________________
સમાધિમરણની આરાઘના માટે ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ કરેલ દીપાવલી પર્વની યોજના
(આજ સવારે સ્તવન બોલાઈ રહ્યા પછી)
શ્રીમદ્ રા.આ. અગાસ, આસો વદ ૧૩, ૨૦૦૮ દિવાળી મહોત્સવનો પ્રારંભ. સમાધિમરણ પર્વ
આ ચાર દિવસો સમાધિમરણ માટેના છે
“પૂજ્યશ્રી– આજથી આ ચાર દિવસો સમાધિમરણના છે. આ દિવસોમાં જેને તપ કરવું હોય, સ્વાધ્યાય કરવો હોય, વિનય આરાધવો હોય, ક્રોધ ઓછો કરવો હોય, માન ઓછું કરવું હોય, માયા ઓછી કરવી હોય, લોભ ઓછો કરવો હોય, અંતરંગ તપ–(વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ), બાહ્ય તપ–(અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા) કરવું હોય તો આ દિવસોમાં કરવા જેવું છે. બીજા ઘણા દિવસો છે, પણ આ ચાર દિવસો (આસો વદ ૧૩, ૧૪,૦)), કાર્તિક સુદ ૧) સમાધિમરણ માટે જ છે. એ દિવસોમાં જાણે માથે મરણ છે એમ જાણીને આરાધના કરવી. લોકો જેમ દિવાળી આવે ત્યારે ઘર વગેરે સાફ કરે છે, દિવા કરે છે; તેવી રીતે આપણે અંતરથી કચરો કાઢી, આત્માને નિર્મળ કરી, અંતરંગ દીવો પ્રગટાવવાનો છે.’’ (બો.૧ પૃ.૪૨૬)
ભગવાને આ દિવસોમાં સમાધિમરણ કર્યું માટે આપણે પણ કરવું
શ્રીપાળ રાજાનો રાસ વંચાતો હતો. તે વખતે પ્રભુશ્રીજીને સહેજે સ્ફુરી આવ્યું કે કોઈ પૂછે કે સમાધિમરણ શાથી થાય? પછી આ ચાર દિવસોમાં છત્રીશ, છત્રીશ માળાની યોજના કરી. ભગવાને આ દિવસોમાં સમાધિમરણ કર્યું છે, માટે આપણે પણ સમાધિમરણ કરવાનું છે.”
(બો.૧ પૃ.૪૨૬) ખરું સમાધિમરણ તો આત્મજ્ઞાની પુરુષો કરી શકે, પણ આત્મજ્ઞાની પુરુષોના આશ્રિત પણ તેનું શરણ લઈ શ્રદ્ધારૂપ સમકિત એટલે વ્યવહાર સમકિતના બળે અથવા પરોક્ષ શ્રદ્ધાના બળે કારણરૂપ સમાધિમરણ તો રાજા વણાગ નટવરના સારથિની જેમ સાધી શકે છે ઃ—
આશ્રય હોય તો જીવનું કલ્યાણ શીઘ્ર થાય “પૂજ્યશ્રી—સત્પુરુષનો આશ્રય હોય તો જીવનું કલ્યાણ થોડા કાળમાં થઈ જાય. પછી એક બે ભવ કરવા પડે. અનંતકાળથી રખડતો આવ્યો છે, ત્યાં એક બે ભવની શી ગણતરી! પ્રભુશ્રીજી એક વાત કહેતા.’’