________________
ભાવનાબોથ-નિવૃત્તિબોઘ
આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક
નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્નજળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને સુઘાતૃષાએ કરીને દુઃખી થાય તેમ ઘર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય, જન્મજરાદિકની પીડા પામે. મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ સુઘાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ઘર્મનો આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અલ્પ કર્મરહિત હોય; અશાતા વેદનીય રહિત હોય. હે ગુરુજનો! જેમ કોઈ ગૃહસ્થનું ઘર પ્રજવલિત થાય છે, ત્યારે તે ઘરનો ઘણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરામરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપો એટલે હું) તારીશ.” - મૃગાપુત્રનાં વચન સાંભળીને શોકાર્ત થયેલાં એનાં માતાપિતા બોલ્યાં, “હે પુત્ર! આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ઘરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવો પડે છે; સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે; અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત, જીવતાં સુઘી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સદેવકાળ અપ્રમાદપણાથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવઘારણ કરવું પડે છે. સંયતિને દાંત શોઘનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિરવદ્ય અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામભોગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ઘારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ઘન, ઘાન્ય, દાસનાં સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભનો ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ઘારણ કરવું અતિ વિકટ છે. રાત્રિભોજનનું વર્જન, ધૃતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું, તે અતિ દુષ્કર છે. | હે પુત્ર! તું ચારિત્ર ચારિત્ર શું કરે છે? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે? શુઘાના પરિષહ સહન કરવા; તૃષાના પરિષહ સહન કરવા; ટાઢના પરિષહ સહન કરવા; ઉષ્ણ તાપના પરિષહ સહન કરવા; ડાંસ મચ્છરના પરિષહ સહન કરવા; આક્રોશના પરિષહ સહન કરવા; ઉપાશ્રયના પરિષહ સહન કરવા; તૃણાદિક સ્પર્શના પરિષહ સહન કરવા; મેલના પરિષહ સહન કરવા; નિશ્ચય માન કે હે પુત્ર! એવું ચારિત્ર કેમ પાળી શકાય? વઘના પરિષહ, બંઘના પરિષહ કેવા વિકટ છે? ભિક્ષાચરી કેવી દુર્લભ છે? યાચના કરવી કેવી દુર્લભ છે ? યાચના કરવા છતાં ન પમાય એ અલાભપરિષહ કેવો દુર્લભ છે? કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશલોચન કેવું વિકટ છે? તું વિચાર કર, કર્મવૈરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે? ખરે! અધીર આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે.
પ્રિય પુત્ર! તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું