________________
પ્રાતઃકાળની સ્તુતિ
પાર ઉતારો. II૪॥
૩૯
ઉત્તમ ગતિ આપો, સદ્ધર્મ સ્થાપો, કિક્વિષ કાપો હાથ ગ્રહી; પ્રકાશે પ્રતાપો, અખિલ અમાપો, ભવદુઃખ કાપો નાથ સહી; અવનીમાં તમારો સૌથી સારો જે શુભ ધારો સુખધામી. સ૦ ૫ અર્થ—હે પ્રભુ ! હવે મને ઉત્તમ ગતિરૂપ મોક્ષ આપો. તે મેળવવા અર્થે સદ્ ધર્મ તે આત્મધર્મ છે, તેની આરાધનામાં મારા મનને સ્થાપિત કરો. અને મારો હાથ ગ્રહી, તે દ્વારા થતા કિક્વિષ એટલે પાપો, અપરાધો કે દોષોને હવે કાપી નાખો. આપનો પ્રતાપ એટલે પ્રભાવ જગતમાં સર્વત્ર પ્રકાશિત છે. તે અખિલ એટલે સમસ્ત વિશ્વમાં અમાપ એટલે અનંત છે. માટે હે નાથ ! સહી એટલે
નક્કી મારા ભવદુઃખને આપ કાપી જ નાખો. આ અવની એટલે પૃથ્વી ઉપર આપનો સૌથી સારો શુભ ધારો છે એટલે સર્વશ્રેષ્ઠ આપના સિદ્ધાંતો પ્રવર્તમાન છે. તે પ્રમાણે વર્તવાથી હે સુખધામી એટલે હે સુખના ઘરરૂપ પ્રભુ! અમે આપના શુદ્ધ સહજાત્મસ્વરૂપને જરૂર પામી શકીશું એમ અમને પૂર્ણ ખાત્રી છે. પા
(૨)
જય જગતત્રાતા, જગતભ્રાતા, જન્મ હરજગદીશ્વરા, સુખ સર્વ કારણ, ધર્મધારણ, ધીર વીર મહેશ્વરા;
અતિ કર્મ કંદન, ચિત્ત ચંદન, ચરણ કમળે ચિત્ત ધરું;
સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. ૧ અર્થ–પરમકૃપાળુદેવનો સદા જય જયકાર હો. કેમકે આપ તો જગત જીવોને આધિ વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિથી બચાવનાર એવા જગતત્રાતા છો. સર્વ જીવોનું હિત ઇચ્છનાર હોવાથી જગતભ્રાતા એટલે જગત જીવોના બાંધવ છો. જન્મજરામરણને હરણ કરનાર હોવાથી જગતવાસી જીવોના ઈશ્વર છો. ભૌતિક કે આત્મિક સર્વ પ્રકારના સુખનું કારણ હોવાથી સત્પુરુષ છો. જીવોને ધર્મમાં ધારી રાખનાર હોવાથી ધર્મ ધારણ છો. સુખદુઃખમાં ધૈર્યવાન હોવાથી ધીર અને શુરવીર છો. આત્માનું મહાન ઐશ્વર્ય પ્રાપ્ત કરેલ હોવાથી મહેશ્વર છો. અતિ દુઃખ આપનાર એવા કર્મોનું કંદન એટલે નિકંદન અર્થાત્ જડમૂળથી તેમને નષ્ટ કરનાર છો. ચિત્તને વિકલ્પોથી શાંત કરી શીતળતા ઉપજાવનાર હોવાથી ચંદન સમાન છો. એવા આપ પ્રભુના ચરણકમળમાં મારા
૪૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ચિત્તને ધારણ કરી રાખું છું. તથા સહજાત્મસ્વરૂપમાં રમણતા કરનાર સદૈવ સેવવા યોગ્ય એવા સદ્ગુરુ પરમકૃપાળુ પરમાત્માને હું વિધિપૂર્વક વંદન કરું છું. ॥૧॥ આનંદસાગર-ચંદ્ર, નાગર-વૃંદ શ્રી સુખકંદ છો; ભવ ફંદ હારક, છંદ ધારક, સર્વ સદ્ગુણ ચંદ્ર છો; સુખકાર છો ભવપાર નહિ કંઈ સાર ચિત્તમાં હું ધરું. સ૦ ૨ અર્થ—પૂર્ણિમાના ચંદ્રને નીરખી સાગર એટલે સમુદ્રમાં ભરતી આવવાથી તે પણ તરંગોને ઉછાળી આનંદ માણે છે, તેમ રાજચંદ્ર પ્રભુને નીરખી ભવ્યાત્માનું મન આનંદની તરંગોથી ઊછળી ઊઠે છે; તેથી આપ આનંદસાગર—ચંદ્ર છો.
નાગર–વૃંદ એટલે નગર લોકોના સમૂહમાં આપ શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત હોવાથી સુખકંદ એટલે સુખના મૂળ છો. ભવ એટલે ચારગતિરૂપ સંસારના ફંદ એટલે જાળને તોડી અમને બહાર કાઢનાર છો. છંદ એટલે અક્ષરની માત્રાના મેળથી, નિયમાનુસાર બનાવેલી કવિતાઓના અનેક પ્રકારના છંદ, તેના ધરનાર છો. સર્વ પ્રકારના સદ્ગુણો આપનામાં ખીલી ઉઠવાથી આપ ચંદ્ર જેવી શીતળતાના આપનાર છો. અમને ભવ એટલે સંસારથી પાર ઉતારી શાશ્વત સુખના કર્તા હોવાથી સુખકાર છો. સંસારના ક્ષણિક ભોગોમાં કંઈ પણ સારભૂતતા નથી એવા આપના નિર્મળ ઉપદેશને હું ચિત્તમાં ધારણ કરું છું. તથા સહજાત્મસ્વરૂપી એવા પરમગુરુની આજ્ઞા જ ઉઠાવવા યોગ્ય છે એમ માની આપને વારંવાર પ્રણામ કરું છું. ॥૨॥
વિકરાળ આ કળિકાળ કેરી, ફાળથી ભય પામતો; ગુરુ ચરણ કેરા શરણ આવ્યો, ચિત્તમાં વિશ્રામતો; ગુરુ પૂરણ પ્રેમી કર ધરે શિર એમ આશા આચરું. સ૦ ૩ અર્થ—વિકરાળ એટલે ભયંકર આ હુંડાઅવસર્પિણી કળિકાળમાં જીવોનું મોહમયી, મિથ્યાત્વી અને અનાર્ય જીવોની સમાન વર્તન સાંભળીને મારા હૃદયમાં ફાળ એટલે ધ્રાસકો પડ્યો. જેથી ભય પામીને હું પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતના ચરણકમળના શરણમાં આવ્યો છું, તેથી મારા ચિત્તમાં વિશ્રાંતિ ઊપજી છે. હવે સર્વ જીવોના પૂરણ પ્રેમી એવા સદ્ગુરુ ભગવંત મારા માથા ઉપર કર એટલે પોતાનો હાથ ધરીને મને સ્વીકારી, પોતાના શરણમાં લે એવી હું આશા રાખી તેમના ઉપદેશ અનુસાર આચરણ કરવા પ્રયત્ન કરું છું. તથા સહજાત્મસ્વરૂપી એવા પરમકૃપાળુ પરમાત્માને હું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રણામ કરું છું. ।।૩।।