________________
થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા એ બન્ને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ જ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે.
પ્રશ્ન - અવિરત સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તો સમ્યક્ત્વ કેવી રીતે હોઈ શકે?
ઉત્તર - મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ હોય તેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિઅપ્રીતિ થાય છે, તેને સ્વ-પરનું જ્ઞાનશ્રદ્ધાન નથી - ભેદજ્ઞાન નથી એમ સમજવું. જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તો પણ જ્યાં સુધી પરજીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રર્વતવું ઈત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પરજીવોનો ઘાત થવો, અયત્નાચાર રૂપે પ્રવર્તવું ઈત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી સ્વ-પરનું જ્ઞાન નથી થયું જાણવું, કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ-શુદ્ધ ભાવોથી જ થતા હતા. શુભાશુભ ભાવો બંધના કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર હતું. આ રીતે જ્યાં સુધી જીવ પરદ્રવ્યથી જ ભલુબુરૂ માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી. સમ્યગ્દષ્ટિ જીવને જ્યાં સુધી ચારિત્રમોહ સંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી રાગાદિકની પ્રેરણાથી પરદ્રવ્ય સંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે. તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે આ કર્મનું જોર છે. તેનાથી નિવૃત્ત થયે જ મારૂં ભલુ છે. તે તેમને રોગવત્ જાણે છે. આ રીતે સમ્યગ્દષ્ટિને રાગ નથી.
જે જીવને પરમાણુમાત્ર - લેશમાત્ર પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ આત્માને જાણતો નથી, અને આત્માને નહિં જાણતો થકો અનાત્માને પણ નથી જાણતો. જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ કેમ હોઈ શકે ? જે જીવો અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી,
સમયસાર નો સાર
-
33