________________
સમાધિમરણ આરાધના માટે દીપાવલી પર્વ
પાપસ્થાનક મિથ્યાદર્શન શલ્ય છે. બીજા બધા પાપ આ મિથ્યાત્વના કારણે થાય છે. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. એ માન્યતા જ ભોગ, ધનાદિમાં સુખબુદ્ધિ કરાવે છે. કષાયભાવ પણ મિથ્યાત્વને લઈને જ થાય છે. ધન પ્રાપ્તિની ઇચ્છા એ લોભ કષાય છે. લક્ષ્મીદેવીની ધન પ્રાપ્તિની ઇચ્છાએ પૂજા કરવી એ લોભ કષાયમાં વૃદ્ધિ કરનાર છે. લોભ કષાય એ પાપ છે. તેથી પુણ્ય ધોવાય છે. જ્યારે કષાય મંદ કરવાથી પુણ્ય વધે છે; અને તેથી ધન પ્રાપ્તિ થાય છે. પુરુષાર્થ કરવો એ ગૃહસ્થની ફરજ છે પણ જે મળે તેમાં સંતોષ રાખવાથી આ ભવ, પરભવ બન્નેમાં તે સુખી થાય છે. લક્ષ્મી તો પુણ્યની દાસી છે એ ઉપર એક દ્રષ્ટાંત છે
એક દરિદ્ર બ્રાહ્મણનું દૃષ્ટાંત–એક ગરીબ બ્રાહ્મણ હતો. તેણે સાંભળ્યું કે લક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય. તેથી ૧૨ વર્ષ સુધી લક્ષ્મીની પૂજા કરી; પણ ભિખારીનો ભિખારી જ રહ્યો. ભીખ માગવાનું કહ્યું નહીં. એક દિવસે તે બ્રાહ્મણ બીજે ગામે ગયો. ત્યાં એક પ્રસિદ્ધ શેઠને ત્યાં ભીખ માગવા ગયો. ત્યાં સવારમાં શેઠ દાતણ કરતા હતા અને ઘૂંકદાનીમાં ઘૂંકતા હતા. તે ઘૂંકદાની સોનાની હતી અને હીરા જડેલી હતી. તે જોઈ બ્રાહ્મણ ખિજાઈને બોલ્યો કે હે લક્ષ્મી ! મેં બાર વર્ષ સુધી તારી પુજા કરી તો પણ તું મારી પાસે તો ન આવી અને અહીં રાંડ ઘૂંકાવવા આવી. આવા વચન તેના મોઢે કેમ નીકળ્યા? તો કે તીવ્ર લોભ કષાયથી. લોભ એ કષાય છે અને કષાય એ પાપ છે, અને પાપથી ધનની હાનિ થાય છે.