________________
સમાધિમરણ
એક સાધુ મરતી વખતે લક્ષ ચૂકી જવાથી બોરમાં ઈયળ રૂપે જન્મ્યા એક સાધુનું દૃષ્ટાંત- “એક સાધુ ઘણું પવિત્ર જીવન ગાળતા હતા. તેમને વચનલબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેથી તે બોલે તે ખરું પડતું હતું. આખર વખતે તેમણે શિષ્યોને કહ્યું મારું મરણ થશે ત્યારે વાજાં વાગશે અને મારી સદગતિ થશે.
મરણ-પથારી સામે એક બોરડી હતી તેના ઉપર પાકેલા મોટા બોર ઉપર તેમની દ્રષ્ટિ પડી. તે બોર બહુ સુંદર છે એવા વિચારમાં જ હતા અને આયુષ્ય પૂરું થયું. તેથી તે બોરમાં ઈયળ થવું પડ્યું. મરણ થયું પણ વાજાં ન વાગ્યા એટલે શિષ્યોને શંકા પડી કે ગુરુની શી ગતિ થઈ હશે.
કોઈ જ્ઞાની પુરુષ તે અરસામાં ત્યાં આવી ચઢ્યા. શિષ્યોએ પોતાના ગુરુનાં વખાણ કરી તે મહાત્માને કહ્યું કે અમારા ગુરુનું કહેલું બધું ખરું પડતું પણ આખરની વાત ખરી પડી નહીં.
તે મહાત્માએ પૂછ્યું કે તેમને આખર વખતે ક્યાં સુવાડ્યા હતા? શિષ્યોએ તે જગા બતાવી. એટલે મહાત્મા ત્યાં સુઈ ગયા, અને બોરડી તરફ નજર જતાં પેલું પાકું બોર તેમણે દીઠું. તેથી તે બોર નીચે પાડ્યું અને ભાંગીને જોયું તો તેમાંથી મોટી ઈયળ નીકળી. તે તરફડીને મરી ગઈ. તે વખતે વાજાં વાગ્યાં અને તેમની સદ્ગતિ થઈ.” (ઉ.પૃ.૪૧૪)
એક ભવમાં સમાધિમરણ થાય તો બઘા ભવમાં સમાધિમરણ થાય “અનંતકાળમાં સમાધિમરણ કર્યું નથી. એ કરવાથી ઘણો લાભ છે. જીવને એક વખત સમાધિમરણ થાય તો બાકીના બધાય ભવમાં પણ સમાધિમરણ થાય. રત્નત્રયની પૂર્ણ પ્રાપ્તિ વીતરાગમાં છે. તેથી જેને સમાધિમરણ કરવું હોય તેણે તેમાં વૃત્તિ રાખવી. છૂટી જાય દેહ, તેથી તારું ન બગડે, કેદખાનું છે. આત્માનું કંઈ ન બગડે. કેવળજ્ઞાનસ્વરૂપ તું છે.” (બો.૧ પૃ.૧૯૭)
વીતરાગભાવ એટલે વૈરાગ્યભાવ અથવા રાગદ્વેષરહિત ભાવ. રાગદ્વેષ ઘટાડવામાં વૃત્તિ રાખવી. આ વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે –
આ દેહે કરવાયોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે; સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૭૮૦)