________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૦૦
ઉલ્લાસભરી વાતો કરતા. એક દિવસ તો હું જંગલમાં નિવૃત્તિ અર્થે જતો ત્યાંથી વિરહ સહન નહિ થવાથી રાળજ ગયો. ચોમાસામાં મુનિથી પરગામ વિહાર ન થાય અને ત્યાં
જવાને માટે આજ્ઞા મંગાવેલી નહીં, માટે પૂજ્યશ્રી ઊતર્યા હતા તે બંગલાથી થોડે દૂર રહી એક માણસ દ્વારા કહેવડાવ્યું કે–પેલા બંગલે જઈ અંબાલાલ કરીને એક ભાઈ છે તેમને કહો કે એક મુનિ આવેલા છે તે તમને બોલાવે છે. તેથી શ્રી અંબાલાલભાઈ મારી પાસે આવ્યા અને મને ઠપકો દેતાં કહ્યું કે “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છો?” તે ઉપરથી મેં કહ્યું કે “આજ્ઞા મંગાવવા માટે તો હું અહિં ઊભો રહ્યો છું. અને તમને આજ્ઞા વિરુદ્ધ લાગતું હોય તો હું પાછો જતો રહું.” શ્રી અંબાલાલે કહ્યું : એમ તો જવા ન દઉં, મને ઠપકો મળે. માટે પરમકૃપાળુદેવ જેમ આજ્ઞા કરે તેમ કરો. હું પૂછી આવું છું.” પછી શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ પાસે જઈને મારા આવ્યાની ખબર કહી. ત્યારે તેઓશ્રીએ કહ્યું કે-“મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તે તરફ નીકળીને મળું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે ચાલ્યા જાય.” તે મુજબ શ્રી અંબાલાલભાઈએ આવીને મને સંભળાવ્યું. ત્યારે મેં કહ્યું કે-“આજ્ઞાનું પાલન થાય તેમ મારે કરવું. માટે હું પાછો ચાલ્યો જાઉં છું.”
વિરહાગ્નિની વેદનામાં રાત્રિ પરાણે વ્યતીત કરી ખેદખિન્ન થઈ મારા ભાગ્યનો દોષ દેખતો હું વિરહાગ્નિથી સંતાપ પામતો આંખમાંથી ઝરતી આંસુઘારા લૂંછતા ખંભાત તરફ પાછો ફર્યો. ખંભાત જઈ તે રાત્રિ પરાણે વ્યતીત કરી. પછી બીજે દિવસે પરમદયાળનાથે મારા પર પરમ દયા કરીને પૂજ્યશ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ અને શ્રી અંબાલાલભાઈ એ ત્રણે પવિત્ર પુરુષોને રાળજથી ખંભાત મોકલ્યા. વિરહાગ્નિથી મારું અંતઃકરણ તપી રહ્યું હતું. સત્સમાગમ માટે અત્યંત આતુર હતું. સમાગમ વિના એક પળ પણ હજારો વર્ષ જેવી દુઃખરૂપ લાગતી હતી. તે વિયોગની શાંતિને અર્થે જેમ શ્રી કૃષ્ણ વ્રજમાં ગોપાંગનાઓ પાસે ઉદ્ધવને મોકલી, વ્યાકુળ થયેલી ગોપીઓને પરમ સુખકાર એવો સંદેશો કહ્યો હતો કે હવે અલ્પ સમયમાં શ્રી વાસુદેવ વ્રજમાં પઘારશે. આ સંદેશો શ્રવણ કરીને ગોપાંગનાઓને જે આનંદ થયો હશે, તેનું વર્ણન શી રીતે થઈ શકે? તેવા પ્રકારે મને પણ પૂજ્ય સૌભાગ્યભાઈએ પરમ શાંતિ આપી કહ્યું કે–પરમકૃપાળુદેવ તમને સમાગમ કરાવશે અને આપને કહેવા યોગ્ય જે વાત કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે.
જે વિનયાદિ સાચવવાના તે પરમકૃપાળુ દેવ માટે જ પ્રથમ પૂ.સૌભાગ્યભાઈને ઉપાશ્રયમાં પ્રવેશ કરતા દેખીને જ મને હર્ષોલ્લાસ આવેલો તેથી એકદમ પાટ ઉપરથી ઊઠી તેમની સામે જવા હું ઘારતો હતો, તેટલામાં તો તે શાંતમૂર્તિ શ્રી સૌભાગ્યભાઈ ઝડપથી મારી નિકટ આવી મને પાટ ઉપર પાછો બેસાડી દીધો. અને પોતે નીચે બેસી બોલ્યા કે જે વિનયાદિ સાચવવાના છે તે પરમકૃપાળુદેવ માટે જ છે, તેમને જ છાજે, અમારી તેવી દશા નથી. આવા વિનય ભરપૂર આગ્રહથી હું પાટ પર બેસી રહ્યો.
‘સહજાત્મ સ્વરૂપ પરમગુરુ' મંત્રની આજ્ઞાથી પરમ સંતોષ થયો પછી પોતે પરમકૃપાળુદેવ તરફથી મારે માટે જે કલ્યાણકારક પવિત્ર સમાચાર લાવ્યા હતા તે મને જ કહેવા આજ્ઞા હોવાથી વિનીતભાવે પૂછ્યું કે-આપ નિવૃત્તિ સ્થાને પધારશો? મેં હા પાડી એટલે શ્રી