________________
આગમસાર– ઉતરાર્ધ
20
આ ગુણસ્થાનની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે. એક સમયની સ્થિતિ હોતી નથી. આ ગુણસ્થાને કોઈ જીવ મરતો નથી. અહીં માત્ર વર્ધમાન પરિણામ જ હોય છે. હાયમાન અને અવસ્થિત પરિણામ હોતાં નથી.
તેરમું સયોગી કેવળી ગુણસ્થાન :– બારમા ગુણસ્થાનના અંતિમ સમયે ત્રણ કર્મ ક્ષય થવાથી કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટ થાય છે. ત્યારે જીવને આ તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળા સર્વજ્ઞ સર્વદર્શી કહેવાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વની હોય છે. તેમાં અપેક્ષિત મન, વચન, કાયાના યોગ પ્રવર્તે છે, તેથી તેને સયોગી કેવળી ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનમાં સામાન્ય કેવળી અને તીર્થંકર કેવળી બંને હોય છે. વધારે આયુષ્યવાળા કેવળજ્ઞાન પર્યાયમાં વિચરણ કરે છે. મુહૂર્ત માત્ર આયુષ્ય બાકી રહે ત્યારે કેવળીનું આયોજીકરણ થાય છે, જેમાં મુક્ત થવા પહેલાંની પ્રક્રિયાઓ શરૂ થાય છે, જેમ કે જવાબદારીના કર્તવ્ય પુરાં કરવાં, બીજાની જવાબદારીના કાર્ય તેમને સોંપવા, જરૂર હોય તો કેવળી સમુદ્દાત કરવો, પાટ આદિ યથાસ્થાને પહોંચાડવા, પછી યોગ નિરોધ કરવો, જેમાં ક્રમશઃ મન, વચન, કાયાના યોગોનો નિરોધ કરવો, શૈલેષી અવસ્થા પ્રાપ્ત કરવી; એ બધી અવસ્થાઓ આ ગુણસ્થાનમાં હોય છે. શૈલેષી અવસ્થા અને યોગ નિરોધ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે જીવના ૧૩ માં ગુણસ્થાનનો સમય પૂરો થઈ જાય છે. આ ગુણસ્થાનમાં પ્રાયઃ અવસ્થિત પરિણામ જ રહે છે પરંતુ અંતિમ સમયના અંતર્મુહૂર્તમાં પરિણામ વર્ધમાન હોય છે, જેમાં યોગ નિરોધ થાય છે.
=
ચૌદમં અયોગી કેવલી ગણસ્થાન – તેરમા ગુણસ્થાનના અંતિમ અંતર્મુહૂર્ત સમયની પ્રક્રિયાઓમાં યોગનિરોધ ક્રિયા અને શૈલેષી અવસ્થા પૂર્ણ થતાં જીવ ૧૪ મા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનમાં શરૂઆતથી જ શરીરના ૨/૩ ભાગમાં આત્મપ્રદેશ અવસ્થિત થઈ જાય છે. શરીરમાં તેનું કંપન પણ બંધ થઈ જાય છે. શ્વાસોશ્વાસ ક્રિયા પણ બંધ થઈ જાય છે.
આ ગુણસ્થાને માત્ર વર્ધમાન પરિણામ હોય છે. પાંચ લઘુ અક્ષર ઉચ્ચારણ જેટલા સમયની તેની સ્થિતિ છે (અ, ઈ, ઉ, ૠ, ભૃ એ પાંચ લઘુ અક્ષર છે). સ્થિતિ પૂર્ણ થતાં અંતિમ સમયે અઘાતિકર્મોનો ક્ષય કરી જીવ સંપૂર્ણ કર્મરહિત, નિરંજન, નિરાકાર, પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
મુક્ત થતાં જીવ,ચાર કર્મની નિર્જરા કરતાં, ત્રણ શરીરોને છોડતાં ઋજુ શ્રેણીએ, અસ્પર્શદ્ ગતિએ સાકારોપયોગમાં વર્તતાં સિદ્ધ થાય છે. ત્યારે જીવ ૧૪ મા ગુણસ્થાનને પણ છોડી આત્મસ્વરૂપી સિદ્ધ અવસ્થામાં સદાને માટે સાદિ અનંત સ્થિતિમાં લોકાગ્રે અવસ્થિત થાય છે. તે સિદ્ધોના આત્મપ્રદેશ અંતિમ શરીરના ૨/૩ ભાગની અવગાહનાએ શરીર સંસ્થાનના ઘનરૂપે અવસ્થિત રહે છે. વિશેષ જ્ઞાતવ્ય : આ ૧૪ ગુણસ્થાનોનું સામાન્ય સ્વરૂપ પૂર્ણ થયું. પાંચમા આરાના આ વર્તમાન સમયે ૧૪ ગુણસ્થાનોમાંથી ૭ ગુણસ્થાનો જીવોમાં થઈ શકે છે. ૮માથી ઉપરનાં બધાં ગુણસ્થાનો અત્યારના જન્મેલા મનુષ્યોમાં હોતા નથી એવો કાલ સ્વભાવ છે. અગિયારમા ગુણસ્થાને ચડેલા જીવોનો વધારે સંસાર બાકી હોય તો ચારે ગતિમાં અનંતાનંત ભવ કરી શકે છે. આરાધક થવાવાળા જીવો ઉત્કૃષ્ટ પંદર ભવથી વધારે કરતા નથી, અને જઘન્ય ત્રીજા ભવે પણ મોક્ષે જાય છે. આ ગુણસ્થાનવાળા કોઈ તરત જ પહેલા ગુણસ્થાનમાં જાય છે. કોઈક વચમાં જ રોકાઈ જાય છે. આ ગુણસ્થાને કાળ કરવાવાળા નિયમથી અણુત્તર વિમાનમાં જ જાય છે અને ત્યાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનમાં કાળ કરનારા જીવો નિયમા આરાધક હોય છે માટે નરક તિર્યંચમાં ક્યારે ય જતા નથી. તેમજ પાંચમાથી દસમા સુધીના ગુણસ્થાનમાં કાળ કરવાવાળા જીવો પણ નિયમા આરાધક હોય છે તે જીવો પણ નરક તિર્યંચમાં ક્યારે ય જતા નથી અને ઉત્કૃષ્ટ પંદર ભવથી વધારે સંસારમાં રહેતા પણ નથી.
ચોથા ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ કરવાવાળા જીવો માટે પણ એ જ ઉપર કહેલ નિયમ છે. પરંતુ ચોથા ગુણસ્થાનમાં કાળ કરનાર માટે એવો નિયમ લાગતો નથી. જો આ ગુણસ્થાનમાં મરનાર ક્ષાયિક સમકિતવાળા હોય તો ત્રીજા કે ચોથા ભવે નિયમથી મોક્ષે જાય છે.
ચોથા ગુણસ્થાનના ઉપશમ સમકિતવાળા જીવો માટે બે મત છે. (૧) તે નિયમથી પહેલા ગુણસ્થાનમાં જાય છે. (૨) ઉપશમ સમકિતથી ક્ષયોપશમ સમકિતમાં ચાલ્યા જાય છે. આ બંને માન્યતાઓ અપેક્ષાથી ચાલે છે. આગમથી ચિંતન કરતાં ઉપશમ સમકિતની બંને અવસ્થાઓ સ્વીકાર કરવા યોગ્ય છે અર્થાત્ ઉપશમ સમકિતવાળા જીવ મિથ્યાત્વમાં પણ જાય અને ક્ષયોપશમ સકિતમાં પણ જઈ શકે છે. ગુણસ્થાનો પર બંધ ઉદય ઉદીરણા સત્તા અને બંધ[કમૅ ગ્રંથ ૧–૨ અને ૩] માટે જુઓ પાના નં ૬૭ થી ૭૭.
॥ ગુણસ્થાન સ્વરૂપ પૂર્ણ ૫
સંયમના સ્થાન અને ચારિત્રના પર્યવ
સંયમનું સ્થાન એટલે સમતાભાવ. સંયમના સ્થાન અસંખ્ય હોય છે. ચારિત્રના પર્યવ અનંત હોય છે. એક સંયમનું સ્થાન વધતાં અનંતા ચારિત્રના પર્યવ વધે છે. ચારિત્રના પર્યવ એટલે આત્માના જ્ઞાનદર્શનની શુધ્ધિ. આ આત્માના ગુણોમાં થયેલી વૃધ્ધિ પરભવમાં પણ સાથે ચાલે છે અને આત્માનું અનંત ભાવી સુધારી નાખે છે.
નંદી સત્ર
પ્રસ્તાવના :–નંદીસૂત્ર અંગબાહ્ય અને ઉત્કાલિક સૂત્ર છે. વર્તમાનમાં અંગબાહ્યના વિવિધ વિભાગ પ્રચલિત છે. યથા– ઉપાંગ, છેદ, મૂળસૂત્ર ઇત્યાદિ. જેમાં નંદી સૂત્ર ચાર મૂળ સૂત્રોમાં ગણાય છે.
આ સૂત્રમાં મુખ્યતઃ પાંચ જ્ઞાનનું તાત્ત્વિક અને વિસ્તૃત વર્ણન છે. જ્ઞાન મોક્ષમાર્ગનું મુખ્ય અંગ છે. તેથી જ્ઞાનના વર્ણનયુક્ત આ સૂત્રને મૂળ સૂત્રોમાં માનવામાં આવેલ છે. જ્ઞાન આત્માને વાસ્તવિક આનંદ આપે છે. તેથી આ સૂત્રનું ‘નંદી’ એટલે આનંદ આપનારું એ સાર્થક નામ છે.