________________
પ્રથમવૃત્તિનું નિવેદન આ ગ્રંથનું નામ “સમાધિમરણ છે. એના વિષે પરમકૃપાળુદેવ વચનામૃતમાં જણાવે છે –
“તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૨૫) જીવનપર્યતની આરાધના માત્ર સમાધિમરણ પ્રાપ્ત કરવા માટે છે. જો અંત સમયે સમાધિપૂર્વક એટલે આત્માની સ્વસ્થતાપૂર્વક દેહત્યાગ ન થયો તો જીવનમાં કરેલી સર્વ આરાધના લેખે લાગી ન ગણાય. તો આખા જીવનના સારરુપ એવું સમાધિમરણ કેમ પ્રાપ્ત થાય? તેના શા ઉપાય છે? તેના વિષે પરમકૃપાળુદેવે, ૫.પૂ.પ્રભુશ્રીજીએ કે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ જ્યાં જ્યાં બોધમાં જણાવેલ છે. તે સર્વનો આ ગ્રંથમાં સંગ્રહ કર્યો છે. તેમજ બીજા અનેક શાસ્ત્રોમાંથી પણ આ વિષયના ઉદ્ધરણો લીધા છે. જેથી સર્વ મુમુક્ષુ વર્ગ સુલભતાથી તેના ઉપાય જાણી શકે.
આ ગ્રંથ માત્ર મહાપુરુષોના ઉપદેશનું સંકલન છે. દરેક પેરેગ્રાફના ટૂંકા ભાગનો આશય કંઈક લક્ષમાં આવે તેના માટે લગભગ દરેક પેરેગ્રાફ ઉપર શીર્ષક આપવામાં આવ્યા છે. તથા અનેક દ્રષ્ટાંતો તેના ચિત્રો સાથે આપેલ છે, જેથી તે વિષય સમજવામાં વિશેષ સુગમતા રહે અને રુચિ ઉત્પન્ન થાય. સમાધિમરણ કરવા શું કરવું તે વિષે ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી જણાવે છે :
“બે દહાડાના મે'માન જેવું છે. તેમાં શું ચિત્ત દેવું? અમૂલ્ય વસ્તુ તો આત્મા છે તે જ્ઞાનીએ જામ્યો છે. એ નિઃશંક વાત છે. અને તેવો જ આપણો આત્મા છે. અત્યારે તેનું ભાન નથી, તો પણ તે માન્ય કરવું અત્યારે બની શકે તેમ છે. આટલી પકડ મરણ-વેદના વખતે પણ રહે તેવો અભ્યાસ થઈ જાય તો સમાધિમરણ આવે, જન્મ-મરણના દુઃખ ટળે અને કામ થઈ જાય. કરોડો રૂપિયા કમાવા કરતાં વધારે કિંમતી આ કામ કરવા યોગ્ય છે.” -ઉપદેશામૃત (પૃ.૧૩૧)
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આ વિષે જણાવે છે :- “જેમ કોઈ ભણીને બાર મહિને પરીક્ષા આપે છે તેમાં પાસ થાય તો તેનું ભણેલું સફળ છે, તેમ આખી જિંદગી સુધી સત્સંગાદિ સાધનો કરી, સમાધિમરણ કરવાની જરૂર છે; અને તેના માટે જ આ બધા સાધનો છે.” -બો.૧ (પૃ.),
“અનેક ભવમાં કુમરણ કરતો આવેલો આ જીવ પરમકૃપાળુદેવને શરણે આટલો ભવ જો સમાધિમરણ કરે તો પછીના કોઈ ભવમાં કુમરણ ન થાય. એવો અલભ્ય લાભ આ ભવમાં પ્રાપ્ત કરી લેવો છે એવી જેની દ્રઢ માન્યતા થાય તેને તેમ થવા યોગ્ય છેજી.” -બો.૩ (પૃ.૫૬૦)
આ ગ્રંથમાં સંક્ષેપમાં આપેલ પુસ્તકના નામોના નીચે પ્રમાણે અર્થ સમજવા. વ.=વચનામૃત, પ્ર.=પૃષ્ઠ, ઉ.=ઉપદેશામૃત, બો.=બોધામૃત, ૧,૨,૩=ભાગ-૧-૨-૩
આ ગ્રંથમાં મહાપુરુષોના ઉપદેશ વચનોને વારંવાર વાંચી, વિચારી મુમુક્ષુઓ, આ જીવનના સારરૂપ સમાધિમરણને સાધે એવી સંભાવના સહ વિરમું છું.
–આત્માર્થી પારસભાઈ જૈન, અગાસ આશ્રમ