________________
પ્રથમવૃત્તિનું નિવેદન
આ ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના બોધદાયક પ્રેરક પ્રસંગો છે.
આ પ્રસંગો પરમકૃપાળુદેવને સાક્ષાત્ મળેલા મુમુક્ષુ ભાઈઓ દ્વારા લખાવેલ કે સ્વયં લખેલ ઘટનાઓની નોંઘ છે. આ વાસ્તવિક ઘટનાઓ હોવાથી પરમકૃપાળુદેવની અદ્ભુત અંતર આત્મદશાની ઓળખાણ કરાવે છે. એ અંતર આત્મદશા પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ ઉપજાવે છે અને તેમના પ્રત્યે શ્રદ્ધાનું બળવાન કારણ બને છે.
૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહે છે કે-આ ભવમાં એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા કરી લો. ગમે તેમ કરીને પણ શ્રદ્ધા કરી લો, શ્રદ્ધા એ સમકિત છે. એ વ્યવહાર સમકિત તે નિશ્ચય સમકિત એટલે આત્મ-અનુભવનું કારણ થાય છે. અને આત્મઅનુભવ જીવને કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. માટે આ ભવમાં સૌથી પ્રથમ સમકિત કરવા યોગ્ય છે.
“સમકિત નવી લહ્યું રે, એ તો રુલ્યો ચતુર્ગતિ માંહે.” સમકિત એટલે શ્રદ્ધા વગરનું ગમે તેટલું જ્ઞાન કે ચારિત્ર જીવને મોક્ષ આપનાર નથી. માટે પરમકૃપાળુદેવના સર્વ પ્રેરક પ્રસંગોને એકત્રિત કરી અત્રે આપવામાં આવ્યા છે. જેથી પરમકૃપાળુદેવની સમગ્ર આત્મચર્યાનો સંપૂર્ણ ખ્યાલ મુમુક્ષુને આવી શકે અને તેમના પ્રત્યે ભક્તિ પ્રગટે.
“ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાનશુન્ય જ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૩)
માટે આ ગ્રંથમાં ઈડરથી મળેલા પરમકૃપાળુદેવના પ્રસંગો, વવાણિયાથી પ્રકાશિત “આપ્તપુરુષોની જીવનરેખા”ના પ્રસંગો, બ્ર.શ્રી મોહનભાઈની નોટમાં લખેલા પ્રસંગો, શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી તથા શતાબ્દી સ્મારક ગ્રંથમાંના પ્રસંગો, જીવનકળામાંના પ્રસંગો અને સત્સંગ સંજીવની'માંના પ્રસંગો; એ સર્વને એકત્રિત કરી અત્રે આપવામાં આવ્યા છે.
આ સર્વ પ્રસંગોના ફકરાઓનો આશય સરળતાથી સમજાય અને નવીન નવીન ભાવ જાણવાની ઉત્સુકતા બની રહે, તે માટે દરેક ફકરાની ઉપર તેના મથાળારૂપે શીર્ષક આપવામાં આવેલ છે. તથા આ ગ્રંથમાં કુલ ૫૬ રંગીન અને શેપીયા કલરના ચિત્રો છે. જેમાં પરમકૃપાળુદેવની સર્વ મુદ્રાઓ, પ્રસંગને અનુરૂપ રંગીન ચિત્રો તથા પરમકૃપાળુદેવને મળેલા મુમુક્ષુઓના રંગીન તથા શેપીયા કલરના ફોટાઓ પણ આમાં મુકવામાં આવેલ છે.
આ સર્વ પ્રસંગોનો યથાવત્ ભાવ છપાવવા પ્રયત્ન કર્યો છે. છતાં ક્યાંય ભાવ જાણવામાં મુમુક્ષુને મુશ્કેલી પડે ત્યાં તે ભાવને સુધારીને મૂકવામાં આવેલ છે. પરમકૃપાળુદેવના આ સર્વ પ્રસંગો મુમુક્ષુઓને અદ્ભુત પ્રેરણા આપી શ્રદ્ધાનું પ્રબળ કારણ બનો તથા પરમકૃપાળુદેવ પ્રત્યે પરમપ્રેમ પ્રગટો એવી શુભેચ્છા સહ વિરમું છું.
-આત્માર્થ ઇચ્છક પારસભાઈ જૈન