાછી આવી ગઈ. ઋષિએ શાંતિથી કહ્યું, “ભાઈઓ તમારું વિચારવું ઠીક છે, પરંતુ મારી એક મર્યાદા છે. ભોજન બીજેથી મળતુ ન હતું અને હું ભૂખથી એટલો વ્યાકુળ હતો કે પ્રાણ કંઠે આવી ગયા હતા અને વધુ સહન કરવાની ક્ષમતા સમાપ્ત થઈ ગઈ હતી તેથી મેં એઠું અનાજ અપવાદની સ્થિતિમાં સ્વીકાર કરી લીધું. હવે પાણી તો મારી મર્યાદા અનુસાર અન્યત્ર શુદ્ધ મળી શકે છે. તેથી નકામું એઠું પાણી શા માટે પીઉં?” સંક્ષેપમાં સાર એ જ છે કે જયાં સુધી બની શકે ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવું જોઈએ, જ્યારે એ રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જાય, બીજો કોઈ રસ્તો બચવા માટે ન રહે ત્યારે મોક્ષનો હેતુ સલામત રાખીને અપવાદ માર્ગ પકડવો જોઈએ અને જ્યારે સ્થિતિ સુધરી જાય ત્યારે તરત જ ઉત્સર્ગ માર્ગ પર પાછું આવી જવું જોઈએ.
ઉત્સર્ગ માર્ગ સામાન્ય માર્ગ છે. અહીં કોણ ચાલે? કોણ ન ચાલે? એ પ્રશ્નને માટે કોઈ સ્થાન નથી. જ્યાં સુધી શક્તિ રહે, ઉત્સાહ રહે, આપત્તિ કાલમાં પણ કોઈ પ્રકારનો ગ્લાનિ ભાવ ન આવે, ધર્મ અને સંઘ પર કોઈ પ્રકારનો ઉપદ્રવ ન થાય અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્ષતિનો કોઈ વિશેષ પ્રસંગે ઉપસ્થિત ન થાય ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવાનું છે, અપવાદ માર્ગ પર નહીં.
અપવાદ માર્ગ પર કયારેક, કોઈ, કદાચિત ચાલી શકે છે, તેના પર હર કોઈ સાધક હર કોઈ સમય ચાલી શકતા નથી. જે સંયમશીલ સાધક આચારાંગ સૂત્ર આદિ આચાર સંહિતાનું પૂર્ણ અધ્યયન કરી ચૂકયા છે, ગીતાર્થ છે, નિશીથ સૂત્ર આદિ છેદ સૂત્રોના સૂક્ષ્મતમ મર્મના પણ જ્ઞાતા છે, ઉત્સર્ગ અપવાદ પદોના પાઠક જ નહીં પરંતુ સ્પષ્ટ અનુભવી છે, તે જ અપવાદના સ્વીકાર કે પરિહારના સંબંધમાં યોગ્ય નિર્ણય આપી શકે છે. તેથી અપવાદિક વિધાન કરનારા સૂત્રોમાં સૂચિત કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આ ઉત્સર્ગ અપવાદના સ્વરૂપ દર્શક વર્ણનના ભાવોને સદા લક્ષ્યમાં રાખવું જોઈએ.
પરિશિષ્ટ પ્રાયશ્ચિત્તના અંગોની વિચારણા કોઈ આલોચક નિષ્કપટ યથાર્થ આલોચના કરનારા હોય છે અને કોઈ કપટયુક્ત આલોચના કરનારા પણ હોય છે. તેથી એવા આલોચકોને આપવામાં આવતા પ્રાયશ્ચિત્તની વિધિ અહીંયા કહી છે. પ્રાયશ્ચિત – ચારિત્રના મૂળ ગુણોમાં કે ઉત્તર ગુણોમાં કરાયેલી પ્રતિસેવનાઓનું અર્થાત્ દોષ સેવનનું પ્રાયશ્ચિત કરાય છે. નિશીથ સૂત્રમાં તપ પ્રાયશ્ચિતના ચાર મુખ્ય વિભાગ કહ્યા છે અને ભાષ્યમાં તેની વિસ્તારથી વ્યાખ્યા કરતાં પાંચ દિવસના તપથી લઈને છ માસ સુધીના તપ તથા છેદ, મૂલ,અનવસ્થાપ્ય અને પારાંચિક પ્રાયશ્ચિત સુધીનું કથન કર્યું છે.
પ્રતિસેવનાના ભાવો અનુસાર એક જ દોષ સ્થાનના પ્રાયશ્ચિત્તોની વૃદ્ધિ કે હાનિ કરી શકાય છે.
ભગવતી શ. ૨૫, ઉ. ૭ અને ઠાણાંગ અ-૧૦માં પ્રતિસેવના દસ પ્રકારની કહી છે. જેમ કે– (૧) અભિમાનથી(દર્પથી, આસક્તિ અને ધૃષ્ટતાથી) (૨) આળસથી (૩) અસાવધાનીથી (૪) ભૂખ-તરસ આદિની આતુરતાથી (૫) સંકટ આવવાથી (૬) ક્ષેત્ર આદિની સંકીર્ણતાથી (૭) ભૂલથી (૮) ભયથી (૯) રોષ કે દ્વેષથી (૧૦) શિષ્યાદિની પરીક્ષા માટે. પ્રત્યેક દોષ સેવનની પાછળ એમાંથી કોઈ પણ એક યા અનેક કારણ હોય છે. આ કારણોમાંથી કોઈ કારણે લાગેલા દોષની માત્ર આલોચનાથી જ શુદ્ધિ થઈ શકે છે, તો કોઈની આલોચના અને પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે અને કોઈની તપ, છેદઆદિથી શુદ્ધિ થાય છે
દોષ સેવ્યા પછી આત્મ શુદ્ધિના ઈચ્છુક આલોચના કરી પ્રાયશ્ચિત ગ્રહણ કરે છે, જેવી રીતે વસ્ત્રમાં લાગેલ મેલની શુદ્ધિ વસ્ત્ર ધોવાથી થાય છે તેવી રીતે આત્માના સંયમ આદિમાં લાગેલા દોષોની શુદ્ધિ પ્રાયશ્ચિત્તથી થઈ જાય છે. ઉત્તરા અ-૨૬માં કહ્યું છે કે પ્રાયશ્ચિત કરવાથી દોષોની વિશુદ્ધિ થઈ જાય છે. ચારિત્ર નિરતિચાર થઈ જાય છે, તથા સમ્યક્ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરનારા મોક્ષ માર્ગ અને આચારના આરાધક થાય છે.
પરિશિષ્ટઃ દસ પ્રકારનું પ્રાયશ્ચિત્ત ૧. આલોચનાને યોગ્ય - ક્ષેત્રાદિના કારણે અપવાદિક વ્યવહાર શિષ્ટાચાર પ્રવૃત્તિ આદિની માત્ર આલોચનાથી શુદ્ધિ થાય છે. ૨. પ્રતિક્રમણને યોગ્ય - અસાવધાનીથી થનારી અયતનાની શુદ્ધિ માત્ર પ્રતિક્રમણથી અર્થાત્ મિચ્છામિ દુક્કડં થી થાય છે. ૩. તદુભય યોગ્ય:- સમિતિ આદિના અત્યંત અલ્પ દોષોની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થઈ જાય છે. ૪. વિવેક યોગ્ય:– ભૂલથી ગ્રહણ કરેલા દોષયુક્ત કે અકલ્પનીય આહારાદિને ગ્રહણ કરવાથી અથવા ક્ષેત્ર કાલ સંબંધી આહારની મર્યાદાનું ઉલ્લંઘન થવા પર તેને પરઠી દેવું, તે વિવેક પ્રાયશ્ચિત્ત છે.