________________
જીવ-અજીવ અધિકાર
કોઈ મૂઢ અજ્ઞાનીઓ અધ્યવસાનને જીવ કહે છે, કોઈ વળી નોકર્મને જીવ કહે છે, તો કોઈ કર્મને જીવ કહે છે.
જીવ, અજીવ બને અનાદિથી એક ક્ષેત્રાવગાહ સંયોગરૂપ મળી રહ્યા છે. અને અનાદિથી જ જીવની પુગલના સંયોગથી અનેક વિકાર સહિત અવસ્થાઓ થઈ રહી છે. પરમાર્થ દ્રષ્ટિએ જોતાં જીવ પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પગલા પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી; પરંતુ જે પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે. પરંતુ ચૈતન્ય સ્વભાવરૂપ જીવ, સર્વ પરભાવોથી જુદો ભેદજ્ઞાનીઓને અનુભવગોચર છે.
જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય, જો પરવસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજુદ છે. જો ચેતીને દેખે તો પાસે જ છે.
એક અંતમૂહુર્ત માત્રમાં જ આત્માની પ્રાપ્તિ થઈ શકે છે, છતાં બહુ કઠિન લાગતુ હોય તો છ મહિનાથી અધિક તો ન જ લાગે.
કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે. અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે, તેથી દુઃખરૂપ ભાવમાં ચેતનતાનો ભ્રમ ઊપજે છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે તેથી જડ જ છે.
જીવ રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત અર્થાત્ ઈન્દ્રિયોને ગોચર નથી એવો, ચેતના જેનો ગુણ છે એવો, શબ્દરહિત અને આકાર રહિત છે. - જીવને વર્ણ નથી, ગંધ પણ નથી, રસ નથી, સ્પર્શ નથી, રૂપ નથી, શરીર નથી, સંસ્થાન નથી, સંવનન નથી, રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, પ્રત્યય નથી, કર્મ નથી, નોકર્મ નથી. જીવને વર્ગ નથી, વર્ગણા નથી, સ્પર્ધકો નથી, અધ્યાત્મસ્થાનો
સમયસાર નો સાર