________________
ઘર્મમૂર્તિ
શ્રીમદ્ રાજચંદ્ર “જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીરી ભાવે દુષમ આ કળિકાળમાંજો લો; રહે ન જેને દેહથારી ફૅપ ભાન જો,
અવિષમ ઉપયોગી એ ગુરુ રહો ખ્યાલમાંજે લો.” આ કાળમાં સર્વ દર્શનનું સ્વરૂપ તલસ્પર્શીપણે વિચારી સત્ય ઘર્મ જેણે પ્રગટ કર્યો, યથાર્થ આત્મભાવે જીવ્યા એવા પ્રાતઃસ્મરણીય ઘર્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રનું ટૂંકું જીવન અત્રે આપીએ છીએ.
જન્મા શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સંવત ૧૯૨૪ની દેવદિવાળીને દિવસે કાર્તિક સુદ ૧૫, રવિવારે કાઠિયાવાડના વવાણિયા ગામમાં થયો હતો. કોઈ સંતે તેમના પિતાને આગળથી જણાવેલું કે જગત વિખ્યાત પુત્રનો જન્મ તમારે ત્યાં થશે. તેમના પિતાનું નામ શ્રી રવજીભાઈ પંચાણભાઈ મહેતા અને માતાનું નામ શ્રી દેવબાઈ હતું. તેમના નાના ભાઈનું નામ મનસુખભાઈ હતું. તેમને ચાર બહેનો હતી. તેમનું બાળપણનું નામ લક્ષ્મીચંદ કે અભેચંદ હતું. પરંતુ પોતે જ ત્રણ ચાર વર્ષના થયા ત્યારથી પોતાનું નામ રાયચંદ રખાવ્યું હતું.
મરણ એટલે શું? શ્રીમદ્દ જ્યારે સાત વર્ષના હતા ત્યારે તેમની સાથે પ્રેમથી વર્તતા અમીચંદ નામે પાડોશીનું સર્પ કરડવાથી મરણ થયું. મરણની વાત પહેલવહેલી સાંભળી તેથી તે દાદાને પૂછવા લાગ્યા કે મરણ એટલે શું? તત્ત્વજ્ઞાનની ટોચે પહોંચનારનો તત્ત્વ વિષે આ પ્રથમ પ્રશ્ન છે. તેમના દાદાએ તો બાળકને સમજાય એવો સરળ ઉત્તર આપ્યો કે હવે તે ખાશે નહીં, પીશે નહીં, બોલશે નહીં. પણ તેટલાથી તેમને સંતોષ ન થયો અને તેમણે પૂછ્યું કે હવે તેમને શું કરશો? વૃદ્ધે કહ્યું કે બાળી મૂકશું. આ સાંભળી શ્રીમદ્ એટલી નાની ઉંમરમાં પણ માનવામાં ન આવ્યું અને વિચારવા લાગ્યા કે માણસને તે બાળી મુકાય? છોકરાને પટાવવા કહેતા હશે એમ લાગ્યું. પણ કુતૂહલવૃત્તિ જાગી કે આપણે જોયું કે અમીચંદનું શું કરે છે? તેને કોઈ કાઢી ન મૂકે માટે બધાની પાછળ રહી સ્મશાન સુધી ગયા અને એક નાના બાવળના ઝાડ પર ચઢીને જોવા લાગ્યા. ચિતા ખડકી શબ મૂકી અગ્નિસંસ્કાર કર્યો. તે જોઈ તેમને અત્યંત ખેદ અને આશ્ચર્ય પ્રગટ્યાં કે જેમ કહેતા હતા તેમ અમીચંદને બાળી જ મૂક્યા.