________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૬
(આવી રીતે મોક્ષમાળાના પાઠો પણ આરજાજીઓને સમજાવ્યા હતા.) ગ્રંથોના પાના ફેરવી જણાવેલ સહજાનંદસ્વામીનો અભિપ્રાય
એક વખત સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ સાહેબજી પાસે આવ્યા. તે સાધુઓ પાસે તેમના ઘર્મસંબંઘી ગ્રંથો હતા. તે ગ્રંથો તેઓએ સાહેબજી પાસે મૂક્યા. તે ગ્રંથો હાથમાં લઈ ફક્ત પાનાઓ ફેરવી સાહેબજીએ જણાવ્યું કે સહજાનંદસ્વામીએ જે નિરૂપણ કર્યું છે તે આ પ્રમાણે છે. તેમણે મત ચલાવ્યો તેનો હેતુ આ પ્રમાણેનો હતો, પરંતુ તમે તો આ પ્રમાણે વર્તો છો. તેનો કાંઈપણ જવાબ તેઓ આપી શક્યા નહીં અને થોડો વખત બેસી ચાલ્યા ગયા.
અમારે ભગવાન મહાવીરથી વિરુદ્ધ કંઈ કહેવું નથી –ચિત્ર નંબર ૧ કેટલાક લોકો અજાણપણામાં તેમજ સાહેબજીના સમાગમમાં નહીં આવેલ હોવાથી એમ ઘારતા હતા કે એ તો કંઈ બઘાથી જુદી જ વાત કરે છે. એકવાર તે લોકો સાહેબજી પાસે આવ્યા હતા. ત્યારે સાહેબજીએ તેઓના વગર કીઘે જણાવ્યું કે તમારું અમારા માટે જે ઘારવું છે, તે ભૂલ ભરેલું છે. શ્રી મહાવીરે જે માર્ગ દર્શાવેલ છે એજ પ્રમાણે ચાલવાનું છે. તે સિવાય બીજા કોઈ પ્રકારે માર્ગ મળી શકવાનો નથી. અમારે કાંઈ શ્રી મહાવીરે દર્શાવેલ માર્ગથી વિરુદ્ધ દર્શાવી અનંતો સંસાર વઘારવો નથી, વિરુદ્ધતાથી કહેવાનું કાંઈ પ્રયોજન નથી.
શ્રીમદ્ સોળે ભાષા બોલી, વાંચી અને લખી શકતા હતા –ચિત્ર નંબર ૨ સાહેબજી પોતે સવારમાં હંમેશ નાહીને લગભગ બે ત્રણ કલાક સુધી સૂત્રજીના પાના વાંચતા હતા. તે એવી રીતે વાંચતા હતા કે એક પાનું લીધું કે બીજાં ફેરવ્યું, એમ અનુક્રમે પાના ફેરવી જતા. સાહેબજીએ ફક્ત ગુજરાતીનો જ અભ્યાસ કર્યો હતો, પરંતુ તમામ ભાષામાં-સોળે ભાષામાં બોલી શકતા, વાંચી શકતા અને લખી શકતા હતા. તે તે ભાષાઓનો જેઓએ અભ્યાસ કરેલો હોય તેઓની થતી ભૂલો પણ સુધારી આપતા કે આ ઠેકાણે તમારી આટલી ભૂલ થાય છે. તે જાણી મને ઘણું આશ્ચર્ય લાગતું હતું.
સપુરુષ પાસે ઋદ્ધિ સિદ્ધિ માટે આવવાથી સંસાર વૃદ્ધિ –ચિત્ર નંબર ૩ કેટલાક લોકો સાહેબજી પાસેથી ઋદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થશે, તેવા હેતુથી આવતા હતા. તેઓ તરફ સાહેબજી બિલકુલ લક્ષ આપતા નહોતા. એક વખતે સાહેબજીએ જણાવ્યું કે તમો અમારી પાસે જે ઇચ્છાએ આવો છો તેવી ઇચ્છાએ અમારી પાસેથી તમોને પરમાર્થલાભ નહીં થાય, તેવી ઇચ્છાઓ ભવવૃદ્ધિના હેતુ છે, માટે તેવી ઇચ્છાએ આવશો નહીં.
મુસલમાનોને જણાવેલ મહંમદ પેગંબરનો આશય –ચિત્ર નંબર ૪ એક વખત મુસલમાન ખોજા મેમન વગેરે સાહેબજી પાસે આવ્યા હતા. તેઓની સાથે સાહેબજી મજીદમાં પધાર્યા હતા. હું પણ સાથે હતો. ત્યાં સાહેબજીએ તેઓને જણાવ્યું કે તમારા મહંમદ પેગંબરે આ પ્રમાણે કહ્યું હતું, અને તમો આ પ્રમાણે વર્તો છો તે ભૂલ છે. તેઓનો હેતુ આ પ્રમાણેનો હતો, નમાજનો અર્થ આ પ્રમાણે છે વગેરે કેટલીક વાતચીત કરી હતી. પછી તે લોકો માંહેથી એક જણ બોલ્યો કે – આપકા કહના સબ સચ્ચા હી હૈ, પરંતુ અનસમજ કે કારણ બરાબર સમજમેં નહીં આયા ઈસલિયે ફેરફાર વર્તતે હૈ વગેરે બોલ્યા હતા. ત્યારબાદ સાહેબજી મુકામે પધાર્યા હતા.