________________
શ્રીમદ્ અને સુપુત્રી જયાબેન
૨૭
સાથે એક પત્રમાં ટૂંકમાં આ પ્રમાણે કર્યું છે –
મનદુઃખ! હું છેવટની પળ પર્યંત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે મને ચેતવ્યો તથાપિ રાગને લઈને તે હું સમજી શક્યો નહીં. હવે સ્મરણ થાય છે કે તેઓશ્રીએ મને અનેકવાર ચેતવણી આપી હતી. દેહત્યાગના આગલા દિવસે સાંયકાળે પૂ.રેવાશંકરભાઈને, પુ, નરભેરામભાઈ અને મને કહ્યું, ‘તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિભાવે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારા વ્યક્ત થવાની હતી તે કહેવાનો હવે સમય નથી. તમે પુરુષાર્થ કરશો....' અમે તો એવી જ ગફલતમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે ‘નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિમૃત્યુ છે.’ ઉપાયો કરતાં શરદી ઓછી થઈ. સવારે પોણા આઠ વાગ્યે દૂધ આપ્યું તે તેઓએ લીધું. સંપૂર્ણ શુદ્ઘિમાં મન, વચન અને કાયાના યોગો હતા.
જ
પોણા નવે કહ્યું : ‘મનસુખ, દુઃખ ન પામતો, માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.' સાડાસાત વાગ્યે જે બિછાનામાં પોઢ્યા હતા, તેમાંથી એક કોચ પર ફેરવવાની મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જ જણાય છે, માટે ફેરફાર ન કરવો. ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે કોચ પર સમાધિસ્થ ભાવે સૂઈ શકાય તેવી વ્યવસ્થા કરી. તે જ કોચ પર તે પવિત્ર આત્મા અને ઠેઠ સમાધિભાવે છૂટા પડ્યા. લેશમાત્ર આત્મા છૂટો થયાના ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ઊભા ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ પર સમાઘિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી, આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હમેશાં દિશાએ જવું પડતું એને બદલે આજે કંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાઘિ સ્વભાવે તે પવિત્ર આત્મા અને કેહનો સંબંઘ છૂટ્યો.'' આ પંચમકાળે મળેલ પવિત્રાત્મા રત્નચિંતામણિ સમાન આ દેનો સંબંધ છોડી આપણને મૂકી સ્વઘામ સિધાવ્યા.
પરમકૃપાળુદેવની અંતિમ અદ્ભુત દશા
વીતરાગભાવે સ્થિતિ હોઈ કોઈપણ પ્રકારે, તેઓશ્રીએ દેહને પોતાનો માનીને પ્રવૃત્તિ કરેલી નહીં. પ્રભુના દેહત્યાગ અવસરે મોરબીના વકીલ શ્રી નવલચંદભાઈ હાજર હતા. તેમણે શ્રી અંબાલાલભાઈ પરના પત્રમાં લખેલું કે તેમની “નિર્વાણ સમયની મૂર્તિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત, મનોહર અને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતા તેઓને પણ આશ્ચર્ય પમાડતી અને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતો નથી.’’
પરમકૃપાળુદેવનો દેહ વિલય
સંવત્ ૧૯૫૭ના ચૈત્ર વદી પાંચમને મંગળવારે બપોરે બે વાગતાં રાજકોટમાં પ્રભુ આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા, જે જે મુમુક્ષુઓને જેટલા પ્રમાણમાં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમના વિયોગનું દુઃખ તેમને લાગ્યું.